દોઢ કરોડના મુદ્દામાલ સાથે ૧૬ ઝડપાયા
આર. આર. સેલની ટીમે દરોડો પાડ્યો ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જરૂરી
જોડીયા તાલુકાના તારાણા-મોરાણા નજીક ખનીજચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે જેવી રીતે બાંધકામ ઊદ્યોગ ધમધમી રહ્યો છે. તેમ રેતીનો ઉદ્યોગ મોટા પાયે ધમધમી રહ્યો છે નદીના તટ રેતી વિનાના થઈ રહ્યા છે ખનીજ ચોરો દરીયા કિનારેથી બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે જોડીયાના બાલંભામાં ગઈકાલે પૂર્વ બાતમીના આધારે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલે દરોડો પાડી રેતી ચોરી પકડી પાડી છે. ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા સોળ શખ્સોને રૃા. દોઢેક કરોડના વાહનો સાથે ઝડપી લેવાયા છે.
જોડીયા તાલુકામાં લાંબા સમયથી રેતી ચોરી થઈ રહી હોવાની બાતમી મળતા ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી સંદીપસીંઘની ટુકડી-આરઆર સેલના પીએસઆઈ વી.બી. ચૌહાણ તથા સ્ટાફના સંદીપસિંહ ઝાલા, શિવરાજ ખાચર, કમલેશ રબારી વિગેરે વોચ ગોઠવી હતી. જેમાં જોડીયા તાલુકાના બાલંભા ગામના ખારા વિસ્તારમાં આવેલા સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે ખોદી કઢાતી રેતીનું કૌભાંડ ઝડપાઈ ગયું છે. ત્યાં ત્રાટકેલી આરઆર સેલની ટુકડીએ રેતી ભરવામાં લગાડવામાં આવેલા નવ ડમ્પર ઉપરાંત રેતીનું ખનન કરવા માટે વપરાતા બે જેસીબી, એક એક્સલેટર, ટ્રોલી સોના બે ટ્રેકટર અને સ્થળ પરથી ૧૬ શખ્સની અટકાયત કરી હતી. હમીર મેપાભાઈ પીઠમલ, સુરેશ પુનાભાઈ જાદવ, અશોક મેસુરભાઈ, જીતુભાઈ કાળુભાઈ, ઘનુભા વેરૃભા, જગદીશસિંહ મહીપતસિંહ સહિતના શખ્સો ત્યાં ખોદકામ કરી જેસીબીથી ટ્રક, ટ્રેકટર ભરતા હતાં. તે તમામની અટકાયત કરી અંદાજે રૃા. દોઢેક કરોડના વાહનો ઝબ્બે લેવામાં આવ્યા છે. તમામ સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચારીઓની રહેમી ખનિજ ચોરો બન્યા બેફામ
જોડીયાના કુન્નડ, ભાદરા સહિતના ગામોમાં તંત્રની મીઠી નજર હેઠળ લાખો ટન રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. તે બાબતે રાજકોટના પ્રહલાદસિંહ બી. જાડેજાએ જામનગર સ્થિત ખાણ ખનિજ કચેરી, જિલ્લા પોલીસવડા, એસીબી તેમજ ખાણ ખનિજ કમિશ્નરને રજુઆત કરી રોયલ્ટીની ચોરી થતી અટકાવવા માંગણી કરી છે.
તેઓએ જણાવ્યા મુજબ જોડીયા તાલુકાના અનેક ગામના નદીકાંઠેી લોકડાઉન ખુલતા જ ખુલ્લેઆમ રેતી ચોરી શરૃ થઈ છે. નદીના કાંઠાના ખેડૂતોને લાલચ આપી તેમના ખેતરમાંથી રસ્તો કાઢી માફીયાઓ દિવસ રાત રેતી ચોરી કરી રહ્યા છે. ખાણ ખનિજના અધિકારીઓ વારંવાર ફોન કરવા છતાં આંખ આડા કાન કરી ફોન ઉપાડતા નથી અને સ્થાનિક પોલીસને થોડે દૂર જ ચાલતી આ ચોરીની કેમ જાણ થતી નથી તે બાબત શંકાસ્પદ છે. જામનગરના કેટલાક ખાણ ખનિજ અધિકારી સામે તપાસ યોજી તેઓની મિલકત વિગેરેની ચકાસણી પણ કરવી જોઈએ.