વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણકાર્ય બંધ છે ત્યારે “શાળા બંધ છે, પણ શિક્ષણ નહી એ ઉક્તિને રાજકોટના ૧૫ વર્ષીય તરુણ સ્મિત ભટ્ટે કોરોના સંક્રમિત હોવા છતાં પણ ઓનલાઈન શિક્ષણ મેળવી ઉત્તમ રીતે સાબિત કરી છે.
સ્મિતના કાકા કોરોના પોઝિટિવ આવતા તે સહ પરિવાર નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા ગયા ત્યાં સ્મિત સહિત અન્ય ૩ પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે હોમ આઇસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું.
હોમ આઇસોલેશનના સમયગાળા દરમિયાન ઓનલાઇન શિક્ષણ થકી કોરોનામુક્ત થવાના અનુભવને વર્ણવતા સ્મિતે જણાવ્યું હતું કે, મને કોરોના થયો એટલે હું પહેલા તો ડરી ગયો હતો પણ મારા પપ્પા અને કાકા એ મને સમજાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, તું તારા અભ્યાસમાં ધ્યાન આપ. બસ, ત્યારથી મને કોરોના થયો છે એ વિચારવાનું જ મે બંધ કરી દીધું. હું નવમાં ધોરણમાં અભ્યાસ કરું છું, દરરોજ બધા ઓનલાઇન લેક્ચર્સમાં હાજરી આપી દરેક વિષયને વિગતવાર સમજીને શિક્ષકો દ્વારા આપતા હોમવર્ક ને હું સમયસર પૂર્ણ કરતો હતો, અને જયારે કોઈ વિષયમાં કંઈ ન સમજાય ત્યારે મારા શિક્ષકોનો સંપર્ક કરીને પ્રશ્નનો ઉત્તર પણ મેળવતો.., આમ ને આમ ક્યારે મારો ૧૪દિવસનો આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ થઇ ગયો તેની મને ખબર જ ન પડી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મિતની સાથે તેમના દાદીમાં, પપ્પા અને કાકા પણ હોમ આઇસોલેશનમાં મળેલ યોગ્ય સારવારથી કોરોના મુક્ત થયા છે. આમ કોરોના સામે મજબૂત મનોબળ થકી ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરીને સ્મિત ભટ્ટે કોરોનાને મ્હાત આપી અન્ય બાળ દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.