“અંજાર ખાતે ધુળેટીનો તહેવાર વ્યંઢળોને એકઠા કરી ખાસ કરી ઉજવાય છે જેને લોકો ઈસાકડો-ઈસાકડીનો પ્રસંગ બનાવીને વિચિત્ર રીતે ઉજવણી કરે છે!”
કંડલા આદીપૂર અંજાર
જયદેવે ગાંધીધામ પીઆઈ તરીકેનો ચાર્જ છોડીને તેજ દિવસે સર્કલ પોલીસ ઈન્સ્પેકટર (સીપીઆઈ) અંજાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો કચ્છમાં આવેલ વિનાશક ધરતીકંપે વ્યાપક રીતે તારાજી સર્જી તેમાં પોલીસ ખાતાના જર્જરીત મકાનો પણ ધ્વસ્ત થયેલા અને સાથે સાથે ભૂગોળ પણ ફરી ગયેલી આ કારણે તથા વહીવટી સુગમતા ખાતર જે રીતે સીપીઆઈ અંજારની કચેરી અંજારથી બદલીને આદીપૂર રાખેલી તેમ બોર્ડર ઉપર અબડાસાનું દરિયા કાંઠે આવેલુ લખપત પોલીસ સ્ટેશન સ્થળાંતરીત થઈને દયાપર ગામે આવેલું તેજ પ્રમાણે વાગડનું ભીમાસર થાણુ નેશનલ હાઈવે ઉપર કેમ્પ આડેસર ગામે થયેલું તો અધોઈ પોલીસ મથક પણ હાઈવે ઉપર કેમ્પ કરીને સામખીયાળી ખાતે ચાલતું હતુ હાલતો આ તમામ કાયદેસરના જ પોલીસ સ્ટેશનો થઈ ગયા હશે.
સીપીઆઈ અંજારના સુપરવિઝન તળે અંજાર પોલીસ મથક ઉપરાંત આદીપૂર અને કંડલા પોલીસ સ્ટેશનો આવેલા હતા. અંજાર તાલુકાનો વિસ્તાર ખૂબ વિશાળ હતો મુંદ્રા રોડ ઉપર ચાંદ્રાણી અને ખેડોઈ સુધી તો ભચાઉ-ભૂજ રોડ ઉપર દુધઈ આઉટ પોસ્ટ સુધી અને ગાંધીધામ ભૂજ રોડ ઉપર રતનાલ સુધીનો વિસ્તાર હતો. અંજાર ટાઉન પૌરાણીક તો ખરૂ જ પણ ખાસ્સુ મોટુ અને કોમી સંવેદનશીલ હતુ ડી.વાય.એસ.પી.ની કચેરી પણ અંજાર ખાતે આવેલી છે.
કંડલા બંદર તો મહાબંદર છે. તેની વિવિધ જેટીઓ ગોડાઉનો તો ઠીક પણ દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા મજૂરોની ઝુંપડ પટ્ટીઓ જે અર્ધી તો દરિયાના પાણીમાં જ રહેતી અને પેટ્રોલ કેમીકલ્સનાવિશાળ સ્ટોરેજો અને આડા અવળા ઓવરલેપ થતા રેલવે ટ્રેક તથા રસ્તા હતા કંડલા પોલીસ સ્ટેશન કંડલા પોર્ટ ટ્રસ્ટના મકાનમાં હતુ.
આદીપૂર પોલીસ સ્ટેશન વિસ્તાર આમતો ગાંધીધામ શહેરનોજ ભાગ હતો. આદીપૂરનું તુણા બંદર તે સમયે તો કેટલ બંદર એટલે કે ઘેટા બકરા ગલ્ફમાં મોકલવાનું બંદર હતુ હાલમાં જાણવા મળ્યા મુજ અદાણી પોર્ટ કંપની દ્વારા તેનો કાર્ગો પોર્ટ તરીકે જબરો વિકાસ થયો છે.
