ગોધરા જિલ્લાની ઝાલોદ બેઠકના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું ધરી દીધું: ભાજપે ટિકિટ પણ આપી દીધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પંજાનો સાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આ ત્રણેય પેરાશૂટ ઉમેદવારને ભાજપે વિધાનસભાની ટિકિટ પણ આપી દીધી છે. ગત મંગળવારે સાંજે કોંગ્રેસના છોટા ઉદેપુર બેઠકના સિનિયર ધારાસભ્ય મોહનભાઇ રાઠવાએ રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા.
દરમિયાન ગઇકાલે એક જ દિવસમાં કોંગ્રેસની વધુ બે વિકેટો ખડી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ભગવાનજીભાઇ (ભગાભાઇ) બારડે ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ભાજપના કમળના શરણે થઇ ગયા હતા. દરમિયાન દિલ્હીમાં એક તરફ ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે મનોમંથન ચાલતું હતું ત્યારે કોંગ્રેસની વધુ એક વિકેટ ખડી હતી. ગોધરા જિલ્લાની ઝાલોદ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય ભાવેશ કટારાએ વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રાજીનામું આપતો પત્ર સુપ્રત કર્યો હતો.
આજે તેઓ વિધિવત રીતે કમળનો ખેસ ધારણ કરી લીધો હતો. જો કે ભાજપમાં પ્રવેશ કરે તે પૂર્વે જ તેઓને વિધાનસભાની બેઠકની ટિકિટ ફાળવી દેવામાં આવી હતી. 14મી વિધાનસભામાં કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્યો પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાઇ ગયા છે. જે પૈકી મોટાભાગના આયાતીઓને કમળનું મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે.