બોગસ દસ્તાવેજના આધારે લાઇસન્સ કૌભાંડમાં ૫૪ શખ્સો સામે ગુનો નોંધાયો‘તો
રાજકોટ આર.ટી.ઓ. કચેરીમાં બોગસ દસ્તાવેજના આધારે હેવી લાયસન્સ કઢાવી અપાવવાનું કૌભાંડનો એસ.ઓ.જી.ના સ્ટાફે પર્દાફાશ કરી તપાસ દરમ્યાન ૫૪ શખ્સો સામે ગુનો નોંધી ૧૯ શખ્સોની ધરપકડ કરી હતી જે પૈકી પાંચ શખ્સોએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.વધુમાં આર.ટી.ઓ. કચેરીનાં બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ કઢાવી અપાવવાનું કૌભાંડ ચાલતું હોવાની એસ.ઓ.જી. ના કોન્સ્ટેબલ જેન્તીગીરીને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ૫૪ શખ્સો સામે ફોજદાર એચ.એમ. રાણા ફરીયાદી બની ગુનો નોંધી ૧૯ શખ્સોની ધરપકડ કરી હતી.
હાલ જેલ હવાલે રહેલા અબ્દુલ શેખ, ઇકબાલ જુમા શેખ, વિપુલ ભરત દેવમુરારી, રમેશ રુઘા અધાણી અને ભનુ અરજણ બારીયા, એ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી.
જામીન અરજીની સુનાવણીમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષની દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા બાદ ન્યાયધીશ વી.વી. પરમારે ઉપરોકત પાંચ શખ્સોની જામીન અરજી નામંજુર કરી છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે સમીર ખીરા ઉ૫સ્થિત રહ્યા હતા.