એકબીજાથી દૂર વસતા આપ્તજનો વચ્ચે પરોક્ષ રીતે સેતુબંધ બને છે ‘ટપાલી’  મોબાઈલના યુગમાં અને કુરીયર સર્વીસના જમાનામાં ટપાલોનું મહત્વ અકબંધ

‘સંદેશે આતે હૈ…’ ‘ટપાલ’ નામ સાંભળતા જ થેલો લઈને આવતા ટપાલીનું ચિત્ર દરેકના મગજમાં તાદ્દશ્ય થાય ખરેખર સુખ દુ:ખના સંદેશા આપતા ટપાલીની સમાજ જીવનમાં અગત્યની ભૂમિકા રહેલી છે. પહેલાના જમાનામાં જયારે મોબાઈલ ફોનની કે અન્ય કોઈ સુવિધા ન હતી ત્યારે ઘરે ટપાલ આવતી ત્યારે ઘરમાં ઉત્સવનો માહોલ જામતો, ટપાલ આવતા ઘરનો પરિવાર ખુશખુશાલ થઈ જતો.

દાયકાઓ પૂર્વે ટપાલની આવવાની આતુરતાની મજા જ કંઈક અલગ હતી જોકે સમયની સાથે આ દરેક બાબત વિસરાઈ ત્યારે 1લી જુલાઈએ જયારે નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે ઉજવાય છે ત્યારે જાણીએ પોસ્ટમેનના અનુભવો, ટપાલ મળતા લોકોનાં ચહેરા પર કેવો આનંદ ઉત્સાહ જોવા મળતો વગેરે…

પ્રશ્ન: મહેશભાઈ પોસ્ટમેન તરીકેની નોકરી કયારે શરૂ કરી?

જવાબ: મને નોકરી મળી 19 જાન્યુઆરી 1983 ત્યારે મારો પગાર 700ની આસપાસ હતો આ નોકરી મળતા મને ખુબ આનંદ થયો.

પ્રશ્ન: વજીરભાઈ: તમને નોકરી મળી ત્યારે આપની ઉંમર કેટલી હતી અને કઈ પરિસ્થિતિમાં નોકરી મળી?

જવાબ: હું પહેલા મોરબી નજીક નોકરીએ લાગ્યો. પહેલા હું એલીગેશનમાં હતો ત્યારબાદ પોસ્ટની જગ્યા પડી 1995માં ત્યાં પહેલો પગાર 730 મળ્યો. ત્યારબાદ કામ ઉપરથી મારો પગાર 1800 થયો. મે ત્રણ વર્ષ ગામડામાં નોકરી કરી ત્યારબાદ ખાતાકીય પરીક્ષા જે ત્રણ વર્ષે આવતી તેમાં પરીક્ષા આપી અને પાસ થયો ત્યારબાદ રાજકોટ પોસ્ટમેન તરીકે નિમણુંક થઈ અને કાયમી નોકરી મળી 1997/98માં હું એચ.ઓ.માં આવ્યો અત્યારે એચ.ઓ.માં પોસ્ટમેન તરીકે ફરજ બજાવું છું.

પ્રશ્ન: મહેશભાઈ: પોસ્ટમેન તરીકેની જ કેમ નોકરી સ્વીકારી?

જવાબ: જે તે વખતે અન્ય નોકરી પણ મળતી તેમ છતા આ નોકરી મેં રાજીખુશીથી સ્વીકારેલી આ નોકરીમાં પબ્લિક કોન્ટેક રહેતો હોય જે મને ગમતું મારા પિતા દરજીકામ કરતા પરંતુ નોકરીની સાથે દરજી કામ થઈ શકતું જેથી એ વ્યવસાય પહેલા સરકારી નોકરી અપનાવી.

પ્રશ્ન: વજીરભાઈ: ખાસ કરીને ચોમાસાની ઋતુ હોય બારેમેઘ ખાંગા થયા હોય એવી પરિસ્થિતિમાં પણ સાઈકલ લઈને ટપાલ આપવા જવાનું અને એ પણ ટપાલ તો કોરો જ રહેવી જોઈએ તો આ વસ્તુ કઈ રીતે કરી શકતા?

જવાબ: અમારે ત્રણેય ઋતુમાં કામ કરવાનું હોય જેથી કોઈપણ જાતની મુંઝવણ વગર અમે જે તે વ્યકિતને તેની ટપાલ જલ્દીથી મળે તેવો જ પ્રયાસ કરતા હોઈએ છીએ. ચોમાસાની ઋતુમાં જયારે વરસાદ હોય ત્યારે પ્લાસ્ટિકની બેગમાં ઓફિસેથી ટપાલ લઈ વિતરણ કરીએ જેથી પલળે નહિ ટપાલ એવી વસ્તુ છે જે વ્યકિત માટે કોઈને કોઈ બાબતે ખાસ હોય છે. એ વિચારથી જ અમે વરસાદની સીઝનમાં પણ અમે ભીંજાવાની ચિંતા કરવા કરતા કોરી ટપાલ જે તે વ્યકિતને જલ્દી મળે તેવો જ પ્રયત્ન કરીએ છીએ.

