ઘઉનો જથ્થો રેશનિંગનો ન હોવાનું ખુલ્યુ : આટલા મોટા જથ્થાના ખરીદ- વેચાણના આધાર પુરાવાની જોવાતી રાહ
રાજકોટ જિલ્લાનાં આટકોટ નજીકથી સ્પે. ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસે આઈશર વાહનમાંથી 50 કિલોનાં 200 બાચકા ઘઉં કિંમત રૂા.1.95 લાખનાં ઝડપી લીધા હતા. પોલીસે આ જથ્થો શંકાસ્પદ જણાતા ઝડપી લઈ વધુ તપાસ અર્થે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી હતી.
દરમ્યાન પુરવઠાની ટીમના ઇન્સપેક્ટર હરસુખભાઈ પરસાણીયા, એન.જે.ધ્રુવ તેમજ પુરવઠા મામલતદાર પ્રકાશ સખીયા અને ઇન્ચાર્જ મામલતદાર જસદણ એલ.બી. ઝાલા તપાસ અર્થે દોડી ગયા હતા. જો કે બાદમાં માલુમ પડ્યું હતું કે આ ઘઉં રેશનીંગનાં નહી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીનાં જણાવ્યા મુજબ પોલીસ ઈન્સ્પેકટર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્ય દ્વારા ગત તા.7/10 ના રોજ રાજકોટ ભાવનગર હાઈવે, હોટલ શિવ વિહાર પાસે ટાટા કંપનીના આઈસર વાહન નં. જી.જે.03 એટી 1733 માંથી ઘઉં બાચકા 200 નંગ ભરતી 50 કિ.ગ્રા. મુજબ કુલ 10000 કિ.ગ્રા. ઘઉંનો જથ્થો શંકાસ્પદ જણાતા કબ્જે કરી, વાહન તથા જથ્થો આટકોટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ. જેની વિગતવાર તપાસ કરવા મામલતદાર જસદણ, નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-2, ગુજરાત રાજય નાગરી પુરવઠા નિગમ લી. રાજકોટ, ગોડાઉન મેનેજર ગુ.રા.ના.પુ.નિ.લી., જસદણ, પુરવઠા નિરીક્ષક ટીમ, રાજકોટ, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્ય દ્વારા તા.8/10ના તપાસ કરવામાં આવતા.
તપાસ સમયે ગોડાઉન મેનેજર, જસદણના તા.8/10 ના નિવેદનની વિગતે આ વાહનમાં મળી આવેલ ઘઉંનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો પ્રાથમીક રીતે માલુમ પડેલ નથી કે નિગમ ખાતેથી પીળા કલરના દોરાથી સમભરતી કરેલા બારદાન પણ માલુમ પડેલ નથી. કબ્જે કરેલ બાચકાઓ ફકત મોઢા બાંધેલા અને લુઝ બાચકા હોવાનું જણાયેલ છે.
તપાસ સમયે આઈસર વાહન નં. જી.જે.03 એટી 1733 ના ડ્રાઈવર યુસુફભાઈ ટપુભાઈ મીર દ્વારા કોઈ ખરીદ-વેચાણના કોઈ આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવેલ ન હોવાથી, ઘઉંનો જથ્થો તથા વાહન સીઝર કરી ગુ.રા.ના.પુ.નિ.લી.ના જસદણ ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે. જો કે આ ઘઉં રેશનિંગના ન હોય તેવું જાણવા મળ્યું છે.