- દારૂ, જુગાર, ક્રિકેટ સટ્ટા, પેટ્રોલ-ડીઝલ ચોરી સહિતના દુષણો પર ત્રાટકતું સ્ટેટ મોનીટરીંગ સેલ
Gujarat News : સૌરાષ્ટ્રમાં દારૂ-જુગાર સહીતની બદ્દી ડામવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જાણે સૌરાષ્ટ્રમાં પડાવ નાખી દીધો હોય તે મુજબ એસએમસી એક પછી એક દરોડા પાડી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની રડારમાં અનેક કુખ્યાત શખ્સોના ગેરકાયદે નેટવર્ક આવી જતાં ગુનેગાર આલમમાં પણ હાલ ક્યાંક સન્નાટો ફેલાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે. તાજેતરમાં એસએમસી દ્વારા જેતપુરના નવાગઢ ગામે તેમજ જૂનાગઢ ખાતે વરલી ફીચરના જુગાર અને ક્રિકેટ આઇડીના સટ્ટા પર રેઇડ કરવામાં આવી હતી. ઉપરાંત મોરબી અને રાજુલામાં પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડ પર તવાઈ બોલાવવામાં આવી હતી. તેમજ અલગ અલગ જિલ્લાઓમાં સતત દારૂ-જુગાર પર ધોસ બોલાવવામાં આવી રહી છે.
એસએમસીની તાજેતરની રેઇડની જો વાત કરવામાં આવે તો ગત રવિવારે જૂનાગઢમાં સ્ટેટ મોનીટરિંગ સેલના કાફલાએ દરોડો પાડી ઘરેથી ચાલતા વરલી મટકા અને ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરી 2 શખ્સને ઝડપી લઇ રૂપિયા 69,540નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ રેકેટમાં 33 જેટલા કમિશન એજન્ટો-બુકી અને પંટરોના નામ ખુલતા ચકચાર મચ્યો છે. હાલ આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીના બ્લોક નંબર 18માં અખંડ સૌભાગ્ય નામના મકાનમાં રહેતા મિતેશભાઈ કિશોરભાઈ અઢિયા ઉર્ફે ટેમ્પો નામનો ઇસમ તેના રહેણાક મકાનના ઉપરના માળે રૂમમાં બેસી મોબાઈલ ઉપર પોતાના માણસો રાખી જુનાગઢ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી વરલી મટકાના આંકડા ફોન ઉપર લખી જુગાર ચલાવતો હોવાની માહિતી મળતા રવિવારની બપોરે સ્ટેટ મોનેટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મિતેશ અઢિયા અને વરલી મટકાના હિસાબના રૂપિયા હેરફર કરનાર બ્રિજેશ વિનોદભાઈ પાઘડારને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી રૂપિયા 59,520ની રોકડ રકમ, રૂપિયા 10,000નો મોબાઈલ ફોન, વરલી મટકા લખેલ ચોપડા બે અને કેલ્ક્યુલેટર મળી કુલ રૂપિયા 59540નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં આ ઇસમ ક્રિકેટ સટ્ટાનું રેટિંગ ચલાવતો હોવાનું પણ ખુલ્યું હતું.
આ શખ્સ ઉપરાંત હાજર નહીં મળી આવેલા તેના કમિશન એજન્ટો શાહનવાજ, નેહલભાઇ, અબુભાઈ, જાવીદ, કિશોરભાઈ(વલસાડ), અપુભાઈ (પુણે), મુકેશભાઈ (આણંદ), નાસીર ભાઈ (સાવરકુંડલા), મોઇનભાઈ (દેરડી), અસલમ મામુ (જુનાગઢ), મૌલિકભાઈ (જેતપુર) તેમજ વરલી મટકાના આંકડાના કપાત આપનાર અને ક્રિકેટ સટ્ટાની આઈડી ઉપર રમનાર જુનાગઢનો ઈસમ તેમજ સંજયભાઈ (જેતપુર), જૂનાગઢનો ફિરોજભાઈ, આરીફભાઇ, બચુભાઈ, રાકેશભાઈ, પુણેનો સચીનભાઈ, ધોરાજીવાળો ઇસમ, વિસાવદરનો બાનાભાઈ, પુણેનો સાઈરામ, જૂનાગઢનો કાલુભાઈ, પુણેનો કરીમબાપુ, જુનાગઢનો ટીનાભાઇ, ઇમુભાઈ, અજીતભાઈ, ઈરફાનભાઇ, જમનભાઈ, પિયુષ, રાજુભાઈ, સમીરભાઈ અને સુરેન્દ્રનગરનો વિરાટભાઈ, જૂનાગઢવાળો ઈરફાન, જમનભાઈ, પિયુષભાઇ, રાજુ તેમજ આશીફના નામ નામ ખુલતા તમામની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગત સપ્તાહમાં જેતપુર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની નાક નીચેથી સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વરલી ફીચરના જુગાર રમાડનાર સહિત 12 શખ્સોની ધરપકડ કરી રૂ.37,510 રોકડ સહિત રૂ. 