રાજકોટ કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાને સુજલામ-સુફલામ જળ અભિયાન – 2021 અંતર્ગત સબંધિત અધિકારીઓની બેઠક આગોતરા આયોજનના ભાગરૂપે યોજાઇ હતી.

ચોમાસા પૂર્વે જળ સંગ્રહનો વ્યાપ વધારવા અને લોકભાગીદારીથી જળ સંચયના કાર્યો કરવા માટેનું રાજય વ્યાપી અભિયાન 1 એપ્રીલથી 31મેં સુધી ચાલનાર  છે ત્યારે રાજકોટ જિલ્લામાં આ અભિયાન અન્વયે થનારા જળસંચયના વિવિધ કામોના સુચારૂ આયોજનની ચર્ચા વિચારણા બેઠકમાં કરાઇ હતી. આ કાર્યમાં લોકભાગીદારી, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, એ.પી.એમ.સી.નો સહકાર પણ આવકાર્ય રહેશે.

અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ કયા તાલુકાના, કયા ગામોમાં, કેટલા અને કયા કામો થશે તેની સમીક્ષા કરી હતી. તેમજ રાજકોટ શહેરમાં પણ વધુમાં વધુ જળસંચયના કામો કરવા જણાવ્યું હતું. કામગીરી શરૂ કર્યા પહેલા અને પૂરી થઇ ગયા પછીના કામોના ડોકયુમેન્ટસની પણ સુચના અપાઇ હતી.

ચોમાસાના પાણીને ભૂગર્ભ જળ તરીકે સંગ્રહિત કરવા માટે તળાવ ઉંડા ઉતારવા, તળાવોના આવરા સાફ કરવા, નહેરોની સફાઇ,  નવા તળાવ બનાવવા, હયાત ચેકડેમો-જળાશયો- કેનાલનું ડી-શીલ્ટીંગ કરવા, નદીઓ પુન: જીવિત કરવા તથા મરામત અંગેની કામગીરીની વિગતવાર ચર્ચા આ બેઠકમાં કરાઇ હતી. આ કામગીરીના સુચારૂ અમલવારી માટે અમલીકરણ સમિતિ કાર્યરત કરાઇ છે.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, કાર્યપાલક ઇજનેર એસ.જી.પટેલ, ખેતીવાડી અધિકારી રમેશ ટિલવા, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલદારઓ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.