પૂરૂષ પ્રધાન માજમાં જન્મથી જ સ્ત્રીને પૂરૂષનું આધિપત્ય સ્વીકારી લેવાની અને સ્ત્રીની મર્યાદાઓ સમજી એમાંજ ઉછરવાની સલાહ આપતા વર્તમાન સમમાં લગભગ દરેક ક્ષેત્રે ધીમેધીમે પણ મકકમ ગતિએ સ્ત્રી પ્રગતિ કરતી થઈ છે. અને પોતાની મહેનત કૌશલ્ય અને હિંમતથી પોતાનું ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કરી રહી છે.
ક્રિકેટ આમેય મેલ ડોમીનેટેડ રમત રહી છે. મહિલા ક્રિકેટની ભારતીય ટીમ પોતાનું કૌવત બતાવતી આવી છે. છતા એની સામાન્ય રીતે બહુ નોંધ લેવાતી નથી આવા વાતાવરણ વચ્ચે ક્રિકેટની રમતમાં સ્કોરર તરીકે પોતાનું સ્થાન જમાવનાર સેજલ દવે મહેતાએ વુમન્સ ડે નિમિતે અબતક સાથે ચાય પે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતુ કે છોકરીઓને આમેય ઘરનાં બંધનો મા-બાપ કે અન્ય કુટુંબીઓ દ્વારા ભાગ્યે જ મળતો સપોર્ટ અને પરિણીત મહિલાઓ માટે તો ઘર કુટુંબ પતિ અને બાળક વિગેરેની જવાબદારી સાથે પોતાની કેરીયર બનાવવી એ સ્વાભાવિક રીતે જ મુશ્કેલ કામ છે. જોકે આ મુશ્કેલ છે. પણ અસંભવ નથી જ એવા આત્મવિશ્ર્વાસ સાથે પોતાની વાત કરતા તેમણે જણાવ્યું કે મુળ તો એમને હોકીનો શોખ અને વિવિધ સ્તરે હોકીની રમતમાં નેશનલ લેવલ સુધી એમની પસંદગી પણ થઈ હતી. પરંતુ અભ્યાસ દરમ્યાન જ ક્રિકેટમાં સ્કોરર તરીકેની પરીક્ષા લેવાતી હતી ત્યારે આખા દેશમાંથી માત્ર બે જ મહિલાઓ આ પરીક્ષા પાસ કરી શકી જેમાની એક પોતે હોવાનું એમને ગર્વ છે.
બીસીસીઆઈના સ્કોરર તરીકે ડિસ્ટ્રીકટ લેવલથી લઈને આંતર રાષ્ટ્રીય મેચ સુધીની લગભગ સૌ જેટલી ટુર્નામેન્ટમાં સ્કોરર તરીકેની કામગીરી બજાવી છે.
ક્રિકેટના જ શોખીન નિશાંત મહેતા સાથે લગ્ન કરી સેજલ દવેમાંથી સેજલ દવે મહેતા બનેલા સેજલ બહેને બહુ ભાર પૂર્વક જણાવ્યું કે લગ્ન પછી સ્ત્રીની જવાબદારી અનેક ગણી વધી જાય છે. પણ તેઓ બહુ નસીબદાર છે કે તેમને પતિ તેમજ સ્વશ્ર્વુર પક્ષના તમામ સભ્યોનો ખૂબજ સહયોગ મળ્યો છે. પોણા ત્રણ વર્ષની નાનકડી દીકરીની માતા હોવા છતા સ્કોરર તરીકેને જોબ ઘર અને માતા તરીકેની સંપૂર્ણ જવાબદારી યોગ્ય પ્લાનીંગ કરીને સંભાળી શકે છે.
પોતાના સ્કોરર તરીકેના અનુભવ જણાવતા એમણે કહ્યું હતુ કે શરૂઆતમાં બહુ થોડા સમય માટે બધા પુરૂષોની વચ્ચે કામ કરતા થોડો ખચકાટ જરૂર થાય પણ તમામ ખેલાડીઓ અને અન્ય અધિકારીઓનો સહયોગ બહુ સહજતાથી પોતાનું સ્થાન જમાવવામાં મદદરૂપ બને છે.
ક્રિકેટ માટે ભારતમાં જે ક્રેઝ છે એની વાત કરતા એમણે જણાવ્યું કે ભારતની મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શનને પણ લોકોએ નજરમાં લેવુંં જ જોઈએ. આજના સમયમાં સ્ટડી દરેક ક્ષેત્રે આગળ આવી રહી છે. ત્યારે સરકાર પણ મહિલાઓને પ્રોત્સાહન મળે એ માટે અને અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે એ માટે હજી વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. એમ જણાવતા ખાસ કહ્યું કે, ક્રિકેટ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન બહુ સારી કામગીરી બજાવી રહ્યું છે. અને ખેલાડીઓને કુશળતા પ્રમાણે તક મળે એ બાબતે સજાગ છે.