કંડલા એરપોર્ટ ગાંધીધામ અને અંજાર શહેરોની વચ્ચે આવેલું છે. આ એરપોર્ટની સલામતી માટે એક પીઆઈ બે ફોજદાર અને ત્રિસેક્જેટલા પોલીસ જવાનો અલાયદા હતા આ એરપોર્ટ પીઆઈની જગ્યા સાઈડ પોસ્ટ હતી સવારે સાડા છ સાત વાગ્યે એક પ્લેન મુંબઈથી આવતું આથી સવારના સાડા પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધીની જ કામગીરી રહેતી વળી આ એરપોર્ટના પીઆઈ મોટે ભાગે રજા ઉપર રહેતા તેનો વધારાનો ચાર્જ પણ જયદેવ પાસે રહેતો.
કચ્છનો વાગડ વિસ્તાર
વળી આ સમય ગાળામાં જ રાપર સીપીઆઈ એ કોઈ અગમ્ય કારણોસર કચેરીમાં જ પોતાની રીવોલ્વરથી આત્મહત્યા કરી લેતા આ સીપીઆઈ રાપરનો પણ વધારાનો હવાલો છ એક મહિના સુધી જયદેવ પાસે રહેલો આ રાપર સર્કલમાં કચ્છનો સમગ્ર વાગડ વિસ્તાર ભચાઉ, સામખ્યાની, રાપર આડેસર અને ગઢડા (ખડીર) પોલીસ સ્ટેશનોનો સમાવેશ થતો હતો. આમ જયદેવ પાસે સમગ્ર પૂર્વ કચ્છનો હવાલો હોઈ તે સમયાંતરે સરકારી કામે જુદા જુદાસ્થળોએ જવાનું થતા તે વિસ્તાર ત્યાંની જનતા , ભૌગોલીક અને રણ પર્યાવરણ માણવાનો સારો લાભ મળેલો અને ખડીર બેટ, ધોળાવિરા ફોસીલ પાર્ક, રવરાઈ, મોમાઈ મોરા, ચીત્રોડ કાનમેરના ડુંગરાઓ માણવાનો મોકો મળેલો.
સીપીઆઈ તરીકે આમતો ફકત સુપરવિઝનનું જ કાર્ય હતુ તે ઉપરાંત સ્ત્રિ અપહરણ અપનયનના કેસો, વણશોધાયેલા ખૂનના પાંચ કેસ ડાયરી સુધીની તપાસ પછીની તપાસો તાબાના માણસો વિરૂધ્ધની ખાતાકીય તપાસો ચલાવવાની રહેતી જે કામગીરી પોલીસ સ્ટેશનની કામગીરી કરતા ઘણી આરામદાયક હતી. પરંતુ તે સમયે સીપીઆઈ તરીકે કચ્છ જિલ્લામાં કે બોર્ડર રેન્જ એટલે કે પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં પણ જયાં ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા વાળા કાર્યક્રમો કે જાહેરસભાઓ કે મોટા મેળાઓ કે ધાર્મિક કાર્યક્રમો હોય તેના બંદોબસ્તમાં જવાનું રહેતુ તેના કારણે ઉતર ગુજરાત તેમાં પણ ખાસ તો ડીસા, પાલનપૂર, અંબાજી, પાટણ, સમી, હારીજ, સુઈ ગામ, થરા થરાદ, ભીલડી ધાનેરા, શંખેશ્ર્વર વિગેરે જગ્યાઓ કે ત્યાં ખાસ જવાનો તો જવલ્લે જ મોકો મળે તે તેને જોવા માણવાનો પણ લાભ મળેલો.
તે સમયે તો ખાસ સરકાર દ્વારા જ મહિલા સંમેલનો, કલ્યાણ મેળાનાં કાર્યક્રમો લગભગ અઠવાડીયાના એક ના દરે તો આવતા જ આમ અઠવાડીયાના અર્ધાદિવસો તો બહારગામ જ રહેવાનું થતુ.
