તોરણીયાના આંગણે ઐતિહાસિક ઘડી
પૂ. સેવાદાસ બાપુની 40મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર મહોત્સવની તૈયારીઓને અપાતો આખરી ઓપ
નકલંકધામ – તોરણીયા ખાતે આગામી તા. 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ત્રણ દિવસ ગુરુ વંદના મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. પૂ. સેવાદાસ બાપુની 40મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ધોરાજી તાલુકાના તોરણીયામાં આવેલ સુપ્રસિદ્ધ દૈવી સ્થાન પૂ.સંતશ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંકધામ ખાતે તોરણીયા તથા હરિદ્વાર દ્વારા આગામી તા.5 થી 7 એપ્રિલ સુધી સંતશ્રી સેવાદાસ બાપાની 40મી પુણ્યતિથિ પ્રસંગે ત્રિદિવસીય સદગુરુ વંદના મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
પૂ.સંતશ્રી સેવાદાસ બાપાની 40મી પુણ્યતિથિ નિમિતે આગામી તા.5 થી 7 એપ્રિલના ત્રિદિવસીય સદ્ગુરૂ વંદના મહોત્સવનું દિવ્યતાથી સભર ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ત્રિદિવસીય વિષ્ણુયાગ, શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે 251 સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું અયાોજન કરાયું ત્રણ દિવસમાં દરરોજ 84 જાન આવશે. ત્રણ દિવસ દરમ્યાન 251 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. દીકરીઓેને પુષ્કળ કરીયાવર અપાશે. સમુહ લગ્નમાં મોટાભાગમાં જેમના માતાપિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવી દીકરીઓનો સમાવેશ કરાયો છે. 2011માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ બારપોરા પાટોત્સવ તથા સવરા મંડપ મહોત્સવ ઉજવાશે.
સદ્ગુરૂ સંતશ્રી કરશનદાસ બાપુના કરકમલો દ્વારા ત્રિદિવસીય વિષ્ણુયાગ-શતચંડી યજ્ઞનો પ્રારંભ થનાર છે. જેમાં યજ્ઞ નારાયણદેવની દીપ જયોત સાથે મંદીરેથી યજ્ઞ શાળાએ પહોંચશે. તથા સંતશ્રી કરશનદાસ બાપુ તથા પૂ. સંતોના કરકમલો દ્વારા સવારે 9 વાગે મહોત્સવનો પ્રારંભ થશે. સાંજે 5 વાગે યોજનાર ધર્મસભામાં પૂ. શ્રી વિજયદાસબાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુની મહંતાઇ, ચાદરવિધિ, નકલંકધામ, તોરણીયા -હરિદ્વાર ગાદિપતિ તરીકે સંતશ્રી કરશનદાસબાપુ તથા સંતો મહંતોના વરદ હસ્તે સ્થાપિત કરાશે. આ દિવસે સવારે 9 વાગે શતચંડી યજ્ઞનો પ્રારંભ બપોરે 4 વાગે જાન આગમ, સાંજે 6 વાગે લગ્નગીત, લગ્નોત્સવ બાદ રાત્રે 8 વાગે જાન વિદાય થશે. રાત્રે નવ વાગે બારપહોરા પાટોત્સવ, સ્થાપના, જયોતિ પ્રાગટ્ય થશે. સમુહ પ્રસાદ બપોરના 11 થી સાંજના 7.30 સુધી રહેશે.
સંતશ્રી કરશનદાસબાપુના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય વિષ્ણુયાગ, ચંડી યજ્ઞ, 251 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ, બારપોરા પાટોત્સવ, સવરામંડપ મહોત્સવ યોજાશે. તા.6ઠ્ઠી એપ્રિલના ધર્મસભામાં ભારતમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. મહોત્સવ દરમ્યાન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત રાજયના મંત્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
ભજન અને ભોજનનો લાભ મેળવી સૌરાષ્ટ્રની પ્રજા ધન્યતા અનુભવશે : પૂ. રાજેન્દ્રદાસબાપુ
નકલંકધામ – તોરણીયાના મહંત ધર્મભૂષણ પૂ. રાજેન્દ્રદાસબાપુએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, તોરણીયા 30 વર્ષ સુધી પૂ. સેવાદાસ બાપુનુ પ્રસાદી સ્થાન રહ્યું હતું એટલે આ આશ્રમ ભજન-ભોજનના સમન્વયથી ધમધમે છે. પૂ. રાજેન્દ્રદાસબાપુએ જણાવ્યું હતું કે, સેવાદાસબાપુની 40મી પુણ્યતિથિ નિમિત્તે ત્રિ દિવસય ગુરુ વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 251 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોરોના કાળમાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માની સદ્દગતિ માટે 51 કુંડી શત ચંડી યજ્ઞ અને વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દરરોજ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. રાજેન્દ્રદાસબાપુએ ’અબતક’ના માધ્યમથી સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને મહોત્સવનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે.
કોરોના કાળમાં મૃતકોની સદ્દગતિ અર્થે શતચંડી યજ્ઞ અને વિષ્ણુયાગ યોજાશે
નકલંકધામ – તોરણીયાના ભરતદાસબાપુએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા હતા. તેઓની આત્માની સદગતિ માટે મહોત્સવમાં શતચંડી યજ્ઞ અને વિષ્ણુયાગ યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા.પ એ સવારે 9 કલાકે શતચંડી યજ્ઞ શરુ થશે. આ સાથે બાર પહોરા પાટોત્સવ સ્થાપના અને જયોત પ્રાગટય કરાશે બાદમાં બીજા દિવસે તા.6 એ સવારે 9 કલાકે વિષ્ણુયાગ પ્રારંભ થશે ત્રીજા દિવસે તા.7 ના રોજ સવારે 9 વાગ્યે વિષ્ણુયાગ પ્રારંભ થશે. બપોરે 12.39 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે.
ત્રણેય દિવસ બપોરે અને સાંજે મહાપ્રસાદ
નકલંકધામ – તોરણીયાના નલીનદાસબાપુએ જણાવ્યું હતું કે, ત્રિદિવસીય મહોત્સવમાં ભોજન અને ભજનનો સમન્વય સર્જાનાર છે. દરરોજ બપોરે 11 કલાકે અને સાંજે 7.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં અંદાજે 6 થી 7 લાખ લોકો ભોજન પ્રસાદ લેનાર છે.