- 12 વર્ષ પછી રાજકોટમાં 23 નવેમ્બરથી પૂ.મોરારિ બાપુ રામ કથાનું કરાવશે રસપાન
- 16200 ચોરસ ફુટનું રસોડું થશે તૈયાર: એક લાખથી વધુ ભાવિકો લેશે પ્રસાદ
- બે લાખ ચોરસ ફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવાની કામગીરી: સીએ, ડોક્ટર સહિત 3000 કાર્યકર્તા ખડેપગે
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં આગામી 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારિબાપુની 947મી રામ કથાનો પ્રારંભ થશે. 12 વર્ષ પછી રાજકોટમાં મોરારીબાપુની રામકથા યોજાશે. કથા દરમિયાન પ્રત્યેક મહેમાનો તેમજ રામ ભક્તોને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમુલ્ય લહાવો મળી રહે અને બાપુની અમૃત વાણીનું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડની અલાયદી એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કથાની બેઠક વ્યવસ્થાના ધાર્મિક પરિસરને વધુ રસમય બનાવવા વિવિધ ધાર્મિક ખંડોને દશરથ ખંડ, રામ ખંડ, હનુમાન ખંડ, સીતા ખંડ, ભરત ખંડ, લક્ષ્મણ ખંડ, ઉર્મિલા ખંડ, અયોધ્યા ખંડ, કૈકૈયી ખંડ, અહલ્યા ખંડ, શબરી ખંડ વગેરે જેવા નામ આપી વિભાજીત કરવામાં આવેલા છે. તેમજ કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેશે. મોરારીબાપુની કથામાં દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુ લોકો કથાનો લાભ લઇ શકે.
વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્થાના અગ્રણીઓ વિજય ડોબરિયા અને મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.
આ કથામાં ક્યાંય કચાસ ન રહી જાય અને શ્રોતાઓને કંઈ તકલીફ ના પડે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ ખડે પગે કામગીરી કામ કરી રહી છે આ રામકથામાં જામનગર રોડ પર બની રહેલા 300 કરોડના ખર્ચે સાત નવા બિલ્ડીંગો સાથે નવા વૃદ્ધાશ્રમ નું નિર્માણ થશે તેના લાભાર્થે આ કથા નું આયોજન કરવામાં આવ્યું છે
રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથા શ્રવણ સ્મરણ કરી શકે તે માટે બે લાખ ચોરસ ફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે જેમાં 45 થી 50 હજાર લોકો બેસી શકશે જ્યારે મુખ્ય સ્ટેજ 40 ચોરસ ફુટ નું તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મોરારીબાપુ નો કટ આઉટ મુકવામાં આવ્યા છે કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજન પ્રસાદ લઈ શકે તે માટે 180 ચોરસ ફુટની જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે ભોજન મંડપ 90 બાય 180ચોરસ ફુટ નો બનાવવામાં આવ્યો છે જેમાં ડોમ તૈયાર કરવામાં આવ્યા છે ખાસ કરીને અહીં વાહન પાર્કિંગને લઈને કોઈ વ્યવસ્થા ન સર્જાય તે માટે 1500 જેટલી કાર તેમજ 15,000 જેટલા ટુ-વ્હીલરો ત પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે
ધર્મ પ્રેમી જનતાને રામકથાનું રસપાન કરવા વિજયભાઈ ડોબરિયાનું આહ્વાન
અબતક સાથેની વાતચીતમાં વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની રામકથાની તૈયારીઓ ખૂબ જોરદાર શરૂ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા માટેની ઓફિસ પણ શરૂ કરવામાં આવેલ છે. સદભાવના વૃદ્ધાશ્રમ ના દાતાઓ જ કાર્યકર્તાઓ બની ગયેલ છે. 40,000 થી વધુ લોકો કથા સાંભળી શકે અને પ્રસાદ લઈ શકે તેવા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે. રાજકોટ વાસીઓની કથા હોય તેવી રીતે લોકો સહયોગ આપી રહ્યા છે. મોરારીબાપુને પણ ખૂબ જ ભાવ છે કે સદભાવના વૃદ્ધાશ્રમનું નવનિર્મિત કામ પૂર્ણ થાય. રાજકોટની ધર્મ પ્રેમી જનતાને અપીલ છે કે રામકથા સાંભળવા પધારે.
40 હજારથી વધુ ભક્તો એકસાથે કથાનું રસપાન કરી પ્રસાદનો લાભ લઇ શકશે: કેતનભાઈ પટેલ
અબતક સાથેની વાતચીતમાં કેતન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે માનસ સદભાવના પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય કથામાં 312/561 ફૂટના ત્રણ જર્મન ડોમ બનાવવામાં આવ્યા છે. તેમની અંદર મુખ્ય વ્યાસપીઠ છે. અલગ અલગ બેઠકની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 90/400ના બે ડોમ પ્રસાદ માટે બનાવેલ છે. ભોજન શાળા માટે 90/150 નું ડોમ બનાવવામાં આવ્યું છે. ડોમમાં 40,000 થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ડોમની અંદર નવ જેટલા અલગ અલગ ખંડો બનાવવામાં આવ્યા છે. ડોમની અંદર સ્વયંસેવકો, સિક્યુરિટી અને સીસીટીવીથી દેખરેખ રાખવામાં આવશે. મુખ્ય વ્યાસપીઠમાં ખૂબ સારી થીમ રાખવામાં આવી છે.આરોગ્યની જાળવણી માટે હોસ્પિટલ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેગા બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 700થી વધુ ફોરવીલ પાર્કિંગ અને 15,000 થી વધુ ટુવીલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.