જામનગરની એક સગર્ભા મહીલા માટે ૧૦૮ની ટીમ દેવદૂત સમાન પુરવાર થઈ
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે એક સગર્ભા મહિલા કે જેને પ્રસુતિ ની પીડા ઉપડી હતી, અને ૧૦૮ ની ટીમ તેને જીજી હોસ્પિટલ પહોંચાડે તે પહેલાં જ તેણીએ જોડિયા બાળકોને એમ્બ્યુલન્સમાં જન્મ આપ્યો હતો, અને ૧૦૮ ની ટીમ તેમના માટે દેવદૂત સમાન સાબિત થઈ હતી. જોડિયા બાળકોની નાડ વીંટળાયેલી હતી, અને એક બાળક રડતું ન હતું. દરમિયાન ૧૦૮ ની ટીમેં જરૂરી સારવાર કરી અને ત્રણેયને હેમખેમ બચાવી લઇ વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી વંદનાબેન શિવદાનભાઈ બારોટ નામની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ નો સંપર્ક સાધ્યો હતો.
તેથી સમર્પણ ચોકડી લોકેશન પરની ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ના ઇ.એમ.ટી. રવિ કુમાર ચૌહાણ અને ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી હતી, અને તેઓને સારવાર માટે જામનગરની જીજી. હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલાંજ મહિલાને વધુ પ્રસુતિની પીડા ઉપડી હતી.
આથી ૧૦૮ ની ટીમ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સની અંતર્ગત વર્ષોથી કરાવી દેવામાં આવી હતી અને તેઓની હાજરીમાં જ જોડીયા બાળકોને જન્મ આપી દીધો હતો.
જે જોડિયા બાળકો જન્મ્યા તે વખતે એક બાળક ને ગળામાં નાળ વિટળાયેલી હતી, તેમજ એક બાળક ખૂબ જ ઓછું રડતું હોવાથી એમ્બ્યુલન્સની ટીમેં જરૂરી સારવાર આપીને બંને બાળકો સાથે માતાને હેમખેમ બચાવી લીધા હતા, અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
૧૦૮ ની ટીમની સમગ્ર કાર્યવાહીને ધ્યાનમાં રાખીને પ્રસુતા મહિલા ના પરિવારજનોએ ૧૦૮ ની ટીમનો હૃદય પૂર્વક આભાર માની તેઓની આ કામગીરીને બિરદાવી હતી.