પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શરૂ કરેલી પરંપરાને આગળ ધપાવતા ભૂપેન્દ્રભાઇ પટેલ: મહિલા ધારાસભ્યોની રજૂઆતને સફળતા
15મી ગુજરાત વિધાનસભામાં 15 મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહિલા ધારાસભ્યોને પોતાના વિસ્તારના વિશેષ વિકાસ માટે 1 કરોડ રૂપીયાથી વધુ ગ્રાન્ટ ફાળવવાની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારે પણ આગળ ધપાવી છે. આગામી વર્ષ પણ મહિલા ધારાસભ્યોને એક કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેવી સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.
આ અંગે “અબતક” સાથે વિશેષ વાતચિત કરતા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજકોટ પશ્ર્ચિમ બેઠકના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેઓના કાર્યકાળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાતના મહિલા ધારાસભ્યોને વિશેષ એક કરોડ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્યોને તેઓના મત વિસ્તારના વિકાસ માટે વાર્ષિક રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે.
દરમિયાન મહિલા ધારાસભ્યોને વિશેષ એક કરોડની ગ્રાન્ટ સાથે અઢી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ગઇકાલે 15મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ભાજપના 14 અને કોંગ્રેસના એક સહિત 15 મહિલા ધારાસભ્યોએ મહિલા દિન નિમિતે મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવતી 1 કરોડની વિશેષ ગ્રાન્ટની પરંપરા યથાવત રાખવા રજૂઆત કરી હતી. નાણામંત્રીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
જેનો સીએમ તથા નાણામંત્રી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. મહિલા ધારાસભ્યોને એક કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેનો ઉપયોગ તેઓ પોતાના વિસ્તારમાં વિશેષ વિકાસ કામો માટે કરી શકશે.
મહિલા ધારાસભ્યોની ટીમ દુર્ગા અને અંબિકા ઇલેવન વચ્ચે સાંજે ક્રિકેટ જંગ
મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 15 જ હોય વિધાનસભાના મહિલા અધિકારીનો પણ ટીમમાં સમાવેશ
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો વચ્ચે હાલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. દરમિયાન આજે સાંજે 6 કલાકથી ગાંધીનગરના જી.એસ. મેદાન ખાતે મહિલા ધારાસભ્યો વચ્ચે
ક્રિકેટ જંગ ખેલાશે. હાલ ગૃહમાં ભાજપના 14 અને કોંગ્રેસના 1 સહિત કુલ 15 ધારાસભ્યો છે. ક્રિકેટની બે ટીમ બનાવવા માટે ઓછામાં ઓછા 22 ખેલાડીઓની આવશ્યકતા રહે છે. આવામાં બે ટીમો બનાવવા માટે ગુજરાત વિધાનસભામાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક ટીમનું નામ દુર્ગા ઇલેવન અને બીજી ટીમનું નામ અંબિકા ઇલેવન રાખવામાં આવ્યું છે. મેચ 10-10 ઓવરની રહેશે. ક્રિકેટ મેચને લઇ મહિલા ધારાસભ્યો અને વિધાનસભાના મહિલા અધિકારીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુર્ગા ઇલેવનનું નેતૃત્વ પંચમહાલ બેઠકના ધારાસભ્ય ડો.નિમીષાબેન સુથાર કરશે. જ્યારે અંબિકા ઇલેવનના સુકાની તરીકે કચ્છની ગાંધીધામ બેઠકના ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરી રહેશે.