સક્ષમ વ્યક્તિને પણ શરમાવે તેવા જુસ્સાથી કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના પુરસ્કારો મેળવ્યા
“મન હોય તો માળવે જવાય” કહેવતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી મેજર થેલેસેમિયાગ્રસ્ત હોવા છતાં પોતાની શારીરિક ક્ષતિ ભૂલી જઈ સર્જનાત્મક કાર્ય દ્વારા પોતાની જાતને “હમ કિસી સે કમ નહી” સાબિત કરી રહ્યા છે તેજસ્વી, હોનહાર અને મક્કમ મનના રાહુલ ભરતભાઈ મલસાતર.
27 વર્ષીય રાહુલ હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે,માનવ જીવન એ ઈશ્વરની અમુલ્ય દેન છે. થેલેસેમીયા મેજરની જન્મજાત ખોટ ધરાવતા રાહુલે પોતાની ખામીને ખૂબીમાં ફેરવી યુવાવર્ગને આગળ આવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ નિયમિત બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી તેમના જેવા અનેક યુવાનો તેમના આપેલા લોહીથી નવજીવન મેળવી શકે.
પ્રયત્ન કર્યા વિના હારી જવું, એના કરતા પરિશ્રમ કર્યા બાદ હારનો સ્વીકાર કરવો એ આત્માને વધારે શાંતિ આપે છે. “પંગુમ લંઘયતે ગીરીમ” સંસ્કૃત પંક્તિને સાર્થક કરી આદર્શ કર્મચારી તરીકે થેલેસેમિયા મેજર હોવા છતાં શારીરિક ક્ષતિ ભૂલીને અથાક પરિશ્રમ કરનાર રાહુલની કામગીરીની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી હતી. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ અર્થે વર્ષ – 2019નો રાષ્ટ્રપતિ પુરસ્કાર તે સમયના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિશ્રી વૈકૈયા નાયડુના વરદ હસ્તે શ્રી રાહુલભાઇએ મેળવ્યો હતો. હાલમાં જ ગુજરાત સરકારશ્રી દ્વારા પણ રાજ્યકક્ષાનો એવોર્ડ પૂર્વમંત્રીશ્રી બ્રિજેશ મેરજાના હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. અદમ્ય કામગીરી અને સક્ષમ વ્યક્તિને પણ શરમાવે તેવા જુસ્સાની નોંધ લઈ રાજકોટની જુદીજુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.