દેશમાં આવેલી 21 આઇઆઇએમ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે કેટનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં દેશના 14 ટોપર્સ વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અમદાવાદનો વિદ્યાર્થી પુરા 100 પર્સેન્ટાઈલ મેળવવા સાથે ગુજરાતનો ટોપર રહ્યો છે. દર વર્ષે જુદી જુદી આઇઆઇએમ દ્વારા કેટ પરીક્ષા લેવાય છે અને આ વર્ષે આઇઆઇએમ લખનઉ દ્વારા કેટ લેવામા આવી હતી. આ વર્ષે રેકોર્ડબ્રેક 3.28 લાખ વિદ્યાર્થીઓ કેટ પરીક્ષા માટેનોંધાયા હતા. જે ગત વર્ષ કરતા 30 ટકા વધુ હતા. નોંધાયેલા 3.28 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી 2.88 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કેટ પરીક્ષા આપી હતી.

અભિષેક બારૈયા 99.98 પર્સેન્ટાઈલ સાથે અમદાવાદમાં પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે રહ્યો

આ વર્ષે કેટ પરીક્ષા ખૂબ જ અઘરી રહી હતી. આ વર્ષે દેશમાં 14 વિદ્યાર્થીઓ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં સૌથી વધુ ચાર વિદ્યાર્થી મહારાષ્ટ્રના છે અને તેલંગાણાના બે વિદ્યાર્થી છે જ્યારે દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતનો એક-એક વિદ્યાર્થી છે. આ તમામે 14 વિદ્યાર્થીઓ પુરુષો છે. ટોપર્સમાં એક પણ વિદ્યાર્થિની નથી. જ્યારે દેશમાં 29 વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને જેમાં ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થી નથી.29 વિદ્યાર્થીમાંથી સૌથી વધુ 9 મહારાષ્ટ્રના અને ત્યારબાદ 4 વિદ્યાર્થી કર્ણાટકના છે.

આ 29 ટોપર્સમાં માત્ર એક જ યુવતી છે, જ્યારે બાકીના તમામ 28 યુવકો છે. આ ઉપરાંત 99.98 પર્સેન્ટાઈલ મેળવનારા દેશના 29 વિદ્યાર્થીઓમાં ગુજરાતનો એક માત્ર વિદ્યાર્થી છે. જ્યારે સૌથી વધુ 8 મહારાષ્ટ્રના અને રાજસ્થાના તથા તેલંગાણાના 3-3 વિદ્યાર્થી છે. આ 29 વિદ્યાર્થીમાં પણ તમામ યુવકો છે. આમ આ વર્ષે જ્યાં સમગ્ર દેશના ટોપર્સમાં યુવતીઓ નહીવત રહી છે ત્યારે ગુજરાતના ટોપર્સમાં પણ યુવતીઓ ખૂબ જ ઓછી છે. અમદાવાદનો યુવક 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાતમાં પ્રથમ રહ્યો છે અને અમદાવાદનો વિદ્યાર્થી અભિષેક બારૈયા 99.98 પર્સેન્ટાઈલ સાથે અમદાવાદમાં પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરે રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.