આવા બંદોબસ્તમાં ખાસ તો દર વર્ષે ભાદરવી પૂનમનો અંબાજી ખાતે યોજાતો દસેક દિવસનો મેળા બંદોબસ્તતો યાદગાર અને અવિસ્મરણીય રહ્યો. જયદેવને ત્રણેક વર્ષ નિયમિત રીતે આ ભાદરવી પૂનમના મેળા બંદોબસ્તમાં અંબાજી જવાનું થયું.
શકિતપીઠ અંબાજી
આ અંબાજી ખાતેના મેળામાં પ્રથમ વર્ષે જયદેવનો બંદોબસ્ત બે દિવસ મંદિર પરીસરમાં અને બાકીના દિવસો હડાદ રોડ ઉપર પેટ્રોલીંગનો હતો. અંબાજી માતાના મેળાનું મહાત્મ એવું જાણવા મળેલું કે નવરાત્રી પહેલા સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને છેક મુંબઈથી પણ શ્રધ્ધાળુઓ માતાજીને પોતાના વતનમાં પધરામણી કરવા માટેનું આમંત્રણ આપવા પગપાળા ચાલીને કે વાહનો દ્વારા દૂર દૂરથી અંબાજી મંદિરે આવે છે. ટુંકમાં લગભગ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને દેશના છૂટા છવાયા ભાગોમાંથી પણ લોકો આ દસ દિવસ દરમ્યાન માતાજીને આમંત્રણ આપવા આવે છે. આથી સમગ્ર અંબાજી શહેર યાત્રાળુઓની ભીડને લઈને દસે દસ દિવસ ભરચકકર હોય છે. આ અંબાજી માતાનું મંદિર અરવલ્લી પર્વત માળા વચ્ચે આવેલું છે. ગબ્બરના ડુંગર ઉપર માતાજીની સતત જલતી જયોત અને તળેટીમાં ગામ વચ્ચે માતાજીનું શકિત પીઠ સ્વરૂપ ધામ આવેલું છે.
એમ કહેવાય છે કે દક્ષ પ્રજાપતીના યજ્ઞમાં ભગવાન મહાદેવજીને આસન નહિ આપી અપમાન થતા માતા પાર્વતીજીએ તેજ યજ્ઞકુંડમાં દેહ ત્યાગ કરતા ભગવાન સદાશિવ મહાદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી માતાજીનું સળગતુ શબ લઈને વિનાશકારી તાંડવ નૃત્ય ચાલુ કરેલું જો આ તાંડવ નૃત્ય લાંબો સમય ચાલુ રહે તો સમગ્ર સૃષ્ટિનો વિનાશ થાય તેમ હતુ અને જયાં સુધી મહાદેવજીના હાથમાં માતાજીનું શબ હોય ત્યાં સુધી આ તાંડવ નૃત્ય બંધ થાય તેમ ન હતુ.
આથી સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છૂટુ મૂકીને માતાજીના મૃતદેહના ટુકડા ટુકડા કરવા આદેશ કર્યો આથી જયાં જયાં માતાજીનાં અંગો પડયા ત્યાં ત્યાં માતાજીની શકિતપીઠો બની આવી કુલ એકાવન શતિ પીઠો આવેલી છે. અહી અરવલ્લી પહાડમાં માતાજીના હૃદયનો ભાગ પડેલો તેથી આ જગ્યાએ માતાજીની શકિત પીઠ બનેલ છે. જે વિશ્ર્વકક્ષાનું યાત્રા ધામ છે.
ગબ્બરના પહાડ ઉપર જવા માટે પગથીયા ઉપરાંત રોપવે ના ઝુલા પણ આવેલા છે. ગબ્બરની તળેટીમાંથી જ જંગલમાં થઈ જતો અને વિરમવેરી વિરપૂર થઈ જતો પાલનપૂરનો ટુંકો અને સાંકડો માર્ગ પસાર થાય છે. ગબ્બરની સામે જ એટલે કે રોડના બીજા છેડે ફરી એક ડુંગર છે. જેના ઉપર થોડી ઉંચાઈએ આવેલુ ગુફામાં ચૂંદડીવાળા માતાજી કે જે પૂર્વાશ્રમના પ્રહલાદભાઈ જાનીની તપોભૂમિ આવેલી છે. આ ચુંદડીવાળા માતાજી સીતેર વર્ષથી અન્નજળ લીધા સિવાય તપ કરી રહ્યાં છે. જેઓ ફકત અલૌક્કિ દિવ્ય શકિતથી જ જીવી રહ્યાં હતા.
