આજના યુગમાં શિક્ષણ ટુ વે પ્રોસેસ છે, એટલે જ ગુરૂ-શિષ્યના સંબંધમાં ‘ટેક એન્ડ ગીવ’નો નિયમ કાર્યરત છે: વિદ્યાર્થી બનવા માટે પણ શરતો હોય જો તે પરિપૂર્ણ ન થાય તો શિક્ષણનું ધ્યેય પૂર્ણ ન થાય
ગુરૂ પ્રત્યેનો પરમ આદર જરૂરી પણ આજના છાત્રો આદર-સન્માન જેવી બાબતોથી ઘણા દૂર છે: છાત્રોમાં વિદ્યા પ્રાપ્તિની ઝંખના ઉદ્ભવે તો જ શિક્ષણ પ્રત્યે પ્રેમ ઉદ્ભવે: અસરકારક વર્ગ વ્યવસ્થા સાથે રસ-રૂચી-વલણોને ધ્યાને લઇને વાર્ષિક આયોજન અતી આવશ્યક
વિદ્યા કે જ્ઞાન મેળવવા માટે શાળા પ્રવેશ જરૂરી. આ શાળા જ છાત્રોને જીવનનાં પાઠ શીખડાવે છે, તેથી તેને પાઠશાળા કહેવાય છે. જીવનમાં વિવિધ સદ્ગુણોનું સિંચન શાળામાં જ થતું હોવાથી તેને જ્ઞાન મંદિર કહેવાય છે. આજે વિશ્ર્વ વિદ્યાર્થી દિવસ છે ત્યારે વિદ્યા અર્થે સતત પ્રયત્નશીલ હોય તેને વિદ્યાર્થી કહેવાય. છાત્રોમાં શિક્ષણની ભૂખ હોય તો જ શિક્ષક તેનો સંર્વાગી વિકાસ કરી શકે છે. ટુ વે પ્રોસેસમાં એકબીજાના આદાન-પ્રદાનની પ્રક્રિયા દ્વારા જ ગુરૂ-શિષ્યનો સંબંધ બંધાય છે. બાળકના સંર્વાગી વિકાસ માટે તથા નવી-નવી શિક્ષણ પધ્ધતિ જાણવા શિક્ષકે સતત અપગે્રડ રહીને તેની સજ્જતા કેળવવી પડે છે. જ્ઞાન યોગ સાથે કર્મયોગનું મિલન જ શિક્ષણમાં બદલાવ લાવશે.
આજના યુગમાં શિક્ષણ ટુ વે પ્રોસેસ છે, એટલે શિક્ષક અને છાત્રો વચ્ચે ‘ટેક એન્ડ ગીવ’નો નિયમ કાર્ય કરે છે. વિદ્યાર્થી બનવા માટે પણ શરતો હોય છે, જો તે પરિપૂર્ણ ન થાય તો કોઇ દિવસ શિક્ષણનો ધ્યેય પૂર્ણ ન થઇ શકે. શિક્ષક અને છાત્રો બન્ને પક્ષે રસ-રૂચિ-વલણો આધારીત પ્રક્રિયા ખુબ જ જરૂરી છે. ગુરૂ પ્રત્યેનો આદર હોવો જોઇએ પણ આજના છાત્રો આદર-સન્માન જેવી બાબતોથી ઘણા દૂર છે. છાત્રોમાં શિક્ષણ મેળવવાની ઝંખના તીવ્ર બને તો જ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ઉદ્ભવે છે.
