મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનના શૌચાલયમાં આઠ વર્ષની બાળકી પર હવસખોર દ્વારા બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બાળકીએ બહાદુરી સાથે હવસખોરનો સામનો કર્યો હતો જેના કારણે બદઈરાદામાં નિષ્ફળ રહેલા નરાધમે બાળકીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી.

8 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે દિલ્લીજઈ રહી હતી. ત્યારે ટ્રેનમાં તેમની બાજુમાં બેસેલા લોકો સાથે સામાન્ય રીતે લાંબા રૂટમાં પરિચય થઈ જતો હોય છે તેવી રીતે બાળકીના પરિવાર સાથે પરિચય થઈ ગયો હતો. રાત્રીના સમયમાં બાળકી ઉપરની સીટ પર સૂતી હતી અને બાકીનો પરિવાર નીચેની સીટ પર સુઈ રહ્યો હતો. નિદ્રાધીન અવસ્થામાં રહેલી બાળકીને ઉપાડી નરાધમ શૌચાલયમાં લઇ ગયો હતો અને યૌન શોષણ કરવાની કોશિશ કરી હતી. ત્યારે બાળકીએ ચીસો પાડતાં નરાધમ તેના બદઈરાદામાં નિષ્ફળ રહ્યો હતો અને ઉશ્કેરાઈને બાળકીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી.

પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં લોનાદ અને સાલ્પા રેલ્વે સ્ટેશન વચ્ચે ગોવા-નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં આ ઘટના બની હોવાનું વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું હતું.

જીઆરપીના પુણે વિભાગના પોલીસ અધિક્ષક સદાનંદ પાટીલે ઘટના અંગે જણાવ્યું હતું કે, બાળકી તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે દિલ્હી જઇ રહી હતી. પાટિલે કહ્યું કે, આરોપીએ જ્યારે બાળકી પર યૌનશોષણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાળકી જાગી ગઈ હતી ચીસો પાડવા લાગી હતી. જેથી ગભરાઈ ગયેલા આરોપીએ બાળકીને તેના માતાપિતા પાસે લઈ જવા કહ્યું હતું પરંતુ શૌચાલયમાંથી બહાર આવ્યા બાદ તેણે પીડિતાને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી હતી.  તેમણે જણાવ્યું હતું કે, તે સમયે ટ્રેનની ધીમી ગતિને કારણે બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી અને વહેલી સવારે સ્થાનિક લોકોએ બાળકીને જોતાની સાથે જ પોલીસ અને હોસ્પિટલમાં જાણ કરી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

સમગ્ર મામલાની જાણ પરિવારને સવારના 8 વાગ્યે થઈ હતી જ્યારે પોલીસે તેમણે આ બાબતે જાણ કરી હતી.

બાળકીની સારવાર બાદ આરોપીઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તરત જ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાળકીએ આપેલી વિગતો મુજબ 30 શકમંદો પકડાયા હતા અને તેમાંથી બાળકી પાસે સાચા આરોપીની ઓળખ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.