વિશેષ બેંચની રચના કરવા ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની મંજૂરી
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા ૧૧ દોષિતોને અકાળે મુક્ત કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારના આદેશને પડકારતી અરજીઓ પર સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવા સંમત થયા છે.
બિલ્કીસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ સમક્ષ આ મામલાને રજૂ કર્યો હતો.
એડવોકેટ ગુપ્તાએ હાઈલાઈટ કર્યું છે કે, જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ મામલાની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા છે. આમ, ગુપ્તાએ ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવા વિનંતી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એક વિશેષ બેંચની રચના કરવા માટે સંમત થયા અને કહ્યું કે તેઓ આ મામલાને વહેલી તકે સૂચિબદ્ધ કરશે.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ ૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ આ મુદ્દાને લગતી પીઆઈએલની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા. ઈનકાર એ આધાર પર કર્યો હોવાનું જણાય છે કે ન્યાયમૂર્તિ ત્રિવેદીને ૨૦૦૪-૨૦૦૬ દરમિયાન ગુજરાત સરકારના કાયદા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.