આજે વિશ્ર્વ જળ દિવસ

 

આજનો દિવસ સ્વચ્છ પાણીના મહત્વ અને તેના સંસાધનોના સંરક્ષણ માટે હિમાયતનો છે: દર વર્ષે નબળી સ્વચ્છતા અને અશુધ્ધ પાણીથી લાખો લોકો મોતને ભેટે છે: ટકાઉ જળ વ્યવસ્થાપન પ્રથાઓને પ્રોત્સાહિત કરીને માનવ જીવન અને સફળતા માટે સૌએ કાર્ય કરવાની જરૂર

પાણીને બચાવો, પાણી તમને બચાવશે: દિવસેને દિવસે વૈશ્ર્વિકસ્તરે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે: માનવ જીવનની સૌથી મહત્વની બાબત સ્વચ્છ પાણી પીવાની વ્યવસ્થા છે, કારણ કે તેના વિના પૃથ્વી પર જીવન અશક્ય છે

પાણીએ જીવન છે, પાણીને આજે વાણી ફૂટીને પૃથ્વીવાસીઓને કહ્યું વાપરો મને જાણી….જાણી. જેમ-જેમ વિશ્ર્વની વસ્તી વધતી ગઇ તેમતેમ વિવિધ મુશ્કેલીઓમાં પાણીની મુશ્કેલી પણ વિકટ થતી ગઇ. માનવ જીવનનાં અસ્તિત્વ માટે હવા-પાણી અને ખોરાક સૌથી મહત્વના છે, પણ આજે ગ્લોબલ વોર્મિંગને કારણે આ ત્રણેય પ્રદુષિત થઇ ગયા છે. દર વર્ષે અશુધ્ધ પીવાના પાણીને કારણે લાખો લોકો મૃત્યુ પામે છે. પાણીજન્ય રોગોમાં મહત્વનું કારણ ખરાબ પાણી હોય છે. પૃથ્વી ગ્રહ ઉપર ત્રણ ચતુર્થાસ પાણી હોવા છતાં વિશ્ર્વના 771 મિલિયન લોકોના ઘર નજીક આજે પણ ચોખ્ખા પાણીનો અભાવ જોવા મળે છે.

આજે વિશ્ર્વજળ દિવસ કે વર્લ્ડ વોટર ડે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વૈશ્ર્વિકસ્તરે આ દિવસ 1993થી ઉજવાય છે. આજે 30 વર્ષે પણ દુનિયા તેનો કોઇ ઉપાય, યોજના કે ટકાઉ વ્યવસ્થાપન કરી નથી શકી. પાણીના સંરક્ષણના મહત્વ વિશે લોક જાગૃતિ લાવીને લોકોને ગુણવત્તાસભર જીવન આપવું જ પડશે. સામાજીક અને આર્થિક વૃધ્ધિ પાણી ઉપર આધાર રાખે છે. માનવ સુખાકારી માટે પીવાનું ચોખ્ખુ પાણી આવશ્યક છે, તે નિર્વાહનું મૂળભૂત સાધન ગણાય છે, તેના વિના પોષણ, હવા અને માનવ જાતિની કલ્પના કરવી અશક્ય ગણી શકાય. આપણાં પૃથ્વીગ્રહના કુલ વિસ્તારનો માત્ર એક નાનો અંશ માનવ ઉપયોગ માટે યોગ્ય છે.

કુદરતી રિસાયક્લીંગ પ્રક્રિયાને કારણે પૃથ્વીનો તાજા પાણીનો પુરવઠો પ્રમાણમાં સ્થિર હોવા છતાં વસ્તી વધારાને કારણે તેની સતત વધતી જતી માંગમાં વધારો થયો છે. પાણીની તંગી એક સાચી સમસ્યા છે. જો પૃથ્વીવાસી તેનો સમજદારીથી ઉપયોગ નહી કરે તો સૌએ ભવિષ્યમાં મોટી કિંમત ચુકવવી પડશે. આપણી પૃથ્વી તો તેના પર વસતાં તમામ જીવોના સંરક્ષણ માટે પાણી આપે છે, પણ આપણે તેના દૂર ઉપયોગથી મુશ્કેલી વધારી દીધી છે. ઋતુચક્રોના ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે. જેને કારણે દર વર્ષે સમસ્યા વકરી રહી છે. 2021માં એટલે જ ‘પાણીની કિંમત’ થીમ ઉપર આખુ વર્ષ કાર્યક્રમો થયા હતા. આજના દિવસે જ નહી સમગ્ર વર્ષ દરમ્યાન કે જીવનભર પૃથ્વીવાસીઓએ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. આગામી વર્ષોમાં પાણીની કટોકટી ફાટી નિકળે કે પાણી માટે યુધ્ધ થાય તો નવાઇ ન પામશો. પાણી એક જ જગ્યાએ સ્થિર રહેતા તે ગંદુ થાય છે તેથી વહેતા જળ તેના રસ્તામાં દરેકને પોષણ આપે છે.