1,89,010 સાથેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગઢ વિસ્તારમાં રોડ ઉપર આવેલ એસ.બી.આઈ.બેન્કની બાજુમાં જાહેરમા વરલી મટકાના આંકડા લખવા માટે મુખ્ય આરોપીએ બધી વ્યવસ્થા ગેરકાયદેસર રીતે ગોઠવી હતી.આ બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગને મળતા તેમની ટીમ દ્વારા દરોડો પાડતા ઉદ્યોગનગર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. મુખ્ય આરોપી જુગારની પ્રવુતિ ચલાવનાર અફજલ બાલાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વરલી મટકા ચલાવનાર નાસીર દાદભાઈ ખેરાણી,વરલી ફીચર લખનાર, કિશોર ત્રિભુવનભાઈ પટેલ, દીપક વિનુભાઈ બગડા, મોસીન દાદાભાઈ ખીરણી,જુગાર રમવા આવનાર રતિભાઈ જીકાભાઈ રાઠોડ, વિપુલ નાગજીભાઈ મકવાણા, આઝાદ મોહમ્મદભાઈ લાખાણી, દિપક ભુપતભાઈ કુંભાણી, જગુભાઈ ખીમભાઈ સોલંકી, ખીમજીભાઈ પોપટભાઈ માયાણી, દડુભાઇ રુખડભાઈ વાંક, રાજુ ભાણુભાઈ સરવૈયા, મળી કુલ 12 જેટલા આરોપી ઓ સ્ટેટ મોનીટરીંગ દ્વારા ઝડપી ઉદ્યોગ નગર પોલીસને સોંપવામાં આવ્યા હતા.
રાજુલામાં પેટ્રોલ – ડીઝલ- ડામરનું ગેરકાયદે વેંચાણ કરતા ઈસમો પર દરોડો : 34 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝબ્બે
રાજુલા-પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલ ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર ડીઝલ, પેટ્રોલ અને ડામર સહિત ગેરકાયદેસર વેંચાણ થતું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ.એમ.સી.)ના એસપી નિર્લિપ્ત રાયને માહિતી મળતા તેમની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો. એસ.એમ.સી.ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પરથી પેટ્રોલ, ડીઝલ અને ડામરનો ચોરાઉ જથ્થા સાથે 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મોરબીના વીરપરડા ગામે દરોડો પાડી પોલીસકર્મી સંચાલિત પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ છતું કરાયું
મોરબીના વીરપરડા ગામ ખાતેની ૐ બન્ના હોટેલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી પેટ્રોલ-ડીઝલ ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મામલામાં એસએમસીએ પોલીસકર્મી સહીત 9ની ધરપકડ કરી છે જયારે 3 શખ્સોને ફરાર બતાવ્યા છે. કૌભાંડમાં ખુદ પોલીસકર્મીની સંડોવણી ખુલતા સમગ્ર મામલાની તપાસ એસએમસીએ પોતાની પાસે રાખતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. એસએમસીએ પોતે જ તપાસ રાખતા હજુય આ પ્રકરણમાં અનેકના તપેલા ચડે અને તપાસનો રેલો હજુ મોટા માથા સુધી પહોંચે તેવા એંધાણ છે.
માણેકવાડાના ફાર્મ હાઉસમાં જુગારધામનો અડ્ડો: 17 ઝડપાયા
સ્ટેટ મોનીટરીંગ સેલે બુધવારે રાજકોટના માણેકવાડા ગામમાં એક ફાર્મહાઉસમાં જુગારના અડ્ડા પર દરોડો પાડીને હત્યાના આરોપી અને અન્ય 17 લોકોની અટકાયત કરી હતી. આ દરોડા બાદ એસએમસીએ જણાવ્યું હતું કે, ફાર્મહાઉસની બહાર છેલ્લા બે મહિનાથી જુગારનો અડ્ડો ચાલતો હતો અને જુદા જુદા જિલ્લાના જુગારીઓ ત્યાં ભેગા થતા હતા. કોટડા સાંગાણી તાલુકાના ફાર્મહાઉસમાંથી રૂ. 94 લાખથી વધુની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. જેમાં રૂ. 77 લાખની કિંમતના છ વાહનો, રૂ. 2.31 લાખના 23 મોબાઇલ ફોન અને રૂ. 15 લાખની રોકડનો સમાવેશ થાય છે.પહોંચે તેવા એંધાણ છે.