- ઉત્પાદન વધુ પણ માંગ ઓછી હોવાના કારણે ઉત્પાદકોને ભાવ ઘટાડવા પડ્યા : નાણાકીય વર્ષ 2024માં મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સનો નફો 47 ટકા તો સુત્રાપાડા સ્થિત જીએચસીએલનો નફો 43 ટકા ઘટ્યો
સોડા એશ ઉત્પાદકોએ વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં ઉત્પાદન તો બમ્પર કર્યું હતું પણ ઓછી માંગને કારણે ફટકો પડયો છે. વૈશ્વિક માંગમાં ઘટાડો અને ભારતીય બજારમાં વધુ પડતા પુરવઠાને કારણે ઉત્પાદકોને કિંમતો ઘટાડવાની ફરજ પડી, જેના કારણે તેમની નફાકારકતા અને આવકમાં ઘટાડો થયો છે.
સોડા એશનો ઉપયોગ ડીટરજન્ટ, કાચ અને કાગળના ઉત્પાદનમાં થાય છે. ટાટા કેમિકલ્સ, જે ગુજરાતના મીઠાપુરમાં વાર્ષિક 9 લાખ ટન સોડા એશનું ઉત્પાદન કરે છે. તેણે 2024 નાણાકીય વર્ષમાં કર પછીના તેના એકીકૃત ચોખ્ખા નફામાં 47% ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023માં રૂ. 2,452 કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2024માં રૂ. 1,310 કરોડ થયો હતો.
સોડા એશની માંગના વલણો પર કંપનીના રોકાણકારોના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, ભારતની માંગ નાણાકીય વર્ષ 2024 માટે ધીમી રહી હતી, પરંતુ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં ડિટર્જન્ટ અને રાસાયણિક ક્ષેત્રો દ્વારા સંચાલિત માંગ પુન:પ્રાપ્તિના સંકેતો દર્શાવે છે. સોલાર ગ્લાસની માંગ મિશ્ર રહી હતી, જ્યારે ક્ધટેનર ગ્લાસની માંગ સ્થિર રહી હતી. જીએચસીએલએ નાણાકીય વર્ષ 2024 માટે તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 43%નો ઘટાડો નોંધાવ્યો હતો. કંપની પોરબંદર નજીક સુત્રાપાડા ખાતે વાર્ષિક 12 લાખ ટન સોડા એશનું ઉત્પાદન કરે છે. કંપનીની આવક 26% ઘટીને રૂ. 840 કરોડ થઈ છે.
ઉદ્યોગના નિષ્ણાતોના મતે, અન્ય દેશોમાંથી ડમ્પિંગને કારણે નાણાકીય વર્ષ 2024માં ભારતમાં વધારાની સપ્લાયની સ્થિતિ છે. આનાથી મોટા ઉદ્યોગની નફાકારકતાને અસર થઈ. ભારતીય સોડા એશ ઉત્પાદકો મોટાભાગે સ્થાનિક બજારની માંગ પર નિર્ભર છે. નાણાકીય વર્ષ 2024માં, સોલાર ગ્લાસ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગના મર્યાદિત ઓર્ડરને કારણે ઉદ્યોગને માંગની તંગીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, નાણાકીય વર્ષ 2023 માં 0.6 મિલિયન મેટ્રિક ટન ભારતની સોડા એશની આયાત અચાનક થઈ ગઈ હતી. તેમ જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર એસ જાલાને જણાવ્યું હતું.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે યુરોપ, યુએસ, રશિયા અને ચીનમાંથી ઘણી બધી સોડા એશ ભારતમાં ડમ્પ કરવામાં આવી હતી, જે ભારતીય ઉત્પાદકો માટે ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ હતું. સોલાર ગ્લાસ ઉત્પાદકો સોડા એશના નોંધપાત્ર ઉપભોક્તા છે. ચીનમાંથી સસ્તા સોલાર ગ્લાસની આયાતમાં વધારો થવાને કારણે રો મટિરિયલના સ્થાનિક ઉત્પાદકોને ફટકો પડ્યો છે.