મારા મિત્ર રાહુલના લગ્નમાં હું બહારગામ ગયો હતો. લગ્ન ખૂબ સારી રીતે પૂર્ણ થયા. ખુબ મજા આવી ઘણા સમય પછી મને સારું લાગ્યું કેમકે ઘણા સમયથી હું કામમાં વ્યસ્ત હતો અને ક્યાંય પણ બહાર ગયો ન હતો. રાહુલના લગ્નમાં બે દિવસ ખૂબ આનંદ કર્યો. આ બે દિવસમાં મેં ખૂબ જલસો કર્યો. મનની શાંતિ મળી.
લગ્ન પૂર્ણ થયા અને રાહુલ ની રજા લઈને હું ઘરે જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો. રાતના 11 વાગ્યા છે સ્ટેશન પર લોકો ખૂબ ઓછા છે. મેં સુરત ની ટિકિટ માંગી પણ ટ્રેન નો સમય 3.30 વાગ્યાનો છે અને અત્યારે હજુ 11 જ વાગ્યા છે. સાડા ચાર કલાક મારે રાહ જોવી પડશે અને ઉપરથી શિયાળાનો સમય છે અને ઠંડી પણ વધી રહી છે. મેં કોઈને બસ માટે પૂછ્યું પણ આ ગામમાં બસ સીધી સવારે જ આવે. મારે બીજે દિવસે ઓફીસ જવાનું હતું. રજા માત્ર બે જ દિવસની મળી હતી. ના છૂટકે મારે ટિકિટ લેવી પડી અને સાડા ચાર કલાક રાહ જોવી પડી. હું બાંકડા પર બેઠો અને થોડા ગીત સાંભળ્યા. વિચાર આવ્યો કે પાછો રાહુલના ઘરે જાઉં પણ એ મને ઠીક ન લાગ્યું કેમકે એ બધા થાકી ગયા હોય અને એમને ખોટા હેરાન કરવા એના કરતાં અહીં જ હું રાહ જોઇશ.
12 વાગ્યા અને ઠંડી વધી રહી હતી. મારું જેકેટ પણ સાથ આપતું ન હતું. ઠંડી ખૂબ વધારે પ્રમાણમાં હતી. હું ઠંડીમાં ઠૂઠવાતો હતો. આખા રેલવે સ્ટેશનમાં હું એકલો હતો મને થોડી ચિંતા થવા લાગી કેમ કે આસપાસ કોઈ દેખાતું ન હતું.
12:30 વાગ્યા અચાનક કુતરાઓનો રડવાનો અવાજ આવ્યો. મને ડર લાગવા લાગ્યો. થોડે દૂરથી કોઈ આવતું દેખાયું એનું કદ ખૂબ જ ઊંચું હતું અને એ વ્યક્તિ થોડો જાડો હતો. પહાડ જેવું વિશાળ એનું કદ જોઈને મને થોડી આતુરતા થઈ કે આ વ્યક્તિ કેવો દેખાતો હશે હશે.
વ્યક્તિ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ કુતરાઓ વધારે જોરથી ભસવા લાગ્યા અને મને ડર લાગવા લાગ્યો. એ વ્યક્તિ થોડે જ દૂર હતો અને એનું મોઢું થોડું થોડું દેખાવા લાગ્યું. એના મોઢા પર એક ચેકો હતો અને લાંબી લાંબી દાઢી હતી એ વ્યક્તિ ગુંડા જેવો લાગતો હતો. એ વ્યક્તિ મારી સામે ઉભો રહી ગયો અને મને અજીબ રીતે જોતો હતો. મને ડર લાગ્યો એટલે હું ત્યાંથી ભાગ્યો. એ વ્યક્તિ પણ મારી પાછળ ભાગવા લાગ્યો. મને ખૂબ દૂર સુધી દોડાવ્યો અને મને જોરથી પકડી લીધો અને પકડીને નીચે બેસાડી દીધો. એક હાથે મને પકડી રાખ્યો હતો અને બીજા હાથે થી ઈશારાઓ કરવા લાગ્યો. મને ખબર પડી કે તે વ્યક્તિ બોલી શકતો નથી. ઈશારા કરીને કંઈક સમજાવી રહ્યો હતો પણ મને સમજાણું નહીં. તે વ્યક્તિએ વધારે ઈશારા કર્યા મને સમજાયું કે એ ભૂખ્યો છે અને કંઇક ખાવાનું માંગી રહ્યો છે. પછી સમજાયું કે એ એક ભિખારી હતો. મારી સામે રડવા લાગ્યો અને મને એના પર દયા આવી. મેં તેને સ્ટેશનથી થોડો નાસ્તો લઇ આપ્યો અને તેને ખવડાવ્યું. નાસ્તો કરીને તે ખૂબ ખુશ થયો. મારા માથા પર હાથ મૂકીને મને એની ઈશારાની ભાષા માં આશીર્વાદ આપ્યા. તેની મદદ કરીને અને એને હસતા જોઈને મને ખૂબ આનંદ થયો કે હું કોઈના કામમાં આવી શક્યો.
કોઈના બાહ્ય દેખાવ પરથી ક્યારેય નક્કી ના કરવું કે વ્યક્તિ સારો છે કે ખરાબ.
– આર. કે. ચોટલીયા