- અંધશ્રદ્ધાના કારણે ફૂલ જેવી બાળકી બની અત્યાચારનો ભોગ
- આંચકીની બીમારીથી પીડાતી કોમળ બાળકીને ડામ દેતા તબિયત લથડી : હાલ બાળકીની તબિયત સ્થિર: સિવિલ હોસ્પિટલ તબીબ
અંધશ્રદ્ધાના કારણે ઘણીવાર બેઝૂબાન બાળકો શિકાર બનતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ફૂલ જેવા બાળકો ઘણીવાર મોટી મુશ્કેલીઓમાં પડી જાય છે. આવી જ એક ઘટના ગોંડલના ગુંદાળા ગામે બની હતી. જેમાં માત્ર બે માસની બાળકીને અંધશ્રદ્ધાના કારણે પરિવારજનો અને ભૂવાએ શરીરે ધગધગતી સોયના ત્રણ ડામ આપ્યા હતા. માસુમ બાળકીને આંચકીની બીમારી થતા પરિવારજનો હોસ્પિટલને બદલે દાહોદ ભૂવા પાસે લઇ ગયા હતા. બાળકીને શરીરે ડામ દીધા બાદ તબિયત લથડતા તમામ ઘટના પરથી પડદો ઊચકાયો છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ચોકડી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારની બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. ગુંદાળા ચોકડી પાસે જીવરાજ પાર્ક માં રહેતા અને કડિયા કામ કરી ગુજરાન ચલાવતા અકલેશ ભુરીયાની બે માસની માસુમ બાળકી પ્રિયા ભુરીયાને આંચકીની બીમારી છે. વીસેક દિવસ પહેલા કોમળ જેવી બાળકી પ્રિયાને આંચકીની બીમારીની સારવાર માટે હોસ્પિટલ જવાને બદલે તેના પિતા અક્લેશ ભુરીયા તેણીને દાહોદ ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં કાળા જાદુ કરતા ભૂવાએ ફૂલ જેવી બાળકીને શરીરે ધગધગતી ત્રણ ડામ આપ્યા હતા. ત્યાર બાદ પરિવારજનો ફરી ગોંડલ આવી ગયા હતા.
દાહોદ બાળકીને ડામ અપાવ્યા બાદ ફરીથી ગોંડલમાં વસવાટ કરવા લાગેલા પરપ્રાંતીય પરિવારની બાળકી પ્રિયાને બે દિવસથી તાવ ઉતરતો ન હોવાથી તેણીને ગોંડલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ બાળકીને આંચકી સાથે તાવ આવતો હોવાથી ગોંડલના તબીબોએ તેણીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલના કેટી ચિલ્ડ્રન વિભાગમાં બાળકીને સારવાર માટે દાખલ કરતા તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપતા બાળકીને શરીરે ડામ દીધા હોવાનું સામે આવતા ડોક્ટરઓ પણ ચોકી ઉઠયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને વિજ્ઞાન જાથાના સભ્યો દોડી ગયા હતા. બાળકીની તબિયત હાલ સ્થિર હોવાનું પણ કેટી ચિલ્ડ્રન વિભાગના તબીબોએ જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી પરિવારજનો અને દાહોદ ના ભુવા સામે કડક કાર્યવાહી કરવા માટે કામગીરી હાથધરી છે.
વિજ્ઞાનના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં ગળાડુબ
દુનિયામાં વિજ્ઞાન અનેક નવી શોધ સાંભળી રહી છે ત્યારે ઘણા લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા છે તેઓ જ એક કિસ્સો ગોંડલના ગુંદાળા ગામે સામે આવ્યો છે જેમાં પરિવારજનોએ કોમળ બાળકીને બીમારી સબબ હોસ્પિટલ ખસેડવાને બદલે દાહોદમાં ભૂવા પાસે લઈ જાય શરીરે ધગધગતી સોયના ડામ આપ્યા હતા. ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્રમાં અંધશ્રદ્ધાના પગલે એક મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી દુનિયા હાલ વિજ્ઞાન તરફ અને એક શોધખોળ કરી રહી છે ત્યારે હજુ પણ ઘણા લોકો અંધશ્રદ્ધા અને માન્યતા આપી પોતાનાઓને જ તેનો ભોગ બનાવી રહ્યા છે.