શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું અંગ્રેજી નબળુ: બોર્ડ
ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામોએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેળવણી કારોને વિચારતા કરી મૂકયા છે. કારણ કે તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૨ના પરિણામમાં પરીક્ષા આપનાર ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ સેકન્ડ લેગ્વેજ અંગ્રેજીમાં ફેઈલ થયા છે. કુલ ૪.૪૫ લાખ વિદ્યાર્થીઓમાંથી ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નબળા સાબિત થયા છે. અને નાપાસ થનારા મોટાભાગનાં વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના છે.
માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૫.૫૫ ટકા પરિણામ આવ્યું છે. ચાલુ વર્ષ કુલ ૪.૪૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૩૫.૪૭ ટકા એટલે કે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીમાં નાપાસ થયા છે. છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ આંકડો સૌથી નીચો છે. જે રાજયનાં શિક્ષકો અને બોર્ડ માટે ચિંતાનો વિષય છે.
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી આર.એચ. જુણાકયાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં પાયાના જ્ઞાનની ઉણપ હોવાનું પરિણામો પરથી સ્પષ્ટ જોવા મળે છે અને ખાસ કરીને શહેરી વિસ્તારની તુલનાએ ગ્રામીણ વિસ્તારનાં વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નબળા હોવાનું પરિણામોના આંકડાના વિશ્ર્લેષણ પરથી જણાઈ આવે છે.
અંગ્રેજી ભાષામાં નબળા સાબિત થઈ રહેલા વિદ્યાર્થીઓની નબળાઈ પાછળ શોર્ટ મેસેન્જ સર્વિસ એટલે કે એસ.એમ.એસ જવાબદાર હોવાનું જણાવતા અંગ્રેજી ભાષાનાં શિક્ષક ભરત પટેલ કહે છે કે ૨૦૦૪થી સરકારે સેક્ધડ અંગ્રેજી ભાષામાં કોમ્યુનીકેશન અમલી બનાવ્યું હોવા છતા વિદ્યાર્થીઓ અંગ્રેજીનાં ૨૬ મુળાક્ષરોનો સ્પષ્ટ પણ ઉચ્ચારણ કરી શકતા નથી. અને અંગ્રેજી ભાષાની ઘોર ખોદવા પાછળ એસએમએસ જવાબદાર હોવાનું ગણાવી તેઓએ આશ્ર્ચર્ય સાથે જણાવ્યું કે વિદ્યાર્થીઓ પેપરમાં પણ કઢંગી રીતે એસએમએસની ભાષામાં ઉતર આપી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે.