પાણીનું સ્તર કેટલું વધ્યું તે જાણવા માટે એકાદ મહિનામાં ખાસ માપણી શરૂ કરાશે

રાજકોટ જિલ્લાનું પાણી માપવા વૈજ્ઞાનિકોની ટિમ આવશે. અંદાજે એકાદ મહીનામાં આ માટે ખાસ માપણી શરૂ કરાશે. આ માપણી બાદ ખબર પડશે કે રાજકોટ જિલ્લામાં પાણીનું સ્તર કેટલું વધ્યું છે.

રાજકોટ જિલ્લામાં દર વર્ષે સુજલામ સુફલામ અંતર્ગત જળસંચયના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. આ અભિયાનથી રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ ઘણી સુધરી છે. જેને પગલે સિંચાઈ અને વપરાશના પાણીની સમસ્યાઓમાં ઘણા અંશે રાહત મળી છે. રાજકોટ જિલ્લામાં વર્ષોથી કામગીરી તો થઈ રહી છે. પણ તેના પરિણામ શુ આવ્યા છે તે જાણવા માટે કેન્દ્રના જલશક્તિ મંત્રાલય દ્વારા ખાસ માપણી શરૂ કરવામાં આવનાર છે.

આ માટે એકાદ મહિનામાં દિલ્હીથી વૈજ્ઞાનિકોની ટિમ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. આ ખાસ માપણીથી જિલ્લાના વિવિધ વિસ્તારોના તળાવો, ચેકડેમો, ડેમો, નદીઓ સહિતના વિવિધ પાણીના સ્ત્રોતમાં જળ સ્તર કેટલું ઊંચું આવ્યું છે એની જાણકારી મેળવવામાં આવશે. વધુમાં જળ સ્તરની સ્થિતિ જાણ્યા બાદ તેના આધારે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.