- હરિભકતોના ઘર મંદિર માટે 725 અક્ષર પુરૂષોતમ મહારાજની મૂર્તિઓની
- સમુહ પ્રતિષ્ઠા: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે સિધ્ધાંત દિન ઉજવાયો
બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજ 91 વર્ષની વયે રાજકોટને આંગણે પધાર્યા છે. ત્યારે 14 થી 10 જુલાઈ સુધી 26 દિવસ સૌને દર્શન આશિર્વાદથી લાભાનવીત કરશે મહંત સ્વામીના રોકાણ દરમ્યાન સત્સંગ સભામાંવિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ગઈ કાલે સિદ્ધાંત દિન અંતર્ગત સાયંસભામાં વિદ્વાન વક્તા પૂજ્ય વિવેક્સાગર સ્વામીના પ્રેરણાત્મક પ્રવચન બાદ ‘ઉપાસકનું ઉપવસ્ત્ર’ શીર્ષક હેઠળ ‘સિદ્ધાંત દિન’ ઉજવવામાં આવ્યો હતો. જેમાં યુવકો દ્વારા પ્રેરણાત્મક સંવાદ ભજવવામાં આવ્યો અને સભામાં ઉપસ્થિત સૌએ ભગવાન સ્વામિનારાયણના ત્રીજા અનુગામી અને અક્ષર પુરૂષોત્તમ સિદ્ધાંતના પ્રખર પ્રણેતા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની સમજ અને સંદેશો મેળવ્યો. સિદ્ધાંત ગાન થયું ત્યારબાદ યુવાનો દ્વારા રોમાંચક નૃત્ય પ્રસ્તુત કરવામા આવ્યું હતું.
આજે હરિભક્તોના ઘરમંદિરમાં શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની સમૂહમાં પ્રતિષ્ઠા થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિને મંચ પર પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓને આકર્ષક રીતે ગોઠવવામાં આવી હતી. કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પ્રતીક રૂપે મૂર્તિઓનું પૂજન સ્વામીશ્રી પાસે કરાવ્યું. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતા કહ્યું હતું, ‘ખરેખરા ઉપાસક થવાનું છે, આ માત્ર મૂર્તિઓ નહિ પણ સાક્ષાત ભગવાન છે એમ માનવું.’
જે રીતે શિખરબદ્ધ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા થાય તે જ રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, અંજનશલાકા, દર્પણ અને આરતી દ્વારા 725 મૂર્તિઓની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ખૂબ જ ભક્તિભાવ પૂર્વક કરી હતી. ગુલાબ પાંખડીઓની વર્ષાથી આ તમામ મૂર્તિઓને વધાવવામાં આવી. હરિભક્તો પોતાના ઘરમંદિર માટે પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિઓને પ્રાપ્ત કરીને ભાવ વિભોર બન્યા હતા.
આજે સાંજે રાજકોટ છાત્રાલયના યુવાનો દ્વારા શિક્ષણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત પ્રેરક સંવાદ અને પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે.