સરકાર માટે 2023નું વર્ષ અત્યંત મહત્વનું છે. કારણકે મોદી સરકાર 2024નો રોડ મેપ અત્યારથી જ તૈયાર કરી રહી છે.માટે બજેટને સરકાર ખૂબ ગંભીરતાથી લઇ રહી છે. સરકારે બજેટ પૂર્વે ફુગાવાને કાબુમાં લેવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આ પ્રયાસો સફળ રહ્યા છે. સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. દેશમાં છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં 5.72 ટકાના 12 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો. રિટેલ ફુગાવો એક વર્ષમાં સૌથી નીચો હતો. નવેમ્બર 2022માં તે 5.88 ટકા હતો. ડિસેમ્બર 2021માં રિટેલ ફુગાવાનો દર 5.66 ટકા હતો.
ભારતમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો 4.95 ટકા રહ્યો છે જે 22 મહિનાની નીચલી સપાટી છે. નવેમ્બરમાં આ ફુગાવો 5.85 ટકા હતો.ખાદ્ય ફુગાવો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છવાને કારણે ડિસેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જથ્થાબંધ ફુગાવો નવેમ્બર, 2022માં 5.85 ટકા હતો અને ડિસેમ્બર, 2021માં 14.27 ટકા હતો.
ડિસેમ્બરમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો જોવા મળતા ફેબ્રુરીઆરીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) વ્યાજ દરોમાં વધારો ન કરે તેવી શક્યતા છે.ડિસેમ્બરમાં ખાદ્યાન્ન વસ્તુઓના ફુગાવામાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં 35.95 ટકાનો ઘટાડો થયો છે જ્યારે ડુંગળીના ભાવમાં 25.97 ટકાનો ઘટાડો થયો છે. આ અગાઉ ફેબુ્રઆરી, 2021માં જથ્થાબંધ ફુગાવો 4.83 ટકા રહ્યો હતો.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડિસેમ્બર, 2022માં ફુગાવામાં ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થે, ખનીજ તેલ, ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ અને કેમિકલ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2022માં રીટેલ ફુગાવો ઘટીને 5.72 ટકા રહ્યો હતો.બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, 2022માં નિકાસ 12.2 ટકા ઘટીને 34.84 અબજ ડોલર રહી છે. નિકાસ ઘટવાને કારણે ડિસેમ્બર, 2022માં વેપાર ખાધ વધીને 23.76 અબજ ડોલર રહી છે.
ડિસેમ્બર, 2022માં આયાત 3.5 ટકા ઘટીને 58.24 અબજ ડોલર રહી છે. જે ડિસેમ્બર, 2021માં 60.33 અબજ ડોલર હતી. ડિસેમ્બર, 2021માં નિકાસ 39.27 અબજ ડોલર અને વેપાર ખાધ 21.06 અબજ ડોલર રહી હતી.એપ્રિલ, 2022 થી ડિસેમ્બર, 2022 સુધીના 9 મહિનાના સમયગાળામાં નિકાસ 9 ટકા વધીને 218.94 અબજ ડોલર અને આયાત 24.96 ટકા વધીને 551.7 અબજ ડોલર રહી છે. આ જ સમયગાળામાં વેપાર ખાધ 218.94 અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 136.45 અબજ ડોલર રહી હતી.