પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય અવારનવાર પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો
જૂનાગઢ શહેરની સગર્ભા મહિલાને તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધો હોવાના કારણે અવારનવાર શારિરીક, માનસિક ત્રાસ આપતો હોવાથી સગર્ભા મહિલા આત્મહત્યા કરી લેવાનો વિચાર કરી બેઠી હતી ત્યારે ૧૮૧ ટીમે પહોંચી જઇ મહિલા તેના પતિ સાથે સુખી દાંપત્ય જીવન વિતાવે એવી સરાહનીય કામગીરી કરી હતી.
જુનાગઢમાં એક મહિલાએ ૧૮૧ અભયમ્ ની મદદ માંગતા જુનાગઢ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદિયા, કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનુ કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને મહિલાના પતિને પહેલી પત્નીના બે સંતાનો પણ હતા ને હાલ મહિલા પણ સગર્ભા હતી ત્યારે મહિલાના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા મહિલાએ પોતાના પતીને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ પતિ સમજવા તૈયાર જ ન હતા તથા નાના મોટા ઝઘડા કરી, વારંવાર માનસિક શારિરીક ત્રાસ ગુજારવાની સાથે વારંવાર મહિલાને તેમના પિયર જતી રહેવાનું કહેતાં હતા અને તેમના પતિએ પોતાની પત્નીના પેટમાં રહેલ બાળકનો પણ વિચાર કર્યા વિના, મહિલા સાથે મારકૂટ કરીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી.
પરંતુ સદ્દનસીબે આ પરણિત મહિલાને ૧૮૧ ની મદદ લેવાનો વિચાર આવતા મહિલાએ ૧૮૧ ટીમને કોલ કર્યો હતો ત્યારે ૧૮૧ ના કાઉન્સિલર ડાયબેન માવદીયા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાને પોતાની કોખમાં રહેલ બાળકનો વિચાર કરવા સમજાવી, આપઘાતના વિચારથી મુક્ત કર્યા હતા તથા મહિલા પોતાનો ઘર સંસાર આગળ ચલાવવા માંગતા હતા તેથી પતિનુ કાઉન્સેલીંગ કરીને લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ કાનૂનન અપરાધ છે અને દુષ્કર્મ સહિત નો ગુનો દાખલ થઈ શકે છે તેવી કાયદાકીય માહિતીની સમજણ આપી સમજાવ્યા તેથી પતિને કાયદાકીય ભાન થતા સમજણ બેઠીને પત્નીને સ્વીકારી હતી, તથા હવે પછી અન્ય સ્ત્રી સાથે સબંધ નહીં રાખે અને ભવિષ્યમાં ફરી પત્ની સાથે મારકૂટ નહીં કરે તેવી ખાત્રી આપી હતી.