આજે પણ ગામડાના અમુક પરિવારો દાંત સાફ કરવા ‘દાંતણ’નો જ ઉપયોગ કરે છે
ધાર્મિક દ્રષ્ટિએ પણ દાંત માટે ‘દાંતણ’ જ શ્રેષ્ઠ છે કારણ કે તે ‘એઠું’ નથી થતું, એક વખત ઉપયોગ કરીને નષ્ટ કરવાનું હોય છે
‘દાંતણ’ દાંત સાફ કરવા માટે એક જમાનાની અકસીર ઔષધિ છે. જયારે દાંતની સફાઈ માટે ટુથપેસ્ટનો આવિષ્કાર કરવામાં નહોતો આવ્યો ત્યારે લોકો ‘દાંતણ’ વડે જ દાંતની સફાઈ કરતા હતા અને આજે પણ અમુક ગામડાઓમાં લોકો દાતણનો જ ઉપયોગ કરતા હતા દાંત માટે મીઠુ અને ગરમ પાણીના કોગળા ઉતમ છે. પહેલાના લોકો શેરડીનો સાઠો અને અખરોટ પણ દાંતથી ભાંગી શક્તા, જયારે આજે એ શકય નથી. દાંતથી ભોજનનો શ્રેષ્ઠ આનંદતો લઈ જ શકાય છે. બલકે સુંદરતાની ઓળખ માટે પણ દાંત મહત્વનો ભાગ ભજવે છે. આપણા આ અમૂલ્ય દાંતની જાળવણી માટે ‘દાંતણ’ને આયુર્વેદ તથા શાસ્ત્રમાં પણ ઉતમ માનવામાં આવ્યું છે.આયુર્વેદમાં દર્શાવાયું છે કે નીમનું દાતણ માત્ર દાંતને જ સાફ નથી રાખતુ બલ્કે તેનાથી પાચન ક્રિયા પણ વ્યવસ્થિત થાય છે. અને ચહેરા પર પણ નિખાર આવે છે. અને એસિવાય જે લોકો નિયમિત દાંતણનો ઉપયોગ કરે છે તેમનો અવાજ મધુર અને સ્પષ્ટ હોય છે. તેથી જે લોકો વાણી અથવા ગાયીકી સાથે સંબંધ ધરાવે છે તેને દાતણનો ઉપયોગ કરવો જોઈએ દાતણના મુખ્ય ત્રણ પ્રકાર છે. નીમ, બેર, અને બબુલ જેમાં દાત અને પેઢાને મજબૂત રાખવા બબુલના દાતણનો ઉપયોગ શ્રેષ્ઠ મનાય છે. દાતણ કેવી રીતે કરવું? તો દાતણને ઉપરના દાંતમા ઉપરથી નીચેની તરફ અને નીચેથી ઉપર તરફ કરવાનું હોય છે. જેનાથી શ્ર્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. અને દાંતમાં પાયરિયાની તકલીફ પણ નથી થતી.
દરેક વ્યકિતના ચહેરા પરનું સ્થિત તેની સુંદરતાનો મુખ્ય ભાગ છે અને આ મુસ્કાન ત્યારે વધારે સુંદર બને છે જયારે વ્યકિતના દાંત સ્વસ્થ અને સ્વચ્છ હોય, બજારમાં મળતા ટુથ પેસ્ટથી દાંતને ચમક આપે છે. પરંતુ દાંત માટે સૌથી વધારે અકસીર દાતણ જ છે.
પાયરીયાના કારણ
પારિયા દાંતની સંભાળ ન રાખવાથી થાય છે. તેમજ ભોજન વ્યવસ્થિત ન પચવાથી થાય છે.અન્ય એક કારણ છે જેમાં લિવર ખરાબ થવાથી લોહીમાં એસિડનું પ્રમાણ વધે છે. જેના કારણે દાંત પારિયાથી પ્રભાવિત થાય છે.
તેમજ માંસાહાર અને ગળપણ વધારે ખાવાથી અને પાન, ગુટખા, તમાકુનું સેવન કરવાથી પણ પાયરીયા થાય છે. આમાં કરંજનું દાતણ પાયરિયાના ઈલાજ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
દાંતણનો ઉપયોગ કરવાનું ધાર્મિક મહત્વ
દાતણનું વર્ણન આયુર્વેદમાં પણ છે. ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ પણ દાતણને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અને એજ એક માત્ર કારણ છે કે વ્રત અથવા તહેવારનાં દિવસે ઘણા લોકો આજે પણ બ્રશની જગ્યાએ દાતણનો ઉપયોગ કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ દાતણને શ્રેષ્ઠ એટલા માટે માનવામાં આવે છે. કારણ કે તે ‘એઠું’ નથી થતું એક દાંતણનો ઉપયોગ માત્ર એક વાર જ કરવાનો હોય છે, જયારે એક જ ટુથ બ્રશનો ઉપયોગ પ્રતિદિન કરવામાં આવે છે. આયુર્વેદમાં વર્ણિત દંતધાવન વિધિમાં અર્ક, ન્યગ્રોધ, ખદિર, કરંજ, નીમ, બબુલ વગેરે ઝાડની નાની દંડીઓથી દાંત સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં મુખ પ્રદેશ એટલે કે મોં ને કફનું મુક્ય સ્થાન બતાવવામાં આવ્યું છે. એવામાં સવારનો ‘કાળ’ પણ કફજન્ય હોય છે. જે આખી રાત સુવાના કારણે મોની અંદર જમા થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં કફદોષનો નાશ કરવા માટે કડવાશ, અને સરયુકત દાતણનો ઉપયોગ દર્શાવાયો છે.
સુરક્ષિત અને તદ્ન નજીવા દરે ઉપલબ્ધ ‘દાતણ’નો ઉપયોગ સમયાંતરે લુપ્ત
આધુનિક યુગમાં જયારે દરેક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે ત્યારે સમયાંતરે દાંત સાફ કરવાની પ્રક્રિયામાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલાના જમાનામાં જયારે ટુથ પેસ્ટનો આવિષ્કાર થયો ન હતો ત્યારે લોકો દાંતણ વડે જ દાંત સાફ કરતા હતા દાંતણનો ઉપયોગ સરળ, સુરક્ષીત અને તદ્ન સસ્તો છતા અસરકારક છે. કરંજના દાતણની ૮૦ થી ૯૦ ના દાયકાના સમયની વાત કરીએ તો રૂા.૧માં ચાર દાતણ મળતા હતા એટલે કે ઘરમાં ચાર સભ્યો હોય તો તેઓનો મહિનાભરનો દાંત સાફ કરવાનો ખર્ચ માત્ર ૩૦ જ રૂપિયાનો થતો હતો. આમ, સાવ નજીવા દરે ઉપલબ્ધ હોવા છતાં ‘દાતણ’નો ઉપયોગ આજે સાવ લુપ્ત થઈ ગયો છે. તેનું એક કારણ વૃક્ષોનો સફાયો છે તેમ કહી શકાય.