સેન્સેક્સે 60 હજારની સપાટી તોડી: નિફ્ટીમાં પણ તોતીંગ ગાબડાં, બેંક નિફ્ટી અને મિડકેપ ઇન્ડેક્સ પણ ભાંગીને ભૂક્કો
અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલા યુધ્ધ મામલે ભડકાવ નિવેદનો આપવામાં આવી રહ્યાં હોવાના કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં તોતીંગ કડાકા-ભડાકા જોવા મળી રહ્યાં છે. જેના કારણે આજે ભારતીય શેરબજારમાં પણ મંદીનું મહા વાવાઝોડું ફૂંકાયું હતું. શેરબજારે રોકાણકારોના રિતસર છોતરા કાઢી નાંખ્યા હતા. સેન્સેક્સે 60 હજારની સપાટી તોડતાં રોકાણકારોમાં સન્નાટો છવાઇ ગયો છે. નિફ્ટીમાં પણ તોતીંગ ગાબડાં જોવા મળી રહ્યાં છે. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ ભાંગીને ભૂક્કો થઇ ગયા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ આજે ધોવાણ જોવા મળ્યું હતું. બૂલીયન બજારને મંદીનો એરૂં આભડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ આગામી દિવસોમાં વધુ વિકરાળ બને તેવી દહેશતથી વિશ્ર્વભરના શેરબજારો થરથર ધ્રૂજી રહ્યાં છે અને મંદીનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતાં. વૈશ્ર્વિક બજારોમાંથી ખરાબ સમાચારના કારણે બજારમાં મંદી વિકરાળ બની હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 60 હજારની સપાટી તોડી હતી અને 59,681.55ના લેવલ સુધી ગરકાવ થઇ ગયો હતો. જ્યારે ઉપલા લેવલે 60462.90એ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં 1200 પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. જ્યારે નિફ્ટીમાં પણ આજે ગાબડાં નોંધાયા હતાં. નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં 17529.45ની સપાટી સુધી ઘૂસી ગઇ હતી અને ઉપલા લેવલે 17772.50એ પહોંચી હતી. 250 પોઇન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ આજે પડીને પાદર થઇ ગયા હતાં.
આજે બજારમાં મહામંદી જોવા મળી હતી છતાં વોલ્ટાસ, યુરોબિન્ડો, ફાર્મા, પેટ્રોનેટ, એબોર્ટ ઇન્ડિયા, વોડાફોન-આઇડીયા જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ સહિતની અદાણી ગૃપની તમામ કંપનીઓ ઉપરાંત એસીસી, અંબુજા સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ, પીએનબી, એફચીએફસી ફર્સ્ટ બેંક, ટાટા સ્ટીલ સહિતની કંપનીઓના ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા હતાં. બૂલીયન બજારમાં પણ મંદી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવ તૂટ્યા હતાં. ડોલર સામે રૂપિયો પણ આજે નબળો રહ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 813 પોઇન્ટના ઘટાડા સાથે 59859 અને નિફ્ટી 247 પોઇન્ટના ઘટાડા સાથે 17580 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે ડોલર સામે રૂપિયો ચાર પૈસાની નબળાઇ સાથે 82.84એ ટ્રેડ કરી રહ્યો છે.