“ઔષધય: શાંતિ વનસ્પતય: શાંતિ.”
તુલસી, લીમડો, પીપળો, વડ તથા કેળ જેવા વૃક્ષો હિન્દુઓમાં વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવે
જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું એટલે કે 1 થી 7 જુલાઈ સુધી વન મહોત્સવ ઉજવવામાં આવે છે. આ એક વાર્ષિક વૃક્ષારોપણ ઉત્સવ છે, જે જંગલને કપાતા રોકવા અને જંગલની રક્ષા કરવા માટેનું એક અભિયાન છે. વન મહોત્સવ દિવસનો ઇતિહાસ 1947 થી શરૂ થયો છે. સૌ પ્રથમ પંજાબી વનસ્પતિ શાસ્ત્રી એમ એસ રંધાવાએ 20 થી 27 જુલાઈ સુધી વન મહોત્સવનું આયોજન કર્યું હતું. ત્યારબાદ 1950 માં કૃષિ મંત્રી ક્ધહૈયા માણીલાલ મુંશી એ રાષ્ટ્રીય રૂપે જુલાઈ ના પહેલા અઠવાડિયામાં વન મહોત્સવને જાહેર કર્યું. ત્યારથી વૃક્ષો વાવવાની અને વન મહોત્સવ મનાવવાની પરંપરા ચાલી આવે છે.
પ્રાચીન ધર્મ ગ્રંથોમાં વૃક્ષોનો મહિમા ખૂબ ગવાયો છે. વૃક્ષોની પૂજા કરવી તે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. સદીઓથી ચાલતી આવતી વૃક્ષોની પૂજા કરવાની પરંપરા આજે પણ આપણે જાળવી રાખી છે.
“ઔષધય: શાંતિ,વનસ્પતય: શાંતિ.”
જેવા મંત્રોથી વૃક્ષ અને વનસ્પતિ ની પૂજા થાય છે.
સંપૂર્ણ આયુર્વેદ કુદરતની આ કળા (વનસ્પતિ) પર જ આધારિત છે. આપણા ઋષિમુનિઓ વનમાં રહીને ધર્મગ્રંથોની રચના કરતા, તેની પાછળનું કારણ ત્યાંની શાંતિ અને રમણીય વાતાવરણ જ હશે! જે તેના મનને એકાગ્ર રાખવામાં સહાયભૂત બને. વૃક્ષોથી જ તેઓની બધી જરૂરિયાત પૂરી થઈ જતી. કંદમૂળ, ફળ વગેરે તેઓનો ખોરાક હતો. ફુલના કે લતા ના રસ ની શાહી બનાવીને ડાળીને કલમ બનાવતા, ત્યારબાદ વૃક્ષના પાન એટલે કે ભોજપત્ર પર તેમની રચના રચતા.
પ્રાચીન ઔષધીના ગુણો ધરાવતા ઝાડ પાન આજે સદીઓ પછી પણ પૂજનીય મનાય છે, અને આપણે તેની પૂજા કરીએ છીએ. તુલસી, લીમડો, પીપળો, વડ તથા કેળ જેવા વૃક્ષો હિંદુઓમાં વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવે છે.હિન્દુ ધર્મમાં તુલસીનું સ્થાન સર્વોપરી માનવામાં આવે છે. તુલસીનો છોડ વાયુમંડળમાં ઓક્સિજન છોડે છે. તુલસીના પાન, બીજ, મૂળ અને તેની આસપાસની માટી પણ અલગ અલગ પ્રકારના રોગ દૂર કરવામાં મદદ કરે છે. ચરણામૃતમાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે “તુલસીના પાન વિનાનું દાન” નકામું જાય છે, માટે જ તુલસી પવિત્ર ગણાય છે. હિન્દુઓના આંગણામાં તુલસીનો ક્યારો શોભતો હોવાનું કારણ એવું મનાય છે કે ઘરમાં નકારાત્મક તત્વો પ્રવેશી શકતા નથી. આમ, તુલસીનો અનેકવિધ ઉપયોગ થતો હોવાથી તેની પૂજા કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં વડ નાં ઝાડને સર્વ ઈચ્છા પૂરી કરવાવાળુ કલ્પવૃક્ષ માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી યુક્ત આ વિશાળકાય છાયાવાળા વૃક્ષનો ઉલ્લેખ કેટલાયે ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે. એક કથા પ્રચલિત છે કે વડના ઝાડ નીચેથી જ સાવિત્રી એ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને જીવતો કરવાનો વરદાન માગ્યું હતું. ત્યારથી દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત રહે છે. આ દિવસે વડના વૃક્ષની પૂજા – અર્ચના તથા પ્રદિક્ષણા કરીને પોતાના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. આ સિવાય પ્રાચીન હિન્દુ તીર્થ પ્રયાગરાજમાં સદીઓ પુરાના વડ અક્ષયવડને અમરવડની ઉપમા આપવામાં આવે છે. કારણકે આ વૃક્ષનું અસ્તિત્વ આદિકાળથી ધરતી ઉપર છે અને સૃષ્ટિ જ્યારે નાશ પામશે ત્યારે પણ આ વડ નષ્ટ નહીં થાય એવું મનાય છે.