થોડા વર્ષ પહેલા અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલના જુદા જુદા વિષયોના નિષ્ણાંત ડોકટરોએ વિશ્ર્વના જુદા જુદા દેશના ડોકટરોને પર સાથે રાખીને આ સંત ચૂંદડીવાળા માતાજીને પાંત્રીસ દિવસ સુધી અલાયદા રૂમમાં કાચની પેટીમાં રાખી અનેક પ્રકારના આધુનિક તબીબી પરીક્ષણો કર્યા અને તમામ આશ્ર્ચર્ય પામી ગયા કે ફકત હવાથી જ આ સંત પોતે કઈ રીતે જીવી રહ્યા છે ? આવાત જગ જાહેર થતા ટેલીવીઝન વિગેરે માધ્યમોમાં પણ આ સમાચારો પ્રસિધ્ધ થયેલા આ ચુંદડીવાળા માતાજીનો એક અલૌકિક અનુભવ જયદેવને પણ ત્યારે પાંચ સાત પોલીસ અધિકારીઓની હાજરીમાં થયેલો. આ ચુંદડીવાળા માતાજી સંતના જીવન ઝરમરનું પુસ્તક અદભૂત દૈવી શકિત પણ પ્રસિધ્ધ થયેલ છે. ટુંકમાં શકિતપીઠમાં આરાધના કરનાર આ એક અલૌકિક સંત હજુ પણ આ ધરતી ઉપર હયાત હતા. અને અંબાજી ખાતે ગબ્બરના ડુંગર સામે જ પહાડમાં આવેલ ગુફામાં મા-અંબાજીની આરાધના તપ અનુષ્ઠાન યોગ કરી રહ્યા છે.
આમ જયદેવને પોતાની ફરજની સાથે સાથે અલૌકિક સંતોને હસ્તીઓને મળવાનો તેમના જ્ઞાન મેળવવાનો પણ લાભ જીવનમાં જુદા જુદા તબકકે મળતો રહ્યો જેમ જીન ખોજીએ તીન પાઈએ માફક !
વનની કુદરતી શોભા
જયદેવે અંબાજી ખાતે પ્રથમ વર્ષે મંદિર પરીસર અને તે પછી હડાદ રોડ ઉપર હતો. હડાદ રોડ ઉપરથી હિમતનગર સાંબરકાંઠા જિલ્લાનાં શ્રધ્ધાળુઓ અને અમુક રાજસ્થાનના વિસ્તારમાંથી આવતા હતા. આ હડાદ રોડ ઉપર અંબાજી ટાઉનમાંથી બહાર નીકળતા નદીના સામા કાંઠે દક્ષિણ ભારતીય શૈલીનું ભગવાન ચોસઠ જોગણીનું મંદિર આવેલ છે. અને આ મંદિર પાસેથી જ ઉતર દિશામાં નદી કાંઠે કાંઠે ત્રણેક કિલોમીટર દૂર જંગલમાં નાની પહાડી ઉપર કોટેશ્ર્વર મહાદેવનું પૌરાણીક અને સુંદર મંદિર આવેલ છે. મંદિરની બાજુમાંથી જ પસાર થતું પાણીનું ઝરણુ પહાડ ઉપરથી નીચે તબક્કાવાઈઝ નીચે પડે છે. જે નયન રમ્ય દ્રશ્યો સર્જે છે. આ ટેકરીની નીચે જ વાલ્મીકી ઋષીનો પૌરાણીક આશ્રમ અને ખૂબજ જૂની શૈલીનું શીવાલય આવેલું છે.
