શું ધોરણ 11 અને 12માં બાયોલોજીનો અભ્યાસ નથી કર્યો, પણ ડોક્ટર બનવાની ઈચ્છા છે? નેશનલ મેડિકલ કમિશનની નવીનતમ માર્ગદર્શિકા અનુસાર, તમે હવે બાયોલોજી વિના જ તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશો. એનએમસીની નવી માર્ગદર્શિકા મુજબ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે 10+2 પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી માટે પણ ડોક્ટર બનવાનું હવે શક્ય છે. જો કે – તેનો અર્થ એ નથી કે તમે બાયોલોજીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઇ શકો છો.
નેશનલ મેડિકલ કાઉન્સીલની નવી માર્ગદર્શિકા મુજબ તબીબ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વધુ છૂટછાટ અપાઈ
નવી માર્ગદર્શિકા મુજબ 10+2માં મુખ્ય વિષય તરીકે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10+2 સ્તરે વધારાના વિષય તરીકે બાયોલોજી/બાયોટેક્નોલોજીની પરીક્ષા પાસ કરીને ડોક્ટર બની શકે છે. નેશનલ મેડીકલ કમીશનનાં નવા નિયમમાં સંપૂર્ણ બદલાવ કરી નાખવામાં આવ્યો છે. જેમાં ધો.11-12 માં બાયોલોજી કે બાયોટેકનોલોજી નહી ભણેલા વિદ્યાર્થીઓ માટે પણ મેડીકલ પ્રવેશનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. કમીશને જાહેર કર્યું કે આ મુદો ગત જુન મહિનામાં વિસ્તૃત ચર્ચા થયા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
તબીબી અભ્યાસક્રમ માટે કેટલાંક વખતથી સુધારા કરવામાં આવી જ રહ્યા છે. થોડા દિવસો પૂર્વે પોસ્ટ ગ્રેજયુએશનની હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે પાસ માર્કસમાં પણ પ્રવેશ પાત્રતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કટ ઓફ રદ કરાતા હજારો મેડીકલ વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક અભ્યાસક્રમ આસાન બન્યો હતો. આ ફેરફારો 14 જૂન, 2023 ના રોજ યોજાયેલી બેઠકમાં વિગતવાર ચર્ચા-વિચારણા પછી આવ્યા હતા, જેમાં વિચારણા કરવામાં આવી હતી કે નવી શિક્ષણ નીતિ ધોરણ 12 માં વિવિધ વિષયોના અભ્યાસમાં મોટી રાહત આપવામાં આવશે.