પીપળાના વૃક્ષ વિશે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પીપળાનું ઝાડ બ્રહ્મ સ્વરૂપ છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પીપળાના ઝાડના મુળ થી લઈને પાન સુધીમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, તેથી જ પીપળાના ઝાડને પૂજનીય મનાય છે. લોકો આ વૃક્ષને દેવ સ્વરૂપ સમજીને, પવિત્ર માનીને પૂજા કરે છે. ભગવાન ગૌતમ બુદ્ધની તપસ્યા પણ પીપળાના વૃક્ષ નીચે જ પૂરી થઈ હતી. હિન્દુઓ પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ માનીને પીપળે પાણી રેડીને પૂજા કરે છે.
આયુર્વેદમાં લીમડાના ઝાડનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આને કૃમિ: હર પણ કહેવાય છે. લીમડા ના પાન અને છાલથી વિભિન્ન રોગોના કીટાણુ નાશ પામે છે. ઝેરીલા જીવજંતુ કરડયા પછી જો લીમડાના કોલ (બીજ)નું સેવન કરવાથી શરીરમાં ઝેર ફેલાતું નથી. ખુજલી, ખરજવા જેવા ચામડીના રોગની બીમારીમાં લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી નહાવાથી આ રોગમાં ફાયદો થાય છે. આ સિવાય ઓળી, અછબડા, શીતળા નીકળા હોય તેના ઘરમાં લીમડાના પાન બાંધવાથી આ રોગનો ચેપ બીજાને લાગતો નથી તેમજ મચ્છર થતા અટકે છે. લીમડાના વૃક્ષની ડાળખી નું દાતણ કરવાથી દાંતમાં સડો થતો અટકે છે, સાથે સાથે લીમડાના ઝાડની હવા પણ આપણને તાજગી આપી છે. એવી માન્યતા છે કે લીમડાના વૃક્ષ પર દેવી શીતળા માતાનો વાસ હોય છે જે બધા દુ:ખોને દૂર કરે છે.
સુમધુર અને સ્વાસ્થ્યવર્ધક ફળ કેળાના વૃક્ષને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત શુભ માનવામાં આવે છે. વિવાહ અને પૂજા પાઠ જેવા શુભ પ્રસંગે કેળના પાન કે કેળના સ્તંભ થી મુખ્ય દ્વાર કે મંડપને સજાવવામાં આવે છે. ભગવાન જગન્નાથને કેળના પાનમાં જ ભોગ ધરવામાં આવે છે. એવી માન્યતા છે કે કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુ નો વાસ હોય છે અને ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે.
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં સ્વાસ્થ્યવર્ધક અને ઉપયોગી ઝાડ પાનની પૂજા કરવાની પરંપરા હંમેશા રહી છે. કારણ કે વૃક્ષના જીવનનો ઉદ્દેશ જ પરોપકાર છે. અંતે વૃક્ષના લાકડા પણ અનેકની રોજીરોટી બની રહે છે. આમ બીજાની જરૂરિયાત માટે વૃક્ષ પોતાની જાતનું સમર્પણ કરે છે.સનાતન ધર્મ માં વૃક્ષોને વાવવા તેમજ વૃક્ષોની પૂજા કરવી એક પરંપરા બની ગઈ છે, આથી વન મહોત્સવનું મહત્વ અનેરૂ છે.