ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત તા. ૯ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત ૮૯ બેઠકોના મતદાન માટે ૧૪,૧૫૫ સ્થળો ઉપર ૨૪,૬૮૯ મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારોમાં ૧,૧૧,૦૫,૯૩૩ પુરુષ અને ૧,01,૨૫,૪૭૨ મહિલા અને ૨૪૭ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં કુલ ૪,૩૫,૨૮,૫૧૯ મતદારો નોંધાયેલા છે.
પ્રથમ તબક્કાની કેટલીક બેઠકો ઉપર ૧૬ કે તેથી વધુ ઉમેદવારો હોવાથી અલગ સાઈઝની મતદાન કુટિર તૈયાર કરવામાં આવી છે.
આ તબક્કાની કુલ ૮૯ બેઠકોમાંથી માંડવી (કચ્છ), વઢવાણ, ધોરાજી, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, ખંભાળિયા, બોટાદ અને લિંબાયત એમ કુલ આઠ વિધાનસભા બેઠકોના ૨૧૬૯ મતદાન કેન્દ્રો ઉપર ૨૪ બાય ૩૬ બાય ૩૦ ઈંચની સાઈઝની મતકુટિરનો ઉપયોગ કરવામાં આવશે.
જયારે બાકીના ૨૨,૫૨૦ મતદાન કેન્દ્રો ઉપર ૨૪ બાય ૨૪ બાય ૩૦ ઈંચની સાઈઝની મતકુટિરનો ઉપયોગ કરવામાં આવશે.
આવી જ રીતે બીજા તબક્કાની ૯૩ બેઠકો પૈકીની રાધનપુર, વિરમગામ, વટવા, બાપુનગર અને ધંધુકા એમ કુલ પાંચ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોની સંખ્યા ૧૬ કે તેથી વધારે છે. જેથી આ મતક્ષેત્રોના ૧,૪૭૨ મતદાન કેન્દ્રો ઉપર ૨૪ બાય ૩૬ બાય ૩૦ ઈંચની સાઈઝની મતકુટિરનો ઉપયોગ કરવામાં આવશે.
જયારે બાકીની વિધાનસભા મતક્ષેત્રોના ૨૩,૮૪૭ મતદાન કેન્દ્રો ઉપર ૨૪ બાય ૨૪ બાય ૩૦ ઈંચની સાઈઝની મતકુટિરનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકો ઉપર તા. ૧૪ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા યોજાશે. બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે કુલ ૨,૨૨,૯૬,૮૬૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જેમાં ૧,૧૫,૪૭,૪૩૫ પુરુષ મતદારો, ૧,0૭,૪૮,૯૭૭ મહિલા મતદારો અને ૪૫૫ થર્ડ જેન્ડર મતદારો મતદાન કરશે. બીજા તબક્કાની ૯૩ વિધાનસભા બેઠકો માટે ૧૪,૫૨૩ મતદાન સ્થળો ઉપરના ૨૫,૫૭૫ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો અને બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે અનુક્રમે તા. ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બંને દિવસે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થઈ શકશે.