આયારામ-ગયારામમાં મતદારોનો મરો
૫૫ ટકા સુધીનું મતદાન ભાજપ માટે ફાયદાકારક જ્યારે ૬૫ ટકા ઉપર જો મતદાન થાય તો કોંગ્રેસ માટે સારા પરિણામની આશા
ખેડૂતોના પ્રશ્નો વચ્ચે મતદાનની ટકાવારી ઓછી પુરતી તકેદારી સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન
બપોરે ૩ વાગ્યા સુધીમાં અબડાસામાં ૪૭ ટકા, ડાંગમાં ૬૬.૨૪ ટકા, ધારીમાં ૩૩.૦૭ ટકા, ગઢડામાં ૩૮.૫૫ ટકા, કપરાડામાં ૫૨.૩૪ ટકા, કરજણમાં ૫૫.૩૯ ટકા, લીંબડીમાં ૪૫.૩૦ ટકા અને મોરબીમાં ૪૨.૧૯ ટકા મતદાન નોંધાયું
રાજયની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આયારામ-ગયારામ વચ્ચે મતદારોનો મરો થઇ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે. પાતળુ મતદાન ઉમેદવારોની ચિંતા વધારી દેવાનું છે આ પેટાચૂંટણીમાં જો વોટીંગ ૫૫ ટકા સુધી રહે તો ભાજપને ફાયદો છે. જો મતદાન ૬૫ ટકા સુધી પહોંચે તો કોંગ્રેસને ફાયદો રહેશે.
રાજયની આઠ વિધાનસભા બેઠક અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગયડા, કપરાડા, ડાંગ અને લીંબડીની પેટા ચૂંટણીમાં આજે સવારે ૮ વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો આરંભ થયો છે. આ મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલવાનું છે. પેટાચૂંટણીમાં ૧૮.૭૫ લાખ મતદારો આજે મતાધીકારોન ઉપયોગ કરવાના છે. આ સાથે અગાઉ ૧૫૦૦ મતદારો એક સાથે મતદાન મથક ઉપર મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવો નિયમ હતો જેમા ફેરફાર કરીને ૧૦૦૦ મતદાર કરી દેવામાં આવ્યા છે.
પેટાચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા કોરોનાની મહામારી વચ્ચે ચાલી રહી હોય તમામ મતદાન મથકો ઉ૫ર સેનેટાઇઝર અને થર્મલગનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદારોને ચેપ ન લાગે તે માટે તંત્ર દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી છે. જો કે મહામારીને પગલે ઓછુ મતદાન થાય તેવુ લાગી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ૬૦ ટકા આસપાસ મતદાન નોધાતુ હોય છે. વર્તમાન સ્થિતિ જોઇએ તો ૫૫ ટકા આસપાસ મતદાન થવાની શકયતા સેવાઇ રહી છે.
જો ૫૫ ટકા સુધી મતદાન થાય તો ભાજપને ફાયદો થાય તેની છે. જો ૬૫ ટકા સુધી મતદાન થાય તો કોંગ્રેસને ફાયદો થનાર છે. ઉલ્લેખનીય છે કે હાલ તમામ આઠ વિધાનસભા બેઠકમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યુ છે અનેક સ્થાનોએ નાની મોટી ફરિયાદો પણ ચૂંટણી તંત્રને મળી છે. મોરબી બેઠકમાં વધુ મતદાનથી બ્રીજેશ મેરજાના ધબકારા વધી ગયા છે. લીંબડી બેઠક ઉ૫ર સૌથી વધુ મતદાન નોંધાય તેવી શકયતા છે. આ બેઠક પર કિરીટસિંહ રાણા જંગી લીડથી જીતવાના છે. સામે ધારી બેઠક ઉપર સૌથી ઓછુ મતદાન થાય તેવી શકયતા સેવાઇ રહી છે. સવારે ૧૦ વાગ્યા સુધીના મતદાનના આંકડા ઉપર નજર કરીએ તો અબડાસા બેઠક ઉપર ૧૧ ટકા, ડાંગ બેઠક ઉપર ૮.૮૭ ટકા ધારી બેઠક ઉ૫ર ૬.૨૯ ટકા, ગઢડા બેઠક ઉપર ૧૬.૦૪ ટકા, કપરાડા બેઠક ઉપર ૧૧.૨૮ ટકા, કરજણ બેઠક ઉપર ૫.૨૭ ટકા, લીંબડી બેઠક ઉપર ૧૮.૨૫ ટકા અને મોરબી બેઠક ઉપર ૧૭.૧૩ ટકા મતદાન નોધાયુ છે.
ઉલ્લેખનીય છે કે, તમામ ઉમેદવારોએ મતદાન કર્યા બાદ પોત પોતાની જીતના દાવા કર્યા હતા. જો કે , પરિણામ તો ૧૦મીએ જાહેર થનાર છે ત્યાં સુધી ભારે સસ્પેન્સ રહેવાનું છે.
બિહારના ધીંગા મતદાનથી નીતિશને ‘લાભ’?
બિહારમાં ૯૪ બેઠકો પર ૧૫૦૦ ઉમેદવારોનું ભાવિ ૨.૮૫ કરોડ મતદારોના હાથમાં
બિહાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે બીજા તબક્કાના મતદાનમાં સવારથી જ કોરોના સંક્રમણની વ્યવસ્થા વચ્ચે આજે શરૂ થયેલા મતદાનમાં ૨.૮૫ કરોડ મતદારો ૧૫૦૦ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. ૭ મંત્રીઓ આરજેડીના તેજસ્વી યાદવ અને ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિંન્હાના પુત્ર લવનું આજે ભાવી મતપેટીમાં સીલ થશે. સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે થઈ રહેલા મતદાનમાં જો ધીંગુ મતદાન થશે તો નિતીશકુમારને ફાયદો થશે તેવું ચિત્ર ઉભુ થયું છે.
ઈવીએમ ખોટકાયાની અનેક ફરિયાદ કરજણમાં પૈસાની વહેંચણીનો વિડિયો વાયરલ: ચૂંટણીતંત્રને ફરિયાદ
આજે પેટાચૂંટણીના મતદાનમાં ઇવીએમ ખોટવાયાની અનેક ફરીયાદો ઉઠી હતી. ઘણા મતદાન મથકો ઉપર ઇવીએમ ખોટવાઇ જવાના કારણે મતદાનમાં વિલંબ પણ થયો હતો. કરજણના દે યાન, મીયાગામ, સુરવાડ તેમજ ગઢડાની એમ.એમ. હાઇસ્કૂલમાં ઇવીએમ ખોટવાતા મતદારોને અંદાજે એક કલાક રાહ જોવી પડી હતી. આ ઉપરાંત કરજણ બેઠકમાં પોર-ઇટોલાથી એક વીડિયો વાયરલ થયો છે. જેમા બીજેપીના કાર્યકર મતદારોને પૈસાનું વિતરણ કરી મત દેવાનું કહેતા હોવાનુ દર્શાઇ રહ્યુ છે. આ વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા ચૂંટણી પંચે તપાસના આદેશ થયા છે. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી એવા આક્ષેપો થઈ રહ્યા છે કે પૈસા આપીને મતદારોને ખરીદવામાં આવ્યા હતા જો કે આ મામલે પંચ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.