ભણતર સાથે ગણતરનું વિશેષ મહત્વ છે પણ આજે આ બાબતને બહુ ધ્યાને ન લઇને માત્ર માર્ક આધારિત કે ગોખણ પટ્ટીને જ મહત્વ અપાતા ટોપર સ્ટુડન્ટને પણ ઘણી બાબતોની ખબર નથી હોતી. અસરકારક વર્ગ વ્યવસ્થા જ સફળ શિક્ષણની નિશાની છે. આજે વન સાઇડ ટોકેટીવ શિક્ષણ પ્રક્રિયા ચાલે જ નહીં કારણ કે તેમાં બાળકોનો રસ ન જળવાતા ઘણા પ્રોબ્લેમ ઉભા થાય છે. ધોરણ વાઇઝ વાર્ષિક આયોજન સાથે તહેવાર ઉજવણી સંસ્કૃતિ, ઇત્તર પ્રવૃત્તિ અને સહ અભ્યાસિક જેવી વિવિધ પ્રવૃત્તિ જ શિક્ષણને રસમય બનાવે છે. બાળકોને પ્રેમ-હૂંફ અને લાગણી મળે તો જ તેનો વિકાસ ઝડપી થાય છે.
શિક્ષક કે છાત્રો બન્ને પક્ષે કંઇક નવું અને અનોખું શિખવાની પ્રક્રિયા જ જ્ઞાનયોગ સાથે કર્મ યોગ છે, તેથી જ્ઞાન મંદિર કહેવાય છે. જેના પ્રારંભે પ્રાર્થના એટલે જ થાય છે. શિક્ષક ઘડવૈયો કહેવાય છે કારણ કે બૂનિયાદી શિક્ષણ સાથે છાત્રોની સુસુપ્ત કલાને પ્રોત્સાહન, માર્ગદર્શન આપીને તેના રસના વિષયમાં નિપુણતા પરત્વે કાર્ય કરે છે. તે એક મૂર્તિની જેમ બાળકને સતત દ્રઢિકરણથી શ્રેષ્ઠ નાગરીક ઘડતર કરે છે.
શિક્ષણમાં સ્વ-અધ્યયનનું વિશેષ મહત્વ છે, શિક્ષક તેને માર્ગદર્શન આપે અને છાત્રો તે શિખવાની સતત અને વારંવાર કોશીશ કરતો રહે તે જરૂરી છે. શાળા કે વર્ગખંડનું વાતાવરણ છાત્રોને બેસવુ-આવવુંને શિખવું ગમે તેવું હોય તો જ છાત્રો સ્વ.અધ્યયન તરફ વળે છે. માતા-પુત્ર કે પિતા પુત્રની જેમ જ ગુરૂ શિષ્યનો સંબંધ છે જે સમાજ નવરચના માટે ખૂબ જ જરૂરી છે. બાળકોના સંર્વાગી વિકાસમાં મા-બાપની સાથે શિક્ષકોનો ફાળો વિશેષ જોવા મળે છે.
કોઇપણ દેશના વિકાસ પાછળ ત્યાંની શિક્ષણ વ્યવસ્થાની ખુબ જ મોટી અસર જોવા મળે છે. શ્રેષ્ઠ નાગરીકોનું ઘડતર દેશના ભાવી નાગરીકોનું ઘડતર આ શાળાઓ જ કરે છે. વર્ષો પહેલા શિક્ષણની સાથે સંગીત-ચિત્ર અને રમત-ગમતને પ્રાધાન્ય અપાતું જે આજે ક્યાંય જોવા મળતું નથી, શાળામાં મેદાન જ હોતા નથી તો વિકાસ કેમ થઇ શકે! વેલ્યુ બેઝ એજ્યુકેશન આજના યુગની તાતી જરૂરીયાત છે. વિદ્યાર્થીઓમાં પ્રેરણાની મોટી ભાવના વિકસિત કરવી જરૂરી છે.
આજના વિદ્યાર્થીનું જીવન પરીક્ષાલક્ષી બની ગયું છે, તો શિક્ષકનું કોર્ષ પૂર્ણ કરવા અને પેપર જોવામાં પસાર થાય છે. ઘણીવાર શિક્ષક પાસે બાળકને સાંભળવાનો સમય પણ હોતો નથી. બાળક જાતે ભણતો થાય એવા તમામ પ્રયાસો જ શ્રેષ્ઠત્તા ગણી શકાય છે. ઘણીવાર આપણને પ્રશ્ર્ન થાય કે આજનો વિદ્યાર્થી છે કે પરીક્ષાર્થી? વિદ્યાર્થી જીવનને માનવ જીવનનો શ્રેષ્ઠ તબક્કો કે સુવર્ણ કાળ ગણવામાં આવે છે. આજના મોટાભાગના વિદ્યાર્થીઓમાં જ્ઞાન સંપાદન બાબતે જેટલો જોઇએ તેટલો રસ અને જીજ્ઞાસાનો અભાવ જોવા મળે છે, તે શિક્ષણને બોજ માને છે અને તેથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરે છે.
