Abtak Media Google News

આજે વિશ્વ શિક્ષક દિવસ

દેશમાં અંદાજે 15 લાખ શાળાનાં 96 લાખ શિક્ષકો 29 કરોડ બાળકોનું ભાવિ ઘડી રહ્યાં છે : આપણા દેશમાં 5 સપ્ટેમ્બરે અને વિશ્વમાં આજે ઉજવાતા આ દિવસની શરૂઆત 1994 માં થઈ હતી : શિક્ષક પાસે તેમના વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તનશીલ અને કાયમી અસર કરવાની તક અને ટકાઉ ભવિષ્યને આકાર આપવા અને તેને પરિપૂર્ણતા પ્રદાન કરવામાં ફાળો આપે છે

આ વર્ષની થીમ : શિક્ષકોની જરૂર છે , શિક્ષકની  અછતને દૂર કરવા માટે વૈશ્વિક આવશ્યકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે : આજની સદીમાં જ્ઞાનની બોલબાલા છે, ત્યારે શિક્ષક સજ્જતાને વિશેષ મહત્વ અપાય છે

બાળકોના સંર્વાગી વિકાસમાં શિક્ષકની અગ્રીમ ભૂમિકા સાથે ભાવી નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતરમાં તેનો ફાળો વિશેષ હોય છે. આજે વૈશ્ર્વિકસ્તરે શિક્ષણ દિવસ ઉજવાય રહ્યો છે. દુનિયાભરમાં ઉજવાતો આ દિવસ આપણા ભારતમાં 5મી સપ્ટેમ્બરે ઉજવાય છે. કોઇપણ દેશનાં વિકાસમાં શિક્ષકનું યોગદાન વિશેષ હોવાથી તેના માન-સન્માન સાથે ઉજવણીનો ઉત્સવ એટલે શિક્ષક દિવસ. પ્રાચીનકાળથી ગુરૂઓના ગુરૂકુળ-આશ્રમોની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રહી છે. બાળકોના સંર્વાગી વિકાસમાં ગુરૂ કે શિક્ષકની ભૂમિકા મહત્વની છે. આજની સદીમાં જ્ઞાનની બોલબાલા છે તેવાં સજોગોમાં શિક્ષક સજ્જતાને વિશેષ મહત્વ અપાય છે. શિક્ષકની બાળકોને ભણાવવાની વિવિધ પધ્ધતિઓમાં દ્રશ્યશ્રાવ્ય સાધનો અને ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સ ઉમેરાતા બાળકો ઝડપથી શીખવા લાગ્યા છે. એક વાત એ પણ છે કે શિક્ષકને શિક્ષણ સિવાયના ઘણા કાર્યો અપાતા હોવાથી તેનું શિક્ષણ ઉપરથી ધ્યાન ભંગ થાય છે.આપણાં દેશમાં હાલ 15 લાખ શાળામાં 96 લાખ શિક્ષકો દેશના 29 કરોડ છાત્રોનું ભાવી ઘડી રહ્યાં છે. જેમાં ધો.12 સુધીના છાત્રોનો સમાવેશ થાય છે.

કોલેજ-યુનિ.માં 9 કરોડ જેટલા છાત્રોને 15 લાખ પ્રોફેસરો ઉચ્ચ શિક્ષણનું જ્ઞાન આપી રહ્યાં છે. આપણી આવડી મોટી શાળાકીય વ્યવસ્થા દુનિયાની સૌથી મોટી શિક્ષણ વ્યવસ્થા મનાય છે.આપણાં દેશના કુલ શિક્ષકો 96 લાખ પૈકી 51 ટકા મહિલા શિક્ષકો કાર્યરત છે. શૈક્ષણિક સંકુલોના શિક્ષણ ઉપરાંત આજે દેશમાં સાડા સાત રજીસ્ટર્ડ કોચિંગ ક્લાસ અસ્તિત્વમાં છે જેમાં પણ શિક્ષકો બાળકોને સર્વગ્રાહી શિક્ષણ સાથે દ્રઢિકરણ બાબતે તથા પુનરાવર્તન કરાવીને તેને નિપુણ બનાવવાનું કાર્ય કરી રહ્યાં છે. શિક્ષકનો હસતો ચહેરો અને શ્રેષ્ઠ વર્ગ વ્યવસ્થા જ બાળકોને પ્રેરણા આપે છે. સાચો શિક્ષક બાળકોના વયકક્ષા મુજબના શબ્દો-પધ્ધતિ સાથે તેના રસ-રૂચિ અને વલણોને ધ્યાને લઇને શિક્ષણ આપતો હોય છે. આજે સરકારી શાળા પણ શિક્ષકોના ઉત્તમ પ્રયાસો થકી સિધ્ધીનાં શિખરો સર કરી રહ્યાં છે. ખાનગી શાળા કરતાં પણ સરકારી શાળાની ભૌતિક સુવિધા ખૂબ જ વધવા લાગતા ઘણા મા-બાપો ખાનગી શાળામાંથી બાળકોને ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે.

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો તે સતત અને સક્રિય રીતે બાળકોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતો અને બાળકોને જીવનના ગણતર સાથે અનુભવજન્ય શિક્ષણ આપે છે. શિક્ષક જ બાળકોમાં 16 કલાએ કેળવીને સાચી કેળવણી આપતો હોય છે. વ્યક્તિના જીવનમાં મા-બાપ પછી અગત્યની વ્યક્તિ એટલે શિક્ષક. આજે વિશ્ર્વમાં શિક્ષક બાળકનાં સંપૂર્ણ અને સર્વાંગી વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.

શિક્ષક એટલે હરતી-ફરતી પાઠશાળા

આજે વિશ્ર્વ શિક્ષક દિવસે 21મી સદીનો શિક્ષક ગૂગલ જેવો હોવો જોઇએ મતલબ કે સર્વપ્રકારે જ્ઞાનથી સજ્જ હોવો જોઇએ. સતત હસતો રહીને છાત્રોને સતત પ્રેરણા આપતો શિક્ષક હરતી-ફરતી પાઠશાળા જેવો હોય છે. આજના યુગમાં શિક્ષકે સતત અપગ્રેડ થવું જ પડશે. આજના યુગમાં આપણને શિક્ષણના સ્તરના અનેક સવાલો થાય છે ત્યારે સવાર થી સાંજ પોતાના છાત્રોના સંર્વાર્ગી વિકાસ માટે સતત કાર્ય કરતા શિક્ષકોના સન્માન વિશે પણ સૌએ વિચારવું જોઇએ. છાત્રોને જિંદગીના સાચા પાઠ શિક્ષક જ ભણાવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.