- મોરબીમાં CAAના નવા કાયદા હેઠળ કુલ ૧૩ લોકોને ભારતીય નાગરિકતા નાગરિકત્વ સર્ટિફિકેટનું વિતરણ કરાયું.
Morbi News : ગુજરાત સહીત દેશમાં CAAનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રથમ મોરબી જીલ્લામાં કુલ ૧૩ પાકિસ્તાની હિન્દૂ શરણાર્થીને અત્રેની કલેક્ટર કચેરી ખાતે બોલાવી ભારતીય નાગરિકત્વ પત્ર એનાયત કરવામાં આવ્યું છે. ત્યારે ભારતીય નાગરિકત્વ સર્ટિફિકેટ મળતા તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
કલેક્ટર દ્વારા અપાયા સર્ટિફિકેટ
CAAના નવા કાયદા અનુસાર ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓમાં ભારતીય નાગરિકતા આપવાની સત્તા જીલ્લા કલેક્ટરને આપવામાં આવી છે તેમનો મોરબી જીલ્લામાં પ્રથમ કુલ 13 લોકોને ભારતીય નાગરિકત્વ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ત્યારે હાલ મોરબી જીલ્લામાં કુલ 109 જેટલી ઓનલાઇન અરજીઓ આવેલી છે. આ અરજી મળ્યા અનુસંધાને જેની કામગીરી અન્વયે વિવિધ સંસ્થાઓમાં આ માટેની મંજૂરી લેવાની હોય છે તેથી આ માટે ત્વરિત મંજૂરી મેળવીને તેને ચકાસણી કરવા આગળ મોકલવામાં આવી હતી જ્યાંથી આજરોજ ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ પરત જેટલી અરજી આવી તેમાંથી કુલ 13 લોકોને ભારતીય નાગરિકતાનું જે સર્ટિફિકેટ આપવાનું હોય તેનું આજરોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય તથા વિવિધ પદાધિકારીઓના હસ્તે આ ભારતીય નાગરિકત્વ પત્ર આપવામાં આવ્યું હતું.
કામગીરીને બિરદાવી
આ તકે મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મોરબી જીલ્લા કલેક્ટર કિરણ ઝવેરીનો આભાર પ્રગટ કરી CAAના કાયદા હેઠળ ત્વરિત કામગીરી હાથ ધરી નાગરિકત્વ પત્ર તૈયાર કરવાની કામગીરીને બિરદાવી હતી. ત્યારે શરણાર્થી કે જેઓને ભારતીય નાગરિકતા સર્ટિફિકેટ મળ્યું છે તેઓએ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયથી આભાર વ્યક્ત કરી હર્ષની લાગણી અનુભવી હતી.