ભારતીય વિઝા લેવા માટે આતંકી આજમોવને રશિયા મોકલાયો હતો !!
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના એક ફિદાયનની રશિયામાં ધરપકડ કરવામાં આવી છે. તે ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. વાસ્તવમાં આતંકી મધ્ય એશિયાનો રહેવાસી છે અને સુરક્ષા એજન્સીએ તેની ધરપકડ કરી લીધી છે. તેને કહેવામાં આવ્યું છે કે તેણે તુર્કીમાં આતંકી હુમલાની ટ્રેનિંગ લીધી છે. આ મામલે રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ (એફએસબી)એ જણાવ્યું છે કે હુમલાખોર ભારતમાં સત્તાધારી પાર્ટીના એક મોટા નેતા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો, કારણ કે તે પ્રકારે હુમલો કરીને ભારતમાં પયગંબરનાં કરાયેલા અપમાનનો બદલો લેવા માંગતો હતો. હાલ જવા રીતે માહિતી મળી રહી છે તે મુજબ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે સોશ્યલ મીડિયા પોસ્ટ મુકનાર નૂપુર શર્મા પર હુમલો કરી બદલો લેવાની ભાવના સાથે આ આતંકી ટૂંક સમયમાં ભારતમાં ઘૂસણખોરી કરવાનો હતો.
ટૂંક સમય પૂર્વે મોહમ્મદ પયગંબર સાહેબ અંગે નૂપુર શર્મા દ્વારા એક પોસ્ટ સોશ્યલ મીડિયાંમાં મુકવામાં આવી હતી જેના લીધે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ નૂપુર શર્માનું સમર્થન કરનારા ઉદયપુરના એક દરજી કનૈયાલાલનું માથું વાઢી સોશ્યલ મીડિયામાં હત્યાનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. એ બાદ પવિત્ર અજમેર શરીફના મૌલાના દ્વારા નૂપુર શર્માનું માથું વાઢી નાખનારને પોતાની તમામ મિલકત આપી દેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
વિશ્વભરમાં આ ઘટનાની નોંધ લેવાઈ હતી. પરંતુ મહત્વની બાબત એ છે કે, ભારત દેશ કે જે વિવિધતામાં એકતાની ઓળખ ધરાવે છે અને ’મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના’ આ મંત્ર સાથે હળીમળીને રહેતા લોકોના આ દેશમાં આ પ્રકારે ધર્મના નામે હિંસા કરવી એ કેટલી અંશે યોગ્ય છે તેવો સવાલ ઉઠ્યો છે.
પયગંબર મોહમ્મદ પર બીજેપી પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી પર વિવાદ ઉભો થયા પછી ઇસ્લામિક સ્ટેટે ભારતભરમાં હુમલાની ધમકી આપી હતી. ભારતીય ઉપખંડમાં કાર્યરત ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતએ પણ આ જ મુદ્દા પર 50 પાનાનો દસ્તાવેજ જાહેર કર્યો હતો. ત્યારપછી આઈએસઆઈએસની અફઘાનિસ્તાન સ્થિત શાખા ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે ભારત અને નુપુર શર્માના નિંદાના નિવેદનોને જોડતો 10 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો.
તે સમયે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતે કહ્યું હતું કે તે 20 દિવસમાં ભારતમાં બે હુમલા કરશે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન હિંદુઓને ઈસ્લામિક સ્ટેટથી બચાવી શકશે નહીં, કારણ કે તે શિયા મુસ્લિમોને પણ બચાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ સિવાય અલ-કાયદા તરફથી પણ આવી જ ધમકીઓ મળી હતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે તે પયગંબર મોહમ્મદની ગરિમા માટે લડવા માટે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા કરશે.ધમકીઓ પર, ગૃહ મંત્રાલયે કહ્યું કે આઈએસ પોતાની વિચારધારાનો પ્રચાર કરવા માટે વિવિધ ઇન્ટરનેટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. આ સંદર્ભે, સંબંધિત એજન્સીઓ દ્વારા સાયબર સ્પેસ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફેડરલ સુરક્ષા સેવા શું છે?
એફએસબી વિશે વાત કરીએ તો, તે રશિયાની મુખ્ય સુરક્ષા એજન્સી છે અને સોવિયત સંઘની કેજીબીની મુખ્ય અનુગામી એજન્સી છે. તેની પ્રાથમિક જવાબદારીઓ દેશની અંદર છે અને તેમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ, આંતરિક અને સરહદ સુરક્ષા, આતંકવાદ અને દેખરેખ તેમજ અન્ય ચોક્કસ પ્રકારના ગંભીર ગુનાઓ અને સંઘીય કાયદાના ઉલ્લંઘનની તપાસનો સમાવેશ થાય છે. તેનું મુખ્ય મથક, મોસ્કોમાં કેજીબીના મુખ્ય કાર્યાલયની બાજુમાં લુબ્યાન્કા સ્ક્વેર ખાતે આવેલ છે. એફએસબીના ડિરેક્ટરની નિમણૂક રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
નૂપુર શર્મા પર હુમલાની જવાબદારી સોંપાઈ હતી: આજમોવને ભારતમાં સહાયતા પુરી પાડવાનો આઈએસનો વાયદો
રશિયામાં ધરપકડ કરવામાં આવેલા ઇસ્લામિક સ્ટેટના આત્મઘાતી હુમલાખોરને ભારતીય જનતા પાર્ટીની નિલંબિત નેતા નૂપુર શર્માની હત્યાનું એકમાત્ર કામ સોંપવામાં આવ્યું હતું. શીર્ષ જાસુસી સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે 1992માં જન્મેલા આજમોવને આઈએસે તુર્કીમાં ભરતી કર્યો હતો અને તેણે ત્યાં જ ટ્રેનિંગ લીધી હતી.
આજમોવનું માનવું છે કે નૂપુર શર્માએ પૈગમ્બર મોહમ્મદનું અપમાન કર્યું છે જેથી તેને સમાપ્ત કરી દેવી જોઈએ. યોજના અંતર્ગત તેને ભારતીય વીઝા લેવા માટે રશિયા મોકલવામાં આવ્યો હતો. સૂત્રોએ કહ્યું કે નવી દિલ્હી પહોંચવા પર તેને સ્થાનીય સ્તર પર સહાયતા આપવાનુ આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આજમોવે જણાવ્યું કે તે ઓનલાઇન કટ્ટરપંથી બન્યો અને આઈએસઆઈએસના કોઇપણ નેતાને ક્યારેય મળ્યો નથી. સૂત્રોના મતે તેને ઓપરેશનના બીજા તબક્કા અંતર્ગત રશિયા મોકલવામાં આવ્યો હતો.