મુક્કમ કરો તીવા ચાલમ…
ભવિષ્યમાં લ્યુકેમીયા જેવી બિમારીથી પીડાતા દર્દીઓ માટે કાર્ય કરવું છે: ઉર્વિશ ભાવસાર
અમદાવાદના ઉર્વિશ ભાવસારે શરીરમાં અનેક બિમારીઓ હોવા છતાં બિમારીને પણ મ્હાત આપી નીટની પરીક્ષા પાસ કરી છે. 19 વર્ષીય ઉર્વિશે નીટમાં 700માંથી 675 માર્ક મેળવ્યા છે. મણીનગરના રહેવાસી ઉર્વિશની નશોમાં જ જાણે ઝૂનુન હોય તેમ બાળપણથી જ ખૂબ મહેનત અને થેલેસેમિયા-બ્લડ કેન્સર બિમારીને પણ અડચણ ન આવવા દેતાં સફળતાના શિખરો સિદ્વ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉર્વિશ માત્ર ત્રણ મહિનોના હતો ત્યારે તેને થેલેસેમિયા નામની બિમારી ઘર કરી ગઇ હતી. 6 વર્ષનો થયો ત્યારે તેનામાં બ્લડ કેન્સર અને લ્યુકેમીયા નામનો રોગ જોવા મળ્યો હતો.
ઉર્વિશે જણાવ્યું હતું કે નીટની પરીક્ષા પાસ કરી હું આગળ બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માંગુ છું. આ મારા માટે નિર્ણાયક ક્ષણ છે. બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીનો એક વર્ષનો સમયગાળો મારા માટે ખૂબ જ અલગ હતો. મેડિકલ પ્રક્રિયાઓને કારણે ઘણીવાર મારે શાળામાં પણ રજા રાખવી પડતી હતી. જો કે હિમ્મત અને હોંસલાથી હું નીટની પરીક્ષા પાસ કરી શક્યો છું. મેં ધોરણ-10માં 89 ટકા અને ધોરણ-12માં 88 ટકા મેળવ્યા હતાં. મારી પહેલેથી જ પસંદગી હતી કે ભવિષ્યમાં મારે મહેનત કરીને ડોક્ટર જ બનવું છે.
ઉર્વિશની માતા સુનંદાએ જણાવ્યું હતું કે જ્યારે ઉર્વિશનું બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે અમારા પરિવારમાં ડરનો માહોલ હતો. ઉર્વિશને નિયમિતરીતે લોહી ચડાવવું પણ પડતું હતું. કેન્સર હોવાનું નિદાન થયા પછી ઉર્વિશે બે વર્ષ સુધી કિમીયોથેરાપી કરાવી પરંતુ મારો દિકરો એક ફાઇટર છે. તેને અનેક અગ્નિપરીક્ષાઓ પાસ કરી છે. ઉર્વિશની બહેને દાતા બનીને ઉર્વિશને મદદ કરી છે. દાતા રીયા 15 વર્ષની છે અને ધોરણ-10માં અભ્યાસ કરે છે. ઉર્વિશે અંતમાં જણાવ્યું હતું કે સફળતા પાર કરવામાં હું મારા પરિવારનો ખૂબ આભાર માનું છું.