સેનાની કડક કાર્યવાહીને પગલે આતંકીઓમાં પરિવર્તનનો વાયરો ફુંકાવાની આશા
જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા સરકારનાં પતન બાદ રાજયપાલ શાસનમાં સેનાને છુટોદૌર મળતા જ આતંકવાદીઓના વળતા પાણી શરૂ થયા છે. સેના દ્વારા ગઈકાલે કુલગામ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ ઓપરેશનમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા જયારે એક આતંકવાદીએ સૈન્યની શરણગતિ સ્વિકારી હતી.
દક્ષિણ કાશ્મીરમાં સેના દ્વારા કુલગામ વિસ્તારમાં આતંકી છુપાયા હોવા માહિતીને પગલે હાથ ધરેલ ઓપરેશનમાં લશ્કરે તોયબાના બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા જયારે સેના પર પથ્થરમારો કરનાર એક નાગરીકનું પણ મોત થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જમ્મુ કાશ્મીર એલ.પી.વૈદે આતંકવાદી માર્યા ગયા હોવાની ઘટનાની સતાવાર પુષ્ટિ કરી હતી.
દરમિયાન કાશ્મીરમાં રાજયપાલ શાસનમાં સેનાને છુટછાટ મળતા આતંકવાદીઓ વિરુઘ્ધ હાથ ધરેલી કડક કાર્યવાહીને પગલે આતંકવાદીઓ સરણાગતિ પણ સ્વિકારી રહ્યા છે. જેમાં ગઈકાલે કાશ્મીરનાં છેદાર વિસ્તારમાં એક આતંકીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સેના દ્વારા આતંકવાદીઓને સુધરવા માટે તક અપાઈ રહી છે અને આવનર દિવસોમાં હજુ પણ ભરમાવેલા આતંકીઓ હથિયાર છોડી શરણાગતિ સ્વિકારે તેવી શકયતા જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ અને સેના દ્વારા આતંકવાદીઓને સમજાવટથી સામાન્ય જિંદગી જીવવા માટે પ્રેરણા આપવામાં આવી રહી હોવાથી છેદદારના શકુર નામના આતંકીએ શરણાગતિ સ્વિકારી હતી. શકુર વિરુઘ્ધ દક્ષિણ કાશ્મીરમાં અનેક ગુનાઓ નોંધાયેલ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.