જયદેવે બાકીનાં બે વર્ષનાં અંબાજી ખાતેના મેળા બંદોબસ્તમાં ગબ્બર તળેટીથી શરૂ કરી જંગલમાં નાના મોટા પહાડો ઘાટોમાં થઈને છેક વિરમવેરીના પાટીયા સુધીનો ત્રીસેક કિલોમીટરનો જીપમાં પેટ્રોલીંગ ફરવા બંદોબસ્ત હતો દિવસે તો ઠીક પણ સમગ્ર રાત્રી દરમ્યાન પણ પદયાત્રીઓ ચાલ્યા જ આવતા હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો આ બંદોબસ્ત હતો. અલગ શીફટ (પાળી) વાઈઝ આઠ-આઠ કલાકનો બંદોબસ્ત હોઈ આ અંબાજીના જંગલો અને તેની સુંદરતા, કુદરતી માહોલ જોવા માણવાનો ત્રણે પ્રહર એટલે કે સવાર બપોર-સાંજ અને રાત્રીનો અલભ્ય લાભ મળેલો એ પહાડો, વિવિધ પ્રકાર, આકારની શીલાઓ, જંગલોની વિવિધ વનસ્પતિઓ નદીઓ, ઝરણા, વન્ય પશુ પંખીઓ અને કુદરતી રીતે જ વર્ષાઋતુને અંતે ફાલીફૂલેલી પ્રાકૃતિક વિરાસતનો જે લાભ મળ્યો તે અવિસ્મરણીય છે.
વિવિધ પ્રકારના બંદોબસ્ત
પીઆઈ જયદેવે રાજયના અલગ અલગ વિસ્તારોમાં અનેક પ્રકારનાં બંદોબસ્તો કરેલા જેવા કે ધાર્મિક કોમી, સામાજીક, રાજકીય તેમજ લોકમેળા, નાટક ચેટક ખાસ પ્રકારની મ્યુઝીકલ નાઈટોના કાર્યક્રમો વિગેરે પરંતુ તે તમામની વિવિધતા મુશ્કેલીઓ અને વ્યૂહ લગભગ સામાન્ય હોય છે. પરંતુ પોલીસ માટે સૌથી વિચિત્ર અને કાંઈક અંશે કપરો જો કોઈ બંદોબસ્ત હોય તો તે કીન્નરોનો ! જો પોલીસ બળ વાપરે તો પણ દુ:ખ કારણ કે એમ કહેવાય કે હીજડાઓ ઉપર પોલીસ સૂરીપૂરી અને જો બળ ન વાપરે કે મર્યાદામાં રહે તો લોકો કહેવાના જ કે હવે તો પોલીસને વ્યંઢળો પણ ગણકારતા નથી.
આપણી સંસ્કૃતિ મુજબ આ કિન્નરો માતાજીના ભકતો ગણાય છે તેઓ બહુચર માતાજીના ભકતો હોય છે. આ લોકોની દુનિયા જ સાવ જુદી હોય છે.તેઓના પોતાના મઠ હોય છે. અને ગુરૂ પણ હોય છે. અને પોતાના મંડળોમાં રહે છે.
ધૂળેટીનો તહેવાર અલગ અલગ વિસ્તારમાં આમ તો સરખો જ હોય છે. ધૂળેટી રંગોનો તહેવાર છે. પણ પોરબંદર જીલ્લામા અને તળાજા તાલુકામાં આ તહેવારો દરમ્યાન ભૂતકાળના ખૂન ખરાબાના વેર વાળવાની એટલે કે સામા પક્ષને ઢાળી દેવાની પ્રથા હતી. પરંતુ કોણ ઢળી પડે તે દરેકની પૂર્વ તૈયારી અને પોલીસની સતર્કતા અને ફોજદારની હાંક કેવી વાગે છે તેના ઉપર નિર્ભર રહેતું.
