બે વ્યક્તિના મૌત નિપજ્યા અન્ય 4 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
લીંબડી હાઇવે પરના કરશનગઢના પાટીયા પાસે બે કાર અને ઈંટો ભરેલા ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક પ્રવિણભાઈ પરમાર અને બીજી કાર ચલાવતા રાજકોટના હિતેન્દ્રકુમાર મારૂ બંનેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. જ્યારે નિરવકુમારને ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છુટયો હતો.
લીંબડી હાઇવે પરના કરશનગઢના પાટીયા પાસે કષ્ટભંજન હનુમાનજીના મંદિર આગળ બે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના ૐ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેન્દ્રકુમાર જેલાભાઈ મારૂ પુત્ર નિરવકુમારને લઈને ગણપત યુનિવર્સિટી મહેસાણા ખાતે અભ્યાસ માટે મુકવા જતા હતા. ત્યારે ઈંટો ભરેલા ટ્રક સાથે અથડાતા હિતેન્દ્રકુમારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે તેમની બાજુમાં બેઠેલા તેમના પુત્ર નિરવકુમારને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતક હિતેન્દ્રકુમાર મારૂને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છુટયો હતો.
બીજા બનાવમાં મુળ ચુડાના અને હાલ વઢવાણની મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા અને લીંબડીની LIC ઓફિસમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ પરમાર લીંબડીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ટકકરાઇને રસ્તાની બીજી બાજુ ફેંકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રવિણભાઈને ઈજા પહોંચતા બગોદરાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પાણશીણા પોલીસ તરફથી જે.એસ.ડેલા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા.