- નડિયાદ નજીક એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત
- બિલોદરા બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતમાં કારમાં હાજર પાંચ લોકો પૈકી બેની સ્થિતિ ગંભીર
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં ભયંકર અકસ્માત સર્જાયો છે. બિલોદરા બ્રિજ પાસે કાર- ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મૃત્યુ થયા છે જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે.ટાયર ફાટતા બેકાબૂ બનેલી કાર ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં પાંચ વ્યકિત સવાર હતા. જે પૈકી એક મહિલા અને બે પુરૂષના મૃત્યુ થયા છે. અકસ્માતના પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસ હાથ ધર્યો છે.તમામ મૃતકોના મૃતદેહને નડિયાદ સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યાં છે
ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નડિયાદ નજીકના એક્સપ્રેસ હાઈવે પર ગતમોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટે આવતી કારનુ એકાએક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકો મોતના મુખમાં ધકેલાયા છે. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.
નડિયાદ નજીકથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મંગળવારની મોડી રાત્રે આ હાઈવેના બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો છે. જેમાં પસાર થતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
કારના પતરા ચીરી મૃતદેહને બહાર કાઢવાની ફરજ પડી
પૂરપાટ દોડતી કારનું ફાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગોઝારો હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિકોનું ટોળું દોડી આવ્યું હતું અને પોલીસ, એમ્બયુલન્સ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તંત્રએ સ્થાનિકોની મદદથી કારના પતરા ચીરી મૃતદેહ બહાર કાઢ્યા હતા જયારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.