ભવની ભવાઈ જેવી ‘નાક’ની ટીમો આવતા નાટકો ભજવતા યુનિવર્સિટીના સત્તાધીશો-અધિકારીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત મહિને ૧૮,૧૯,૨૦ ફેબ્રુઆરીના રોજ નેકની ટીમ ઈન્સ્પેકશન માટે આવી હતી. ત્યારે યુનિવર્સિટી ગ્રેડીંગ લેવા માટે કંઈ કંઈ હદે મહેનત કરી છે તે વિચારી પણ ન શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમ પૂર્વે જ રંગરોગાન અને વૃક્ષો અને ફૂલોથી આખુ કેમ્પસ ઝગમગાવી દેવામાં આવ્યું હતું. જો કે ફક્ત કેમ્પસ જ ઝગમગાવવામાં નહોતું આવ્યું પરંતુ નેકની ટીમ માટે બીજી ઘણી બધી લાલ જાજમો પણ પાથરવામાં આવી હતી. અધુરામાં પૂરું છાકટાવેળા કરતા યુનિવર્સિટીના પ્રોફેસરો, એક અધિકારી અને એક સિન્ડીકેટ સભ્યએ આત્મસન્માન ઘવાય તેવી શરમજનક પ્રવૃતિમાં પણ કાળા હાથ કર્યા હોવાનું સામે આવતા પ્રબુદ્ધ અને શિક્ષણજગતે પણ ભારે ભોઠપ અનુભવી છે.
તુલા અને મીન રાશી ધારક કહેવાતા (પ્રા.) અધ્યાપકએ નેકની ટીમ માટે તાન, માન અને તાસીરો જેવી સભ્ય સમાજને ન શોભે તેવી (કુ) સુવિધાઓ ઉભી કરીને મહેમાનની સાથે યજમાનોએ પણ મોજ મજા કરી લીધી હોવાનું ચર્ચાના ચકડોળે ચડતા વધુ એકવાર યુનિવર્સિટીનું વહીવટ લોકોના દાંતે ચડ્યું છે. જો કે યુનિવર્સિટીના વ્યવસ્થાપકોમાં કેટલાંક સજ્જન અને સંસ્કારી સભ્યોએ આ મહેમાનનવાજીથી પોતાની જાતને દૂર રાખવા મુનાસીફ સમજયા હતા અને બે મહિલા સભ્યોએ તો પોતાના ઉતારાના રૂમ પણ બદલી નાખ્યા હતા. તેવી વાત લોકમુખે ચર્ચાતા શિક્ષણ જગતમાં સ્તબ્ધતા છવાઈ હતી.
નેકની ટીમને પોરસ ચડાવવા અને સત્તાધીશોનું ધાર્યું થાય તે માટે ટીમના કહેવાતા રંગીન મિજાજી પ્રતિનિધિઓને કોઈ વાતની કસર ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ મહેમાનગતિ દરમિયાન છાંટો પાણી કરી ચુકેલા એક અધિકારીને ઉંદરડાને અમલ ચડે તેમ નશો ચડી જતાં હોટલમાં બબાલ પણ કરી હતી. પરંતુ આ બધુ ભિને લુગડે ઢંકાઈ જવા છતાં સજ્જન સભ્યોની નારાજગીરીથી આ પ્રકરણ કાનાફૂસીનું કારણ બન્યું હતું અને નેકની ટીમને મળેલી આગતા-સ્વાગતાની ગંધ થોડી લીક થઈ હતી. આટલા તામજામ કરવા છતાં પણ યુનિવર્સિટીના ભાગે એ-પ્લસ ગ્રેડ તો નથી જ આવ્યો પરંતુ એ પણ છીનવાઈ યુનિવર્સિટીને બી ગ્રેડ મળતા યુનિવર્સિટીના શિક્ષણ સામે સવાલો ઉઠી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ નેકની ટીમ ૧૮,૧૯,૨૦ ફેબ્રુઆરી તેમ ત્રણ દિવસ રોકાઈ હતી. ત્યારે એક વાત એવી સામે આવી રહી છે કે તેના માટે એક ડઝન જેટલી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલોની (કુ) વ્યવસ્થા કરવામાં આવી હતી અને સૈયાજી હોટલ પણ યુનિવર્સિટીના એક અધિકારી એક સિન્ડીકેટ સભ્યએ માથે લીધી હતી. આ સમગ્ર ઘટના હાલ ટોક ઓફ ધ યુનિવર્સિટી બની છે.