અબતક-રાજકોટ
કચ્છ પંથકમાં નખત્રાણા પાસે આજરોજ વહેલી સવારે સરકારી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને ચાલકને ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં આઠ લોકો ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ વહેલી સવારે નખત્રાણા નજીક રતળિયા ફાટક પાસે સરકારી બસ અને લિગ્નાઇટ ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે-૧૮-ઝેડ-૬૬૫૪ નંબરની એસટી બસ અને જીજે-૧૨-એઝેડ-૧૨૭૪ નંબરના ટ્રક વચ્ચે ધડાકેદાર ટક્કર લાગી હતી. અકસ્માતમાં સાબરકાંઠાના એસટી બસના દ્રાઇવર જશવંતસિંહ કિશોરસિંહ ઝાલા (ઉ.વ.૪૩) અને માંડવીના દર્શડી ગામના ટ્રક દ્રાઇવર પબ્બાભાઈ હમીરભાઈ રબારી (ઉ.વ.૨૨)નું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે આઠ લોકો ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ મથકના પીઆઇ બી.એમ.ચૌધરી અને પીએસઆઇ એન.કે. ખાંભળ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે બસ અનવ ટ્રકના બુકડા બોલાઈ ગયા હતા. જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આજ રોજ વહેલી સવારે નખત્રાણા પાસે એસટી બ અને લિગ્નાઇટ ભરેલાટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને દ્રાઇવરના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં વધુ આઠ લોકો ઘવાતા પોલીસે તમામને હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યારે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી પોલીસે શરૂ કરી છે.