કાંગારું પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીત્યું : અશ્વિન અને કીશનને ન રમાડવાનો નિર્ણય પર ટીકાઓ
ઈંગ્લેન્ડમાં ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયા ઓવલમાં ભારતીય ટીમને 209 રને હરાવીને પ્રથમ વખત ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યુ છે.ભારતે અંતિમ દિવસે 5 વિકેટ બાકી રહેતા 280 રન બનાવ્યા હતા, પરંતુ વિરાટ કોહલી અને જાડેજા એક જ ઓવરમાં બોલેન્ડનો શિકાર બન્યા હતા અને તે પછી ભારતીય ક્રિકેટ ટીમનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. છેલ્લી વખત ભારતને ન્યુઝીલેન્ડ દ્વારા ઈંગ્લેન્ડમાં જ હાર મળી હતી.
ઐતિહાસિક ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે 3 વિકેટે 164 રન બનાવ્યા હતા.અજિંક્ય રહાણે અનેે વિરાટ કોહલી આજે ફરી રમવા ઉતર્યા હતા. 5 દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતને 280 રનની જરૂર હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 444 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. છેલ્લા દિવસે સમય પુષ્કળ હતો અને ભારતની 7 વિકેટ હાથમાં હતી, એવી અપેક્ષા હતી કે ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન જોડી વિરાટ કોહલી અને રહાણે થોડો કરિશ્મા ખેંચશે, પરંતુ તેમ થયું નહીં.
હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આઇસીસીથી નારાજ જોવા મળ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં તેણે ક્રિકેટ ચલાવતી સંસ્થાને સીધો સવાલ કર્યો કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં જ કેમ રમાય છે. આ સાથે તેણે ઈંગ્લેન્ડની યજમાની પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રોહિતે કહ્યું- વર્ષમાં એકમાત્ર જૂન મહિનો નથી જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમી શકાય, તે ફેબ્રુઆરી, માર્ચમાં પણ રમી શકાય. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં, દુનિયામાં ગમે ત્યાં રમી શકાય છે.
ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોંતો કર્યો. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટમાં તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા પર વિશ્વાસ મુક્યો. અશ્વિન ટેસ્ટમં બોલિંગ કરવા ઉપરાંત સારી બેટિંગ પણ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા ટીમમાં પાંચ લેફ્ટહેન્ડેડ બેટિંગ માટે ઉતાર્યા હતા જેની સામે અશ્વિન અત્યંત અસરકારક નિવૃત જો તેને રમાડવામાં આવ્યો હોત તો.
ઓસ્ટ્રેલિયાની સામે આ ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ બંને પિચને ઓળખવામાં થાપ ખાઈ ગયા. તેમને લાગ્યું કે, પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થશે, પરંતુ પહેલી ઈનિંગ્સમાં જ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડએ સદી ફટકારી ટીમ ઈન્ડિયાના પ્લાનને ફેલ કરી દીધો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાના કારણે તેના સ્થાને શ્રીકર ભરતને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી. જોકે, સ્ક્વોડમાં ઈશાન કિશન પણ હતો, પરંતુ તેના પર વિશ્વાસ ન મૂકાયો. ઈશાનને ટેસ્ટ મેચમાં રમવાનો અનુભવ નથી, પરંતુ તે પોતાની આક્રમક બેટિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર દબાણ બનાવી શકે તેમ હતો. તો, ભરત બેટિંગમાં સતત ફ્લોપ રહ્યો છે.