મુખ્યમંત્રી અને સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બે દિવસીય બેઠક મળી
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ’ કમલમ’, ગાંધીનગર ખાતે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.
પંડ્યાએ જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપા સંગઠનના વિગતવાર આયોજન અંગે તેમજ ભાજપાના કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર આગામી સમયમાં પ્રદેશમાં થનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજકમિટીની રચના અંગે વિશેષ ભાર મુક્યો હતો.
પંડ્યાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂતોનું આત્મનિર્ભર થવું અનિવાર્ય છે અને દેશના કરોડો ખેડૂતોના ઉત્થાન માટે, તેમની પ્રગતિ માટે, આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ઐતિહાસિક કૃષિ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે તે અંગે ભાજપા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં ૮ પત્રકાર પરિષદ અને ૯ ખેડૂત સંમેલનો કરવામાં આવશે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષઓ આઇ. કે. જાડેજા અને ભાર્ગવભાઇ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશભાઇ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તાઓ, ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જે અંગેની માહિતી આ સાથે સામેલ છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, ૨૫ ડિસેમ્બરે ભારતરત્ન, આદર્શ રાજપુરુષ, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપા દ્વારા દર વર્ષની જેમ સુશાસન દિન તરીકે ઉજવવામાં આવશે.