પ્રશ્ન: મહેશભાઈ: વરસાદની ઋતુમાં તમે તમારી જાતને સાચવો, સાઈકલ-છત્રી, ટપાલ વગેરે સાચવો તો આ બધુ કઈ રીતે મેનેજ કરો? કોઈ યાદગાર અનુભવ ખરો?

જવાબ: ખાસ કરીને સીટી વિસ્તારમાં પાંચ સાત માળના બિલ્ડિંગ હોય ત્યાં ટપાલ પહોચતી કરવાની હોય તો સાઈકલ સાઈડમાં મૂકી ટપાલ પલળે નહિ તે માટે થેલો ખંભે રાખીને પણ કોઈપણ પરિસ્થિતિમાં અમે ટપાલનું વિતરણ કરીને પછી જ જંપીએ છીએ. સાઈકલ કે સ્કુટરમાં પંચર પડે તો પણ પહેલાતો ટપાલ જ વિતરણ કરીએ છીએ.

પ્રશ્ન: વજીરભાઈ: કાળઝાળ ઉનાળામાં, 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં ભરબપોરે પણ તડકો સહન કરીને ટપાલ પહોચાડવાની હોય ત્યારે કયારેય એવું થાય ખરૂ કે ટપાલ પછી પહોચાડશું અત્યારે નહિ?

જવાબ: ઋતુ પ્રમાણે ઠંડી-ગરમીતો રહેતી જ હોય છે. ત્યારે ઉનાળાના આકરા તાપથી અમે ટેવાયેલા જ હોઈએ છીએ. અમારૂ ટપાલ વિતરણનું કામ 11 વાગ્યા પછી જ શરૂ થતું હોય એટલે સ્વાભાવિક પણે તડકો તો લાગે જ છે.તેમ છતાં અમે દિલથી કામ કરવા ઉત્સુક હોય એટલે આવી કોઈ સમસ્યા અમને નડતી નથી. એટલું જ નહિ જેતે ઘરે જઈએ ત્યાં લોકો પણ અમારા પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવે છે. આકરા તાપમાં પહોચીએ ત્યારે ઠંડી છાશ-લીંબુ શરબત વગેરે પીવાનો ગ્રાહક આગ્રહ કરે છે. આ રીતે લોકોના આવા આવકારથી અમને આકરા તાપમાં પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી.

પ્રશ્ન: મહેશભાઈ: તમે જયારે નોકરીએ લાગ્યા તે ગાળામાં નતો કોઈ પાસે મોબાઈલ હતા અથવા ભાગ્યે જ કોઈની ઘરે લેન્ડલાઈન ફોન હતા એ દાયકાઓમાં ટપાલનું ખૂબ મહત્વ હતુ લોકો ટપાલ આવે એટલે ઉત્સાહિત થતા. તો આ ગાળામાં તમને કોઈ એવો યાદગાર અનુભવ થયેલો?

જવાબ: પહેલા રોજગાર કચેરીમાંથી નોકરીના ઓર્ડરના પત્રો નીકળતા ત્યારે અનેક યુવક-યુવતીઓ આ પત્રો મેળવી ખુશ થતા એક એવો જ યાદગાર પ્રસંગ જયારે લગ્ન લખીને ટપાલ મારફતે મોકલાતા એકવખ્ત લગ્નની ટપાલ પહોચતી કરી ત્યારે તે વ્યકિત ખૂબ ખુશ થયા અને મીંઢોળ બંધાવાના દ્રશ્યો જોવા લાગ્યા આ જોતા મને પણ ખૂબ ખુશી થઈ.

પ્રશ્ન: વજીરભાઈ: પહેલા લોકો પોતાના બહારગામ રહેલા દિકરા-દિકરીઓનાં પત્રોની રાહ જોતા, મની ઓર્ડરની રાહ જોતા તો આવો કોઈ આપનો યાદગાર અનુભવ ખરો?

જવાબ: મારા વિસ્તારમાં એક વૃધ્ધ હતા જેને નિયમિત હું પોતાના બહારગામ રહેલા દિકરાએ મોકલાવેલા પૈસા પહોચતા કરતો તે વખ્તે વૃધ્ધ માજી મને જોઈ એટલા આનંદિત થતા કે જેને વર્ણવું બહુ મુશ્કેલ છે. પૈસા તેના દિકરાએ મોકલાવ્યા હોવા છતાં વૃધ્ધ માજી મને આર્શીવાદ આપતા અને ખુશ થતા આટલી ખુશીથી વિશેષ અમારા માટે બીજું શું હોય શકે!