આપણી શિક્ષણ પધ્ધતિની ઘણી ટેકનીકો છે જેના અમલથી શિક્ષક શિક્ષણને રસમય બનાવી શકે છે. લેખન-ગણન-વાંચન જેવી પાયાની ક્ષમતા પણ આજનો બાળક સિધ્ધ કરી શકતો નથી ત્યારે તેના વિકાસ બાબતની ચિંતા કરીને આવા પ્રિતિ પાત્ર બાળકને વ્યક્તિગત ધ્યાન રાખીને અન્યો સાથે કરવા જ પડશે. આજના શિક્ષણમાં છાત્રોને જેમા રસ છે તે બાબતે ક્યારે તેને ભણાવાતા ન હોવાથી તે ઘણીવાર શાળા છોડતા ‘ડ્રોપ-આઉટ’ની સમસ્યા જોવા મળે છે. મા-બાપો પણ પુત્ર-પુત્રી વચ્ચે જેન્ડર બાયસ રાખે છે. જીવન કૌશલ્યના વિકાસ સાથે બાળકોની શિખવાની પ્રક્રિયાને જોડવાથી તેનો સ્વ-વિકાસ ઝડપી બને છે. માત્ર પુસ્તકિયા જ્ઞાન પુરતું શિક્ષણ સિમિત ન રાખતા સર્વપ્રકારનું જ્ઞાન ટીચર આપે તો જ ધાર્યા પરિણામો મળી શકશે. નવી શિક્ષણ નીતિ-2020માં બધાને બહું આશા છે, પણ શિક્ષકો અને શાળાઓ આમાં આવતી તમામ પધ્ધતિઓ સાથે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને શાળા તત્પરતા વિદ્યાર્થીમાં જગાવે તે અતી આવશ્યક છે.
આજે વિશ્વ વિદ્યાર્થી દિવસ
આપણાં દેશમાં નેશનલ લેવલે ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિએ 15મી ઓક્ટોબરે આ સ્ટુડન્ટ ડે ઉજવાય છે પણ આજનો દિવસ વૈશ્ર્વિકસ્તરે સ્ટુડન્ટ ડે તરીકે ઉજવાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રોએ આ દિવસ વિશે જાણવું જરૂરી છે. હજારો વિદ્યાર્થીની બહાદુરીને યાદ સાથે 1939માં અપાયેલા તેના બલિદાનની યાદમાં આજે વિશ્ર્વ વિદ્યાર્થી દિવસ ઉજવાય છે. હિટલર સભામાં આવ્યા બાદ યુનિવર્સિટીને બંધ કરાવીને હજારો છાત્રોની ધરપકડ કરીને અત્યાચાર ગુજાર્યા હતા. બાદમાં આ દિવસ છાત્રોની યાદમાં ઉજવાય છે. 1941થી આ દિવસ ઉજવાય છે. શિક્ષણના અધિકાર માટેની લડત સાથે સૌને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવો આજના દિવસનો હેતુ છે. વિદેશોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓમાં સાથ સહકાર અને લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા આજે બધા દેશોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તાજેતરમાં યુક્રેનના યુધ્ધ વખતે મેડીકલનું ભણતા આપણાં છાત્રો મુશ્કેલીમાં મુકાયા હતા. આજના દિવસે પ્રશ્ર્નએ થાય છે કે આપણાં દેશમાં તમામ સુવિધા હોવા છતાં છાત્રો વિદેશ ભણવા કેમ જાય છે?