દરેક માણસે પર્યાવરણ, પ્રકૃત્તિ અને પાણીની કાળજી લેવી જ પડશે, જો જીવવું હશે તો ! ભાવી પેઢીઓને સુંદર જીવનનો વારસો આપવા માટે આપણે પાણી બાબતે પ્રથમ જ વિચારવું પડશે. આ સમસ્યામાં એકમાત્ર વરસાદ આર્શીવાદરૂપ ગણી શકાય છે. 1994 થી 2022 સુધી થયેલા આ વિષયક કાર્યો સાથે પાણીની જરૂરિયાત, સ્વચ્છતા, વધુ પાણી કાઢવાથી જોખમ, જળવાયુ પરિવર્તન અને તેના પડકારો સાથે પાણી બગાડ થવા કારણો વિશે પણ વિચારવાનો આજે સમય છે. આજની ઉજવણીનો હેતું પણ પાણીનું મહત્વ જાણવા તેના સંરક્ષણ અંગે જનજાગૃત્તિ લાવવાનો છે.

ગત્ વર્ષે પણ ‘ભૂગર્ભ જળ, અદ્રશ્ય, દ્રશ્યમાન બનાવે’ થીમ ઉપર વૈશ્ર્વિક કાર્ય-પ્રોજેક્ટ થયેલા. કોવિડ-19 રોગચાળાને કારણે હાથની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન અપાયું હતું. વિશેષ બાબતોમાં પાણીની અછત, પ્રદૂષણ, અપાતો પાણી પૂરવઠો, રચનાઓ, આબોહવા, સ્વચ્છ પરિવર્તનની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. 2017માં 110 દેશોએ સોશિયલ મીડિયા ‘હેસટેગ વર્લ્ડ વોટર ડે’ની મુવમેન્ટ ચલાવી હતી. જીવનની મુખ્ય જરૂરિયાતોમાં પાણી એક છે ત્યારે આવનારા વર્ષોમાં તેની અછત જોખમ સર્જી શકે છે. પૃથ્વીની સપાટીનો બે તૃતિયાંશ ભાગ પાણીથી ઢંકાયેલો છે. વરસાદી પાણીની શુધ્ધતા પણ વાયુ મંડળના તે ભાગની હવાની શુધ્ધતા પર નિર્ભર રહે છે.

પૃથ્વી પર ભૂગર્ભ જળ, ઝરણા, નદી, સરોવર, તળાવો, મહાસાગરો જેવા અનેક પાણીના સ્ત્રોત છે. પાંચ મિનિટના શાવરમાં માણસ 95 લિટર પાણી બગાડે છે. નળમાંથી ટપકતું પાણીનું ટીપું સપ્તાહમાં 500 લીટર પાણી બગાડે છે. વિશ્ર્વમાં પાણીના કુલ ઉપયોગનો 70 ટકા હિસ્સો ખેતીવાડી, 20 ટકા ઉદ્યોગોમાં અને માત્ર 10 ટકા જ ઘર વપરાશમાં ઉપયોગ થાય છે. તમામ વૈજ્ઞાનિકોના પ્રયાસો છતાં વિશ્ર્વની મોટી વસ્તી હજું પણ પીવાના પાણીથી વંચિત છે. માનવ જીવન, આર્થિક વિકાસ અને રાષ્ટ્રની સમૃધ્ધિ માટે પાણી આવશ્યક છે. પાણીએ આપણા વિશ્ર્વનું જીવન રક્ત છે. 2010માં યુએન દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાને એક માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી. આ વર્ષથી થીમ “પરિવર્તનમાં તેજી” સાથે ‘બી ધ ચેઇન્જ’ અભિયાન તરીકે મનાવાશે. ‘એક્સેલરેટીંગ ચેઇન્જ’ આ વર્ષનું સુત્ર છે.

 

બીજા ગ્રહો ઉપર પણ વૈજ્ઞાનિકો પાણીની ખોજ કરે છે

 

પૃથ્વી પર હાલના તમામ જીવોની ઉત્પતિ પાણીથી જ થઇ છે, ત્યારે આજે 21મી સદીમાં બીજા ગ્રહ ઉપર માનવ જીવન શક્ય છે ને શોધમાં પ્રથમ તો પાણીની જ શોધ કરે છે, કારણ કે પાણી વગર માનવ જીવન શક્ય જ નથી. મોટાભાગની સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે જ થયો છે. પૃથ્વીનો 71 ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે, જે બાકી બચ્યો છે તેમાં માનવ-જીવજંતુ, જંગલ, મેદાન અને પહાડો છે. ગમે તે પ્રાણી પાણી પર નિર્ભર છે. માનવ અને જીવજંતુના જીવનમાં પાણીને પ્રાથમિકતા આપી છે, પણ તેના સંરક્ષણ માટે માનવ જાતી પાછળ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.