પ્રશ્ન: મહેશભાઈ: એક પોસ્ટમેનને સરેરાશ દરરોજ કેટલી સાઈકલ ચલાવવી પડતી હોય છે? પહેલાં તો લિફટ ન્હોતી ત્યારે કેટલા પગથીયાં ચડવા પડતા અને કેવું લાગતું?

જવાબ: મારા વિસ્તારમાં લિફટવાળી બિલ્ડિંગ ન હતી એટલે ઘણા પગથિયા ચડ-ઉતર કરીને દરેક વ્યકિતને સમયસર તેની ટપાલ પહોચતી કરવી પડતી ત્યારે વ્યકિતને ટપાલ સમયસર ન મળે તો તે ઓફિસે પણ રજૂઆત કરતા ટુંકમાં તે વખતે દરેક માટે ટપાલ અગત્યની રહેતી.

પ્રશ્ન: મહેશભાઈ પોસ્ટમેનની નોકરીમાં વધુ પડતું સાઈકલીંગ કરવામાં તેને કઈ રીતે જુઓ છો?

જવાબ: સાઈકલીંગ કરવું એ ખૂબ સારીવાત છે અને જીવનના અંત સુધી તંદુરસ્તી જળવાય રહે છે. નોકરીકાળ દરમ્યાન સાઈકલીંગ કરવાથી હું આજે પણ રોગમુકત છું મને બ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવી કોઈ તકલીફ નથી.

પ્રશ્ન: વજીરભાઈ અત્યારે પોસ્ટમેન સાઈકલ કે બાઈક ચલાવતા થઈ ગયા છે? તો ખરેખરા નોકરીમાં સાઈકલ યોગ્ય છે કે બાઈક?

જવાબ: પોસ્ટમેનની નોકરીમા બાઈક કરતા સાઈકલ જ વધુ અનુકુળ છે. કારણ કે તે તેની ઓળખ છે. તેમ છતા આજની જનરેશન બાઈક લઈને ટપાલનું વિતરણ કરી બધુ એડજસ્ટકરી લે છે. ટુંકમાં ટપાલ વેચવામાં સાઈકલથી જે મજા છે તે બાઈકમાં નથી.

પ્રશ્ન: મહેશભાઈ ટપાલમાં જેમ સારા સંદેશાઓ હોય તેમ ખરાબ સંદેશાઓ પણ મળતા હોય છે. તે ઘણી નિશાનીઓથી ઓળખાય છે. તો જયારે આપ આવા શોક સંદેશાઓ લોકોને પહોચાડો ત્યારે તે વ્યકિતનો પ્રતિભાવ કેવો મળે છે?

જવાબ: અમે આવા સંદેશો લોકોને પહેલા પહોચાડીએ છીએ કારણ કે આ સંદેશો લોકોને મળવો ખૂબ અગત્યનો છે. આવો સંદેશો જયારે જે-તે વ્યકિતને મળે ત્યારે તે વ્યકિત જ નહીં આખો પરિવાર દુ:ખી દુ:ખી થઈ જાય અને અમને પણ થોડુ દુ:ખ લાગે ત્યારે એમ થાય કે આવા સંદેશાઓ પણ આપણે લોકોને પહોચાડવા પડે છે.

પ્રશ્ન: અત્યારે કુરિયરનું ચલણ વધ્યું છે તો શું લોકોને પોસ્ટ વિભાગમાંથી વિશ્ર્વાસ ઉઠી ગયો છે કે શું?

જવાબ: પોસ્ટમેનનું મહત્વ હતુ, છે અને હંમેશા રહેશે. ટપાલો આવતી ઓછી થઈ છે. પરંતુ સરકારી કામકાજોનાં કાગળો એટલે ડ્રાઈવીંગ લાયસન્સ, પાસબુક, એટીએમ કાર્ડ, ઈ-મેમો વગેરે આજની તારીખે પણ પોસ્ટમા જ આવે છે. આજે મોબાઈલની સુવિધા છે. તેમ છતાં કંકોત્રીજયારે હાથોહાથ મળે તે નિમંત્રણ જ આજની તારીખ સ્વીકાર્ય છે. આમ પોસ્ટનું મહત્વ આજે પણ યથાયત છે.

પ્રશ્ન: આજે ટપાલ નાખવા માટે લાલ ડબ્બાઓ કયાંય જોવા મળતા નથી તો શું તે કાઢી નાખ્યા છે?

જવાબ: રાજકોટની તમામ સાત પોસ્ટ ઓફીસની બહાર પોસ્ટ નાખવા માટેના ડબ્બા છે જ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.