પરંતુ અંજાર ખાતે ધૂળેટીના દિવસે ઉજવાતો ઈસાકડો ઈસાકડીનો તહેવાર જે રીતે ઉજવાય છે. તેવો વિશ્ર્વમાં બીજે કયાંય ઉજવાતો નથી. આમ તો ધૂળેટી પહેલા જે હોળી પ્રગટે અને લગભગ તે ગામડાના પાદરમાં જ પ્રકટતી અને સાંજના પ્રગટયા પછી બાળકો અને સ્ત્રિઓ દર્શન કરી ને જતા રહ્યા પછી ફકત પુરૂષો જે ફાગ બોલતા તેનો જ પ્રકાર છે. અંજાર ખાતેના આ તહેવાર માટે દૂર દૂરના સ્થળોથી કીન્નરો એકઠા થાય છે. કેટલાક તો છેક મુંબઈ વડોદરાથી પણ આવે છે.
આ મેળામાં સવારથી કિન્નરો અને સ્થાનિક રસીયા યુવાનો એકઠા થઈ જુદા જુદા પ્રકારનાં વાહનો અને વાંજીત્રો સાથે સમગ્ર શહેરમાં રેલી રૂપે ફરે છે. બજારો એટલે કે દુકાનો લગભગ બંધ હોય છે. ટોળા બંધ એકઠા થયેલા કિન્નરોમાંથી એક કિન્નરને ઈસાકડો નામ આપવામા આવે છે. અને એક કિન્નરને ઈસાકડી બનાવવામાં આવે છે. જેમાં જે કીન્નર ઈસાકડો બને તે દુબળો પાતળો અને કદરૂપા જેવો હોય તેની પસંદગી કરવામાં આવે છે અને જે દેખાવે રંગે સારો વ્યંઢળ હોય તેને ઈસાકડી બનાવવામા આવે છે ! દરેક કિન્નરો આ ઈસાકડા ઈકડીના નામે રૂપક ગીતો ડાયલોગ્ઝ બનાવીને મઝાક અને ટીખળ કરતા રહે છે. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં આ રેલી ફરતી રહે છે. શરૂમાં શાંતી શિસ્ત અને સોમ્યતા હોય છે. પરંતુ જેમ જેમ સૂર્ય માથે આવતો જાય તેમ તેમ દરેકનો સ્વભાવ અને વાણી વિલાસ પણ ઉગ્ર બનતો જાય છે. જે છેક બીભત્સ અને ગલીચ પણ બને છે. જેને તળપદી ભાષામાં ફાગ બોલ્યા કહેવાય છે. આ ફાગને અમુક લોકો શુકન ગણે છે. છતા સભ્ય અને સુધરેલા લોકો સામાન્ય રીતે આ મેળામાં આવવાનું ટાળે છે. પરંતુ અઠંગ રસીયાઓથી બજાર પૂરેપૂરી ભરચકક ભરેલી હોય છે. છેલ્લા જાણવા મળ્યા મુજબ હવે લોકો આ મેળામા ઓછો રસ લે છે. પરંતુ સાંસ્કૃતિક વારસારૂપ આ કાર્યક્રમ ચાલુ રાખ્યાનું જાણવા મળે છે.
અંજાર ખાતેની આ ઈસાકડા-ઈસાકડીની રેલી દરમ્યાન જયદેવે જોયેલું કે અમુક વિસ્તારોમાં ખૂબ આક્રમકતા રહેતી અને ફાગ બોલવાનું પ્રમાણ પણ વધી જતું સાથે સાથે જ બહારથી આવેલા વ્યંઢળોની સાથે અમૂક નશાખોરો રેગીંગ પણ ચોરી છુપીથી ટોળામાં કરી લેતા હોવાનું જાણવા મળેલું પરંતુ સહન કરીને પણ આ પરંપરા જાળવી રાખવા અમુક લોકો મકકમ છે. આવા બનાવોની કોઈ ફરિયાદ કરતુ નથી. પોલીસ દળ પણ આવા કાર્યક્રમ બંદોબસ્તથી કંટાળીને કાર્યક્રમની રેલીને મંજૂરી આપવા ઈચ્છુક નથી પરંતુ રાજકીય રીતે સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવા દર વર્ષે આવી મંજૂરી આપવા માટે ભલામણો અને દબાણો થાય છે. આથી પોલીસ મંજૂરી પણ આપે છે. આથી પરંપરાગત આ મેળો હજુ પણ ચાલુ જ છે.