ઈંડાનું વેંચાણ કરતી રેંકડીઓ પર ધોંસ ચાલુ: પાંચને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત મહિને લેવામાં આવેલો મોદક લાડુનો નમુનો પરિક્ષણમાં ફેઈલ જતાં વેપારીને એક માસની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈંડાનું વેંચાણ કરતી રેંકડીઓ પર સતત દરોડા પાડવાની કામગીરી યથાવત છે. 5 લારી ધારકોને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગત 24મી સપ્ટેમ્બરના રોજ ગાયત્રીનગર મેઈન રોડ પર શ્રી શક્તિ વિજય ફરસાણમાંથી લુઝ મોદક લાડુનો નમુનો લેવામાં આવ્યો હતો.

જેમાં ધારા-ધોરણ કરતા વધુ માત્રામાં કલરનું પ્રમાણ મળી આવતા વેપારીને રૂા.5 હજારનો દંડ ફટકારી એક માસની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન સર લાખાજીરાજ રોડ પર પ્રહલાદ ટોકીઝ સામે આવેલ નેશનલ રેસ્ટોરન્ટમાંથી ચીકન કોરમા સબજી, 80 ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ નજીક પેટ્રોલપંપની બાજુમાં આરજુ કોમ્પલેક્ષમાં આંબલીયા એગ્ઝ ઝોનમાંથી પ્રિપેડ લુઝ ઈંડા ખીમો, કાલાવાડ રોડ પર પટેલ એગ્ઝ ઝોનમાંથી સુરતી ગ્રીન ઈંડા કરી અને 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગરમાં ધ એગ્ઝ સ્ટોપમાંથી સુરતી ખીમાનો નમુનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.છેલ્લા ઘણા દિવસથી ફૂડ શાખા દ્વારા નોનવેજના ધંધાર્થી પર દરોડા પાડવામાં આવી ર્હયાં છે જે યથાવત રાખવામાં આવ્યા છે.

ગોંડલ રોડ પર ઈન્ડિયા રેસ્ટોરન્ટ, વસીલા નોનવેજ એગ્ઝ સેન્ટર, ઢેબર રોડ પર કિસ્મત ઈંડા, બોઈલ એગ્ઝ, સંજરી એગ્ઝ, નજમી એગ્ઝ, ગોંડલ રોડ પર સોલંકી એગ્ઝ સેન્ટર, સંજરી એગ્ઝ, હુસેની એગ્ઝ, તમન્ના એગ્ઝ, પેગામ એગ્ઝ અને સાગર એગ્ઝમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ જે અંતર્ગત ઈન્ડિયા રેસ્ટોરન્ટમાંથી વાસી કાપેલી 2 કિલો ડુંગળી, 1 કિલો ચીકનદાના અને 1 કિલો ઝીંગાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 5 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.