આદિવાસી નવ યુવાનોને સરકારની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી, ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થીક, સામાજિક, શૌક્ષણિક ઉત્થ્થાન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજના સમયમાં નોકરી મેળવવા સ્પર્ધામાં ઉતર્વું પડે જેના માટે આપણે ભણતર અને કૌશલ્યમાં પારંગત થવું જરૂરી છે એમ જણાવ્યું હતું. મંત્રીએ આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે એમ જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વર્ષને મિલેટ વર્ષ જાહેર કરી વડાપ્રધાનએ પરંપરાગત ધાન્યોના સન્માનમાં વધારો કર્યો છે. મંત્રીએ મિલેટ્સને આપણો વારસો ગણાવી રસાયણીક ખેતી તરફ વળેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીની ખુબ માંગ છે બજાર ભાવ પણ સારો મળે છે એમ જાણકારી આપી હતી. મંત્રીએ શિક્ષણ વિભાગ અને આદિજાતી વિભાગની અનેક યોજનાઓ અંગે જાણકારી આપી તેનો લાભ લેવા તથા પોતાના હકો અને અધિકારો બાબતે જાગૃત બનવા અપીલ કરી હતી. સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે એમ જણાવ્યું હતું.
વલસાડ સાંસદ ધવલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ટ્રાઇબલ ટ્રેડ ફેરનું ભવ્ય આયોજન કરાયું છે. આદિવાસી યુવાઓ દરેક ક્ષેત્રે ખુબ સારૂ કામ કરી રહ્યા છે. તેમણે આજે વિવિધ સેમીનારનો લાભ લેવા તથા તેમાંથી સીખ મેળવી આદિવાસી સમાજની કળા, નૃત્ય તથા ઉદ્યોગોને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના પિતા તથા પોતાના જીવનના અનુભવો અને સફળતા વિશે વિગતવાર જાણકારી આપી ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વધુમાં કોઇ પણ વેપાર શરૂ કરવા માટે કઇ કઇ બાબતોને ધ્યાને રાખવું તે અંગે યુવાનોને માર્ગદર્શિત કર્યા હતા.
ધારાસભ્ય નરેશ પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, નવી પેઢીને માર્ગદર્શિત કરી વિકાસની ધારામાં લાવવાનો સરાહનિય પ્રયાસ આ સમાજના આગેવાનો દ્વારા કરાયો છે જે અભિનંદનને પાત્ર છે. તેમણે સ્થાનિક આગેવાનો, વેપારીઓની સફળતાના અનેક ઉદાહરણો આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે યુવાનોને આજના સમયમાં ફક્ત નોકરીનો આગ્રહ ન રાખતા વિવિધ વેપાર/ઉદ્યોગ કરી સંઘર્ષથી સફળતા મેળવવા તથા સમાજને આવા યુવાનોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, ત્રિદિવસીય ટ્રાઇબલ મેળાનું ઉચ્ચ કક્ષાનું આયોજન કરાયું છે. આદિવાસી સમાજ હંમેશા જળ, જમીન, જંગલનો પુજક રહી પ્રકૃતિના સંવર્ધનમાં રચ્યો રહ્યો છે. તેમણે વર્તમાન સરકાર દ્વારા હાથ ધરેલ વિવિધ યોજનાઓનો લાભ લઇ પોતાની રોજગારી ઉભી કરવાની સાથે ઉદ્યોગ સાહસિક બની અન્યને પણ રોજગારી આપી શકાય તે મુજબ સક્રિય પ્રયાસો કરવા પડશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગપતી ચંપક વાડવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેમણે ટ્રેડ ફેરના આયોજન કરવા બદલ સમગ્ર સમાજને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે સમગ્ર સમાજને આદિવાસી યુવાનોને પગભર કરવા આહવાન હર્યું હતું. સ્વાગત પ્રવચન ડો. પ્રદિપ ગરાસિયા દ્વારા આ કાર્યક્રમની અગત્યતા અંગે જાણકારી આપી હતી. આભાર દર્શન ચેતન પટેલ દ્વારા કરાયો હતો. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોર સહિત મહાનુભાવોએ સ્ટોલ અને પ્રદર્શનીની મુલાકાત લઇ વિવિધ સ્ટોલમાંથી ખરીદી કરી સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત MSME શરૂ કરવા, બેંકેબલ યોજના, મળવાપાત્ર સબસીડી વિષય અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તથા જિલ્લા રોજગાર કેદ્ન્ર દ્વારા રોજગારી મેળવવા બાબત અંગે અને ઔધ્યોગિક તાલીમ કેદ્ન્ર દ્વારા કુશળ કારીગર વિષય બાબતે સેમીનારનું આયોજન પણ કરાયું હતું. વિવિધ ઉદ્યોગકારો દ્વારા પોતાની સફળતાની વાત પણ રજુ કરાઇ હતી. નોંધનિય છે કે, આ આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો આગામી તારીખ-09,10 નવેમ્બર–2024 સુધી યોજાનાર છે જેમાં દિવસ અનુસાર વિવિધ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરાયું છે. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ અને જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.