108ની ટીમ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં પણ જીવ ન બચ્યો શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા
મૃતક કિશોરને શરદીનો કોઠો રહેતો હતો: પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે
રાજકોટ સહિત ગુજરાતભરમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક સહિત અનેક કારણોસરથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે સવારે શહેરમાં લીમડા ચોક પાસે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા મુદીત અક્ષયભાઈ નળિયાપરા નામના 17 વર્ષીય વિદ્યાર્થીનું અચાનક ઢળી પડતાં મોત થયું હતું. ચાલુ ક્લાસે શિક્ષકને સન્માન આપી બેસવા જતા જ વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. ત્યાર બાદ 108ની ટીમના અનેક પ્રયાસ છતાં વિદ્યાર્થીનો જીવ બચ્યો ન હતો. કરુણ ઘટનાને પગલે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર
શાસ્ત્રી ટાઉનશિપમાં રહેતો અને લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતો મુદીત નળિયાપરા ક્લાસમાં જ ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડ્યો હતો. આથી સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. આથી પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા છે. હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પરિવારજનોના જણાવ્યા મુજબ મુદિતને માત્ર સામાન્ય શરદીની તકલીફ હતી. પાંચ લેક્ચર પૂરા થયા બાદ રિસેસ હતી. ત્યારબાદ પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો. ત્યારે અચાનક ચક્કર ખાઇની ઢળી પડ્યો હતો. સવારે અંગ્રેજીના પિરિયડમાં સારી રીતે વાંચ્યું હતું. તેની તબિયત ખરાબ હોય તેવું શિક્ષકોને જરા પણ લાગતું ન હોતું. મુદિતના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે.
સિવિલ હોસ્પિટલમાં જ સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા મુદીતના પિતા અક્ષયભાઈ ડાયાભાઇ નળિયાપરાને કયા ખબર હતી કે તે જ્યાં ફરજ બજાવે છે ત્યાં એના દીકરાનો મૃતદેહ આવશે. તેઓએ હોસ્પિટલમાં રડતા રડતા ભારે હૈયે જણાવ્યું હતું કે, મુદિત સ્કૂલે ગયો હતો, જ્યાં તેને ચક્કર આવતા પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. બીજી તો કોઈ તકલીફ ન હોતી, માત્ર તેને શરદીની એલર્જી હતી. પરિવારમાં ચાર સભ્યો હતા, હવે માત્ર ત્રણ જ રહ્યાં છે. ભગવાનની આગળ આપણું શું ચાલે? હોસ્પિટલમાં માસુમ મોતથી માતા ઇલાબેનના હૈયાફાટ રૂદન બાદ તેમની પણ તબિયત લથડી હતી.
આ અંગે ક્લાસ ટીચર દક્ષાબેને જણાવ્યું હતું કે, મુદિત એકદમ બરોબર હતો. નાસ્તો-પાણી કરીને તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આજે અમારે છઠ્ઠા અને સાતમાં પિરીયડમાં ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાની હતી. જે દરમિયાન તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી અમે તાત્કાલિક પાણી છાંટીને એસી રૂમમાં લઈ ગયા હતા. જ્યાં પહેલા ટીચરોએ સિપીઆર જેવી બેઝિક ટ્રીટમેન્ટ કરીને 108ને બોલાવી હતી. જે બાદ 108ની મદદથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં.
આ કરોડ ઘટના અંગે જાણ થતા નગર પોલીસ મથકના પીએસઆઇ તેરૈયા સહિત હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બાળકને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. વિદ્યાર્થીના એકાએક મોતથી પરિવાર, શાળા અને વિદ્યાર્થીઓમાં પણ ગમગીની છવાઇ છે.