રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા: ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને બાદ કરતા હજુ સુધી કોઇ વિસ્તારમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયું નથી. પ્રિ-મોનસૂનની એક્ટિવીટીની અસર તળે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી હળવા ઝાપટા લઇ ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ ગત રવિવારથી મેઘરાજાની પધરામણી થઇ છે. આજે સવારથી ધૂપ-ર્છાંવ ભર્યા વાતાવરણ વચ્ચે શહેરમાં બપોરે વરસાદનું એક જોરદાર ઝાપટુ વરસી જતાં રાજમાર્ગો પર પાણી-પાણી થઇ ગયું હતું. જો કે, અમૂક વિસ્તારોમાં વાતાવરણ એકદમ ચોખ્ખુ રહેવા પામ્યું હતું. છૂટા-છવાયા વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. બપોર સુધીમાં રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. નવસારીમાં ચાર કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
હજુ ચોમાસાનો આરંભ પણ નથી થયો ત્યાં મેઘરાજાએ રાજકોટવાસીઓ પર અનરાધાર હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે. આજ સુધીમાં શહેરમાં મોસમનો સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હજુ પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 132 મીમી, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 69 મીમી અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 43 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. આજે બપોરે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અચાનક મેઘરાજાનું આગમન થયું હતું અને જોતજોતામાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. જો કે, અમૂક વિસ્તારોમાં જ ઝાપટુ વરસ્યું હતું. જ્યારે અમૂક વિસ્તારો સાવ કોરા ધાકોડ રહ્યા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ વાતાવરણ વાદળર્છાંયુ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાનો જમાવડો જામ્યો છે. રાત્રે ફરી મેઘો હેત વરસાવે તેવું લાગી રહ્યું છે.
કોર્પોરેશનના ત્રણ કન્ટ્રોલ રૂમ ચોમાસામાં 24 કલાક રહેશે ધમધમતા કનક રોડ, જ્યુબિલી ગાર્ડન અને નાનામવા સર્કલ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો
ચોમાસાની સિઝનનો આરંભ થઇ ગયો છે ત્યારે શહેરીજનોને વિકટ વેળાએ મદદરૂપ થવાને આશ્રય સાથે કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ-અલગ ત્રણ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. જે હવે સતત 24 કલાક સુધી ધમધમતા રહેશે.
કનક રોડ પર બસ સ્ટેન્ડ પાછળ મુખ્ય ફાયર સ્ટેશનના કંટ્રોલરૂમના નંબર- 101, 102, 0281-2227222/ 2250103/2250104/2250105/2250106/2250107/2250108/2250109/2236183/2237184, જ્યુબિલી બાગની અંદર આવેલા ફ્લડ કંટ્રોલરૂમ (ટેકનિકલ)ના નંબર- 0281-2225407, 0281-2228741 જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના નંબર- 0281-2977775, 0281-2977773 છે. જેના પર શહેરીજનો 24 કલાકમાં ગમે ત્યારે ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરી શકશે.