- ભરૂચ-અંકલેશ્વર રોડ પર બાકરોલ બ્રિજ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- પરિવાર અજમેરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો
- કારમાં સાત લોકો સવાર હતા
રાજ્યના ભરૂચના અંકલેશ્વરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક ટક્કર થઈ હતી. ભરૂચ-અંકલેશ્વર રોડ પર બાકરોલ બ્રિજ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવાર અજમેરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો અને કારમાં કુલ સાત લોકો સવાર હતા.આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટનાસ્થળે જ મૃ*ત્યુ પામી જતાં માહોલ ગમગીન બની ગયો હતો.
4ની હાલત ગંભીર
અંકલેશ્વરના બાકરોલ નજીક આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે શું કહ્યું
કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
કારનો કચ્ચરઘાણ વળી ગયો
માહિતી અનુસાર આ કારમાં સવાર પરિવારના સભ્યો મુંબઈ તરફ જઇ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી થઇ ગઈ હતી કે જેને જોઈને કોઈને વિશ્વાસ જ ન થાય કે તેમાંથી કોઈનો જીવ બચ્યો હશે.